કાંદિવલીની એસવીપી સ્કૂલ ફી વધારા વિશે ફેરવિચાર કરશે…
વાલીઓના વિરોધ પછી મેનેજમેન્ટની ખાતરી: ઈન્ટરનેશનલ સ્કૂલ જેવી સુવિધાઓ 10,000 રૂપિયાની ફીમાં આપવા કટિબદ્ધ છે કેઈએસ દ્વારા સંચાલિત આ શાળા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના કાંદિવલીની અત્યંત પ્રતિષ્ઠિત કાંદિવલી એજ્યુકેશન ટ્રસ્ટ (કેઈએસ) દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (એસવીપી) સ્કૂલની ફીમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફીમાં થઈ રહેલા વધારાનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ સ્થાનિક રાજકારણી સાથે બુધવારે શાળામાં પહોંચ્યા હતા. આ વાલીઓના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ શાળાના સંચાલકો દ્વારા તેમની માગણીઓ પર વિચાર કરવાની ખાતરી આપવામાં આવી હતી.
વાલીઓ દ્વારા ‘મુંબઈ સમાચાર’ને એવી માહિતી આપવામાં આવી હતી કે 2024-25માં શાળા દ્વારા ફીમાં વધારો કરીને વાર્ષિક 5,000 રૂપિયાની ફીને વધારીને પ્રાઈમરી સેક્શનમાં 6,000 રૂપિયા અને સેકેન્ડરીમાં 6,600 રૂપિયા કરવામાં આવી હતી. એ જ વખતે વાલીઓને એવું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું કે દરવર્ષે ફીમાં ફક્ત 10 ટકાનો વધારો કરવામાં આવશે. આમ છતાં 2025-26ના વર્ષ માટે ફી માળખાની જાહેરાત કરવામાં આવી ત્યારે ફી વધારીને સીધી 10,000 રૂપિયા કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળતાં અનેક વાલીઓને આઘાત લાગ્યો હતો.
અચાનક ફીમાં કરવામાં આવેલા જંગી વધારા સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે સેંકડો વાલીઓ બુધવારે બપોરે શાળા પાસે એકઠા થયા હતા. કાંદિવલી વિસ્તારની આ જાણીતી સ્કૂલમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ નિમ્ન મધ્યમ-વર્ગ અને ગરીબ વર્ગમાંથી આવે છે અને આટલો જંગી ફી-વધારો તેમને પરવડી શકે તેમ ન હોવાથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મેનેજમેન્ટનું શું કહેવું છે?
શાળા દ્વારા કરવામાં આવેલા ફી-વધારા અંગે પૂછવામાં આવતા સંચાલક મંડળમાં રહેલા મહેશ ચંદારાણાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે વાલી મંડળની બેઠકમાં ફી-વધારાના પ્રસ્તાવને 99:01ના તફાવતથી મંજૂરી આપવામાં આવી હતી. અત્યારે જે ફી વધારો કરવામાં આવી રહ્યો છે તે માસિક 300 રૂપિયા જેટલો થવા જાય છે. કેઈએસની સ્કૂલમાં વાર્ષિક 10,000 રૂપિયામાં જે સુવિધા આપવામાં આવી રહી છે એવી સુવિધા અન્ય સ્કૂલોમાં એક-દોઢ લાખની ફી લઈને આપવામાં આવે છે.
અમારો સંકલ્પ છે કે અમારી સ્કૂલમાં ગરીબમાં ગરીબ વિદ્યાર્થી પણ વૈશ્ર્વિક સ્તરનું શિક્ષણ મેળવે એટલા માટે જ અમે પ્રાઈમરીમાં ગ્રાન્ટ ન મળતા વર્ગોના વિદ્યાર્થીઓને પણ ગ્રાન્ટ મેળવતા વર્ગો જેટલી જ ફીમાં પણ એટલી જ સુવિધા આપી રહ્યા છીએ. અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે, એમ પણ મહેશ ચંદારાણાએ જણાવ્યું હતું.
અત્યારે વર્ષે દોઢ કરોડનું નુકસાન
કેઈએસના સંચાલકમંડળના બિજલ દત્તાણીએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે કેઈએસ સ્કૂલમાં જે રીતની ઓવરઓલ ડેવલપમેન્ટ માટે જે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે તેની સરખામણી અન્ય સ્કૂલો સાથે કરવામાં આવે તો માસિક બે-ચાર હજારનો ખર્ચ થતો હોય છે, પરંતુ આપણી સ્કૂલમાં આવો કોઈ વધારાનો ખર્ચ વિદ્યાર્થીઓ પર નાખવામાં આવતો નથી. અત્યારે સ્કૂલ દરવર્ષે લગભગ એક-દોઢ કરોડની ખોટમાં ચાલી રહી છે, આમ છતાં સંચાલકો વિદ્યાર્થીઓના હિતને વરેલા હોવાથી આ બોજ વિદ્યાર્થીઓ પર નાખવામાં આવ્યો નથી.
પ્રાઈમરી વિભાગમાં કેટલાક વર્ગોને સરકાર તરફથી મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવતો હોવા છતાં એ વર્ગોના વિદ્યાર્થીઓ પાસેથી નોન-એઈડેડની ફી લેવાને બદલે બાકીનો બોજ સંસ્થા અત્યારે ઉઠાવી રહી છે. સ્કૂલ નુકસાનમાં હોવા છતાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો જ કરવામાં આવી રહ્યો છે. અમારા અગાઉના સંચાલકો વિદ્યાર્થી હિતને વરેલા હતા અને અમે તેમનો વારસો આગળ લઈ જઈશું. વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. વાલીઓની માગણી પર સંસ્થાની સંચાલક મંડળની બેઠકમાં ચોક્કસ વિચાર કરવામાં આવશે.
ઈન્ટરનેશનલ સ્કૂલોની સુવિધા
સમગ્ર સંકુલમાં સીસીટીવી કેમેરા, સ્વચ્છતા માટે હાઉસકિપીંગ સ્ટાફ, સિક્યોરીટ સ્ટાફ 24 કલાક માટે, ત્રણ મોટી અને એક નાની લિફ્ટ, ડિજિટલ ક્લાસરૂમ, કમ્પ્યુટર લૅબ, સ્પીચ-ડ્રામા ટ્રેનિંગ, મ્યુઝિક, ડાન્સ, મલ્લખાંબ, સ્પોર્ટસ કોચિંગ, ફૂટબોલ ટીમ, દિવાળી અને ક્રિસમસમાં વિદ્યાર્થીઓને ભેટ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ, યોગા અને કરાટેની તાલીમ, ક્રિકેટ અને વોલીબોલની તાલીમ આ બધી સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે.