સ્પોર્ટસ

ધારાવીની ‘રોકસ્ટાર ક્રિકેટર’ પાસેથી ક્રિકેટ જ નહીં, પણ રિયલ જિંદગીના પાઠ જાણવા જેવા છે

ઓક્શનમાં સૌથી મોંઘી ભારતીય મહિલા ક્રિકેટર છે

મુંબઈઃ આ વર્ષે 13 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક મેચ રમાઈ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગુજરાતની ટીમને જીતવા માટે 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતની ઇનિંગ્સની 15મી ઓવરમાં વ્હાઈટ બોલ ક્રિકેટની વિશ્વની શ્રેષ્ઠ ઓલરાઉન્ડર નતાલી સાયવર બ્રન્ટ, ગુજરાત જાયન્ટ્સની સિમરન શેખને બોલિંગ કરી રહી હતી. સિમરન આઠમા નંબરે બેટિંગ કરવા આવી હતી. એવું નહોતું કે ફક્ત ગુજરાત જાયન્ટ્સના ચાહકો જ જીત માટે પ્રાર્થના કરી રહ્યા હતા. મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં, સિમરનનો પરિવાર અને તેના સેંકડો ચાહકો અને પ્રશંસકો 23 વર્ષીય ધારાવી નિવાસી કોઈ ચમત્કાર કરી શકશે કે કેમ તે અધ્ધરજીવે જોઈ રહ્યા હતા.

નતાલી સાયવર બ્રન્ટની ઓવરમાં સિમરને બે ચોગ્ગા અને એક શાનદાર છગ્ગો ફટકાર્યો. આનાથી ધારાવી અને તેની બહારના તેના ચાહકોમાં ખુશી છવાઈ ગઈ. પરંતુ થોડા વખત પછી તે 8 બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે દિવસે મુંબઈ ઈન્ડિયન્સને હરાવવા માટે તે કંઈ ખાસ કરી શકી નહોતી, પરંતુ સિમરન શેખ પહેલેથી જ મુંબઈની મહિલા ક્રિકેટ ટીમની રોકસ્ટાર છે.

આપણે સિમરન શેખ અને તેની અદ્ભુત સંઘર્ષ કથા જાણવા જેવી છે. ધારાવીમાં ગલી ક્રિકેટ રમીને ક્રિકેટની બારીકાઇ શીખનાર ઇલેક્ટ્રિશિયનની પુત્રીએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ડિસેમ્બર 2024માં સિમરને ગુજરાત જાયન્ટ્સે WPL મિનિ ઓક્શનમાં 1.9 કરોડ રૂપિયામાં ખરીદતા તે ચર્ચામાં આવી હતી. તે હરાજીમાં તે ભારતની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી હતી. સિમરને ત્યારે કહ્યું હતું કે, “શરૂઆતમાં મને ફક્ત એવી આશા હતી કે કોઈ ટીમ મને ખરીદશે. પણ જ્યારે કિંમત ૧ કરોડ રૂપિયાને વટાવી ગઈ, ત્યારે હું આશ્ચર્યચકિત અને અવાચક થઈ ગઈ હતી. અચાનક મારી મહેનતની કદર થઈ હતી.”

આ પણ વાંચો: એકેય સેન્ચુરી ન થઈ, પણ ત્રણ વિદેશી બૅટ્સમેને લખનઊને 238/3નો તોતિંગ સ્કોર અપાવ્યો

સિમરન તેના સાત ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. ધારાવીમાં ફક્ત ૧૦ બાય ૧૬ ફૂટની એક ખોલીમાં ૧૧ લોકોનો પરિવાર રહે છે. ધારાવીના લાખો અન્ય રહેવાસીઓની જેમ તેમની પાસે પીવાનું સ્વચ્છ પાણી, સારી આરોગ્ય સેવાઓ, શિક્ષણ કે કોઈ પણ પ્રકારની જાહેર સેવાઓની સુવિધા નહોતી. મુંબઈનો આ ભાગ ઝેરી પ્રદૂષણથી ગ્રસ્ત છે અને અહીં કચરા વ્યવસ્થાપનની પણ કોઈ વ્યવસ્થા નથી, તેથી શહેરના સૌથી પછાત વિસ્તારમાં સિમરને અન્ય ઘણા ધારાવીવાસીઓ માટે સફળતાનો રસ્તો મોકળો કર્યો હતો.

સિમરનના પિતા પણ છે સારા ક્રિકેટર

સિમરને જણાવ્યું કે તેને ક્યારેય ખ્યાલ નહોતો કે તેની સામે કેટલી મુશ્કેલીઓ ઉભી છે. તે ફક્ત એટલું જ જાણતી હતી કે તેને ક્રિકેટ ખૂબ ગમે છે,જેમાં બોલને શક્ય તેટલો જોરથી મારવાનો હોય છે. તેને એક જ વાતની ચિંતા હતી કે, છોકરાઓ તેને તેમની સાથે રમવા દેશે કે નહીં. સિમરનના પિતા ઝાહિદ અલી શેખ તેમની યુવાનીમાં એક સારા બોલર હતા. ૧૯૯૦ના દાયકામાં, તેઓ ધારાવીની બહાર પણ ટેનિસ બોલ ક્રિકેટની દુનિયામાં પ્રખ્યાત હતા, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ અને જવાબદારીઓને કારણે તેઓ પોતાની પ્રતિભાને આગળ લઈ જઈ શક્યા નહીં.

સિમરનની પ્રતિભાને કઈ રીતે ઓળખ મળી?

જ્યારે ધારાવીમાં સિમરન ઘરોની બારીઓ તોડવા અને લોખંડની ગ્રીલ હલાવવા લાગી અને મોટા છોકરાઓ પણ ક્રિકેટના મેદાનમાં તેનો આદર કરવા લાગ્યા, ત્યારે તેના માતાપિતાએ તેને ટેકો આપવાનું નક્કી કર્યું. સિમરનની માતા અખ્તર બાનોએ તે સમય યાદ કરતા કહ્યું કે,”અમારા સમાજમાં છોકરી ક્રિકેટ રમે તે સામાન્ય નહોતું. લોકો સિમરન વિશે જાતજાતની વાતો કરતા હતા. તેઓ અમારા ઉછેર પર પણ સવાલો કરતા. પણ મારા પતિ, હું અને તેના ભાઈ-બહેન સિમરનનું સ્વપ્ન પૂરું કરવા માંગતા હતા. તે ક્રિકેટ રમવા માંગતી હતી અને તેને મદદ કરવાની અમારી જવાબદારી હતી.”

આ પણ વાંચો: MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને બોલિંગ લીધી, રોહિત-બુમરાહની એન્ટ્રી

અભ્યાસ છોડ્યા પછી ક્રિકેટ પર ધ્યાન આપ્યું
સિમરનને કેટલાક લોકોએ ટેકો પણ આપ્યો. તેની પ્રતિભાને સૌપ્રથમ આરસી માહિમ સ્કૂલના શિક્ષિકાએ ઓળખી હતી. તેણે કહ્યું કે સિમરનને ભણવાનું પસંદ નથી, પણ તે એક મહાન ખેલાડી બની શકે છે.” સિમરને ધોરણ ૧૦ પછી અભ્યાસ છોડી દીધો અને સંપૂર્ણપણે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પૈસાની ખેંચ પણ એક મોટી અડચણ હતી, પરંતુ અહીં પણ લોકોએ મદદ કરી. એક સ્પોર્ટ્સ શોપના માલિકે સિમરન માટે ક્રિકેટ કીટ ખરીદવામાં મદદ કરી.

ધારાવીના રહેવાસીઓની સંઘર્ષ યાત્રા

સિમરનના પરિવારની વાર્તા ધારાવીના લાખો રહેવાસીઓની વાર્તા જેવી જ છે. ધારાવીથી WPL સુધી, સિમરનની સફર અસાધારણ છે. ધારાવીની શેરીઓ પ્રતિભાથી ભરેલી છે. વ્યવસાયથી લઈને ઉત્પાદન, સંગીત, નૃત્ય, ક્રિકેટ અને શિક્ષણ ક્ષેત્ર સુધી – ધારાવીના રહેવાસીઓએ દરેક ક્ષેત્રમાં પોતાને સાબિત કર્યા છે. મુંબઈ સહિત ભારતના ઘણા શહેરોમાં હજારો ઝૂંપડપટ્ટીઓ આપણને ઘણી સિમરન શેખ આપી શકે છે. પરંતુ શું આપણે તેમને ટેકો આપવા માટે પૂરતું કરી રહ્યા છીએ?

સપનાઓને ફોલો કરો ચોક્કસ સાકાર થશે

જ્યારે સિમરનને પૂછવામાં આવ્યું કે તે ૧.૯ કરોડ રૂપિયાનું શું કરશે, ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું, “મોટું ઘર ખરીદીશ.” પરિવાર વર્ષોથી મોટા ઘરનું સ્વપ્ન જોઈ રહ્યો છે. હું ધારાવીની અન્ય છોકરીઓને કહેવા માંગુ છું કે તેઓ પણ કંઈક મોટું હાંસલ કરી શકે છે. તેમણે પોતાના સપનાઓનો પીછો કરવો જોઈએ અને તે ચોક્કસપણે સાકાર થશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button