આમચી મુંબઈ

તુળજાપુર ડ્રગ્સ જપ્તીનો કેસ: 14 જણની ધરપકડ, 35નાં નામ આરોપી તરીકે…

છત્રપતિ સંભાજીનગર: ધારાશિવ જિલ્લામાં મંદિરનું નગર તુળજાપુર નજીક બે મહિના અગાઉ ડ્રગ્સ જપ્ત કરવાના મામલે પોલીસે અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 35 જણનાં નામ આરોપી તરીકે છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

ધારાશિવ પોલીસે 14 ફેબ્રુઆરીએ સોલાપુર-તુળજાપુર માર્ગ પર તામલવાડી ચેકપોસ્ટ નજીકથી 2.5 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ડ્રગ્સ તુળજાપુર મોકલવામાં આવી રહ્યું હતું, જે દેવી તુળજા ભવાનીના મંદિર માટે પ્રખ્યાત છે. ધારાશિવના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) સંજય જાધવે જણાવ્યું હતું કે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 14 પર પહોંચી છે. તપાસ અનુસાર મુંબઈથી મેફેડ્રોન તુળજાપુર પહોંચ્યું હતું. મુંબઈની મહિલા, તેનો પતિ તથા અન્ય એક વ્યક્તિએ આ ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. મહિલા અને એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 35 આરોપી છે અને અમે અન્ય 21 સામે કાર્યવાહી કરીશું.

ડ્રગ્સના રેકેટમાં તુળજાપુર મંદિરના અમુક પૂજારીઓની કથિત સંડોવણી અંગે પૂછવામાં આવતાં એસપી જાધવે કહ્યું હતું કે અમે આ અંગે વિગતો શૅર કરી શકતા નથી, કારણ કે આરોપનામું હજી દાખલ કરવામાં આવ્યું નથી. તુળજાપુર મંદિરના તમામ પૂજારી સામે આંગળી ચીંધવી ખોટું છે, પણ જે કોઇ તેમાં સંડોવાયેલું જોવા મળશે તેને આરોપી તરીકે ગણવામાં આવશે.

તુળજાપુરના પાલિકર પૂજારી મંડળના પ્રમુખ બિપિન શિંદેએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 11 પૂજારીનાં નામ સામે આવ્યાં છે. જોકે આ કેસમાં જે પૂજારીનાં નામ આપવામાં આવ્યાં છે, તેમાંના મોટાભાગના પૂજારી (તુળજા ભવાની) મંદિરમાં આવતા પણ નથી. આથી બધા પૂજારીની બદનામી ન થવી જોઇએ. જે પૂજારીઓ દોષિત ઠરશે તેમના પર પ્રતિબંધ મુકાશે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button