ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી 3.56 કરોડ રૂપિયા પડાવ્યા: ભરૂચના ત્રણ સહિત આઠની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી બોઈસરના સિનિયર સિટિઝન પાસેથી 3.56 કરોડથી વધુ રૂપિયા પડાવવાના કેસમાં પાલઘર પોલીસે ગુજરાતના ભરૂચ જિલ્લામાં રહેતા ત્રણ યુવાન સહિત આઠ જણની ધરપકડ કરી હતી.
બોઈસર પોલીસ અને પાલઘર સાયબર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી ઝકરિયા અસરાર ઝોયા (25), શોએબ મોહમ્મદ હનીફ શાહ (29), રિઝવાન સાબીર હુસેન મલિક (34), મોહમ્મદ સૈફ રિઝવાન અહમદ અન્સારી (26), મોહમ્મદ ફૈઝ રિઝવાન અહમદ અન્સારી (25), મોહમ્મદ ઝોએબ રિઝવાન અહમદ અન્સારી (20), ગુણવંત રામરાવ મતે (33) અને બાબર મોહમ્મદ સિરાઝ ખાન (30)ની ધરપકડ કરી હતી. ઝકરિયા, શોએબ અને રિઝવાન ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વરમાં રહેતા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સાયબર ફ્રોડ કરનારી ટોળકીએ 18 ડિસેમ્બર, 2024થી 10 ફેબ્રુઆરી, 2025 દરમિયાન બોઈસરમાં રહેતા અનિલકુમાર આરેકર પાસેથી 3.56 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ પ્રકરણે બોઈસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેની સમાંતર તપાસ સાયબર પોલીસે હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓએ અલગ અલગ સમયે ફરિયાદીને વ્હૉટ્સઍપ કૉલ્સ કર્યા હતા. ફરિયાદીનો મોબાઈલ નંબર ગેરકાયદે એડ્વર્ટાઈઝિંગ અને હેરેશમેન્ટમાં ટ્રેસ થયો હોવાનું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું. અંધેરી પોલીસ સ્ટેશનના અધિકારીના સ્વાંગમાં ફોન કરનારા શખસે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. બાદમાં સીબીઆઈના વકીલને પણ કોન્ફરન્સ કૉલ પર જોડવામાં આવ્યા હતા.
સીબીઆઈ તમારી કસ્ટડી લેવાના છે. તમારી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી છે. સહકાર નહીં કરો તો દસ મિનિટમાં પોલીસ ઘરે આવીને તમને લૉકઅપમાં લઈ જશે. વળી, આ કાર્યવાહી ગુપ્ત નહીં રાખો તો પાંચ વર્ષની વધુ સજા થઈ શકે છે, એવો ભય ફરિયાદીને બતાવાયો હતો. આ મિશન સિક્રેટ નહીં રહે તો આરોપીઓએ ફરિયાદીની દીકરીને તકલીફ પહોંચવાની પણ ધમકી આપી હતી.
ફરિયાદીને તેમના બૅન્ક ખાતામાંની રકમ આરોપીઓએ અલગ અલગ બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી. આ રકમ તપાસ પૂરી કરીને 10 માર્ચ, 2025 સુધીમાં પાછી આપવાની ખાતરી આરોપીએ આપી હતી. જોકે નાણાં પાછાં ન મળતાં પોતે છેતરાયા હોવાની જાણ ફરિયાદીને થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ત્રણ આરોપીને અંકલેશ્ર્વર, ચારને નાગપુર અને એકને બિહારથી તાબામાં લેવાયો હતો. આરોપીઓને કોર્ટે 11 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.