મુંબઈ સમાચાર સ્પેશિયલઃ કૉંગ્રેસ પાસે યુવાનેતાઓની કમી નથી, પણ પક્ષ પોતાની તાકાત પિછાણતી નથી

અમદાવાદઃ અમદાવાદમાં કૉંગ્રેસ પક્ષનું મહાઅધિવેશન યોજાઈ રહ્યું છે. આ બે દિવસીય અધિવેશન આજે સાંજે સમાપ્ત થશે, પરંતુ કૉંગ્રેસ પક્ષ ફરી બેઠો થાય તે માટે પક્ષે મહામહેનત કરવાની જરૂર છે અને તે માટે પક્ષનું નવર્સજન કરવાની જરૂર છે. પણ કૉંગ્રેસની સમસ્યા એ છે કે તેમની પાસે જે તાકાત છે તેને અજમાવતા તેમને આવડતું નથી અથવા તેમને આમ કરવું નથી.
કૉંગ્રેસ જનતાની સામે હંમેશાં તેનો ખૂબ જ જોવાયેલો (ચવાયેલો) જૂનો ચહેરો જ મૂકે છે, પરંતુ તેમના યુવાનેતાઓ આજના મતદારોને આકર્ષી શકે તેમ છે અને નવા સમયની માંગ છે કે નવા ચહેરાઓ જનતા સમક્ષ જાય અને જનતાને પણ નવી, યુવાન કૉંગ્રેસ જોવા મળે.
માત્ર રાહુલ નહીં કૉંગ્રેસ પાસે ઘણા યુવાચહેરા
કૉંગ્રેસ દેશના યુવાચહેરા તરીકે રાહુલ ગાંધીને પક્ષ આગળ કરે છે અને પક્ષને તેનો ફાયદો પણ થયો છે. પરંતુ સ્થાનિક અને રાજયસ્તરે પક્ષ પાસે ઘણા યુવાચહેરા છે જે રાષ્ટ્રીય સ્તરે પણ ચમકી શકે છે. કૉંગ્રેસના અધિવેશનમાં આ નેતાઓને જ્યારે મંચ પરથી બોલવાનો મોકો મળ્યો અને તેમની વાત કૉંગ્રેસીઓએ જે રીતે વધાવી તે જોતા લાગી રહ્યું છે કે પક્ષે અનુભવી અને વરિષ્ઠ નેતાઓના અનુભવનો લાભ લઈ નવી નેતાગિરીને પોષવી જોઈએ અને જનતા સમક્ષ આ નવો ચહેરો લાવવો જોઈએ.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં કહ્યું, આપણે દલિત-મુસ્લિમોમાં ફસાયેલા રહ્યા ને ઓબીસી દૂર થઈ ગયા…
કૉંગ્રેસના રાજસ્થાનના વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ટીકા રામ જુલી, રાજ્યસભાન સાંસદ અને કવિ ઈમરાન પ્રતાપગઢી, ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેહન ઠાકુર, રાજસ્થાનના મજબૂત નેતા સચિન પાયલટ વગેરે નેતાઓને તો પક્ષની કમાન સોંપાય અથવા તેમને સતત પ્રોત્સાહન આપી જનતાની સામે, મીડિયા સામે રજૂ કરવામાં આવે તો નવી પેઢીને કૉંગ્રેસ તરફ ઢળતી કરી શકાય તેમ છે, પરંતુ કૉંગ્રેસ તેમના આવા નેતાઓની તાકાતને પિછાણતી નથી અથવા તો કૉંગ્રેસનો જૂથવાદ અને વરિષ્ઠોની ખુરશી ન છોડવાન વૃત્તિ આ નવા ચહેરાઓને પ્રકાશમાં આવવા દેતી નથી.
મલ્લિકાર્જુન કરતા અન્ય નેતાઓ વધારે પ્રભાવશાળી
કોઈપણ પક્ષના નેતા અને ખાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાના પદ પર બેસેલા નેતા માટે મજબૂત ભાષણ આપવું અને પક્ષમાં જોમ ભરવું અનિવાર્ય છે. પોતાના જ કાર્યકર્તાઓ સાથે જોડાયેલા રહેવા માટે પણ સ્પષ્ટ અને બેબાક વાચા અને ભાષણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. એક દલિત નેતા તરીકે મલ્લિકાર્જુન ખરગેની ક્ષમતા પર સવાલ ન ઉઠાવીએ. ખૂબ જ નાના ગામના શોષિતવર્ગમાંથી આવેલા ખરગેએ પાંચ દસકા જેટલો સમય રાજકારણ અને કૉંગ્રેસને આપ્યો છે, પરંતુ હાલની સ્થિતિ અલગ છે.
આ પણ વાંચો: સાબરમતી આશ્રમમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા…
કૉંગ્રસે ઘણા પડકારો ઝીલવાના છે અને તે અનુસાર એક પ્રમાણમાં યુવાન, નવા યુગ સાથે જોડાયેલો, ડિજિટલ યુગ સાથે જોડાયેલો ચહેરો જો કૉંગ્રેસનું પ્રતિનિધત્વ કરતો હોય તો ચોક્કસ પક્ષ મજબૂત બની શકે. અધિવેશનમાં મલ્લિકાર્જુને ઘણા મહત્વના મુદ્દા માંડ્યા, પરંતુ શશી થરૂર કે સિચન પાયલટ જેટલું વાકચાર્તુર્ય, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પક્કડ અને છટા તેમના સ્વરમાં ન દેખાઈ. જોકે મલ્લિકાર્જુન ચૂંટણીમાં થરૂરને હરાવી ચૂક્યા અને સર્વાનુમતે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે, પરંતુ તેમના કરતા અન્ય નેતાઓ પ્રભાવશાળી હોવાનો ગણગણાટ કૉંગ્રેસમાં થઈ રહ્યો છે.