
મુંબઈ: રિઝર્વ બેંક ઇન્ડિયા (RBI) એ લોન ધારકોને રાહતના સમાચાર આપ્યા છે. RBIએ સતત બીજી વખત રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે હવે રેપો રેટ ઘટીને 6% થઈ ગયો છે. આ લોનના EMIમાં ઘટાડો થશે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે બુધવારે ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ બાય મંથલી મોનીટરી પોલીસીની જાહેરાત કરી હતી. મોનીટરી પોલીસીની સમીક્ષા કરવા RBIની મોનીટરી પોલીસી કમિટી(MPC) એ સોમવારે ત્રણ દિવસીય બેઠક શરૂ કરી, ચર્ચા વિચારણા બાદ આજે બુધવારે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ફુગાવો ઘટ્યો:
મોનિટરી પોલિસી રજૂ કરતી વખતે, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે ફુગાવો નીચે આવ્યો છે જે સારી વાત છે. બધા MPC સભ્યો સંમત થયા કે ફુગાવો લક્ષ્ય કરતાં ઓછો છે. જરૂર પડશે તો ભવિષ્યમાં રેપો રેટમાં વધુ ઘટાડો કરવામાં આવશે, જેના માટે ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. RBI એ નીતિને ન્યુટ્રલથી બદલીને અકોમોડેટીવ બનાવી છે.
ટેરિફથી ભારતને અસર:
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે હાલ વૈશ્વિક વેપારમાં રિસ્થિતિ સારી નથી. RBI તેના પર નજર રાખી રહી છે. ઊંચા ટેરિફથી નિકાસને નુકસાન થશે. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતીય અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. બેંકોની સ્થિતિ સારી છે. જોકે, RBI એ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 6.7% થી ઘટાડીને 6.5% કર્યો છે.
અગાઉ, ફેબ્રુઆરીમાં, MPC એ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો.
આપણ વાંચો: ટેરીફ વોર વચ્ચે ભારતીય શેર બજાર ફરી ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ્સ ઘટ્યા