
મુલ્લાંપુર (મોહાલી) : પંજાબ કિંગ્સ (PBKS)એ આજે અહીં હોમ-ગ્રાઉન્ડ પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે વધુ એક રોમાંચક બનેલા મુકાબલામાં 18 રનથી વિજય મેળવ્યો હતો. ડેવૉન કૉન્વે (69 રન રિટાયર્ડ-આઉટ, 49 બૉલ, બે સિક્સર, છ ફોર), રચિન રવીન્દ્ર (36 રન, 23 બૉલ, છ ફોર), શિવમ દુબે (42 રન, 27 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તેમ જ ખાસ કરીને એમએસ ધોની (27 રન, 12 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની લડાયક ઇનિંગ્સ છતાં ઋતુરાજ ગાયકવાડ (એક રન)ની ટીમ જીતી નહોતી શકી. 220 રનના લક્ષ્યાંક સામે ચેન્નઈની ટીમ પાંચ વિકેટે 201 રન બનાવી શકી હતી.
આ જીત સાથે ટોચની પાંચ ટીમના એકસરખા છ-છ પૉઇન્ટ છે અને એમાં ક્રમવાર દિલ્હી, ગુજરાત, બેંગલૂરુ, પંજાબ, લખનઊનો સમાવેશ છે. પાંચમાંથી ચાર મૅચ હારનાર મુંબઈ આઠમા સ્થાને છે.ચેન્નઈની ટીમમાં સૌથી વધુ 69 રન બનાવનાર કૉન્વેને રિટાયર-આઉટ કરી દેવામાં આવ્યો હતો અને ધોની (MS DHONI) સાથે રવીન્દ્ર જાડેજા જોડાયો હતો. ધોનીએ 11 બૉલમાં ત્રણ સિક્સર, એક ફોરની મદદથી 27 રન બનાવ્યા હતા અને 20મી ઓવર કે જે પેસ બોલર યશ ઠાકુરે કરી હતી એમાં ધોની પહેલા જ બૉલમાં ચહલને કૅચ આપી બેઠો હતો અને ચેન્નઈનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો. યશની એ ઓવરમાં જરૂરી 28ને બદલે માત્ર નવ રન થઈ શક્યા હતા.
પંજાબ વતી લૉકી ફર્ગ્યુસને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ યશ ઠાકુર અને મૅક્સવેલને મળી હતી.
એ પહેલાં, 24 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર પ્રિયાંશ આર્ય (103 રન, 42 બૉલ, નવ સિક્સર, સાત ફોર)એ ધમાકેદાર સેન્ચુરીના જોરે મોહાલીનું સ્ટેડિયમ ગજાવ્યું હતું. પંજાબ કિંગ્સે પ્રથમ બૅટિંગ લીધા બાદ છ વિકેટે 219 રન કર્યા હતા.
મૂળ ઉત્તર પ્રદેશના પ્રિયાંશ (PRIYANSH ARYA)ના મમ્મી-પપ્પા દિલ્હીની સ્કૂલમાં ટીચર છે. પ્રિયાંશે મુલ્લાંપુર (MULLANPUR)ની મૅચમાં ચેન્નઈના તમામ બોલર્સની ખબર લઈ નાખી હતી અને પંજાબની ટીમને મોટી મુશ્કેલીમાંથી ઉગારી હતી.
પ્રિયાંશે આઇપીએલમાં દિલ્હી પ્રીમિયર લીગની એક મૅચમાં એક બોલરની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા જેને પગલે તેને પંજાબ કિંગ્સે હરાજીમાં ભારે રસાકસી બાદ 3.80 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. એક તબક્કે પંજાબનો સ્કોર પાંચ વિકેટે 83 રન હતો, પરંતુ પ્રિયાંશે શશાંક સિંહ (બાવન અણનમ, 36 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરીને પંજાબની ગાડી પાટા પર લાવી દીધી હતી. માર્કો યેનસેન (34 અણનમ, 19 બૉલ, બે સિક્સર, બે ફોર) શશાંકની સાથે છેક સુધી ક્રીઝમાં રહ્યો હતો.
પ્રિયાંશે આઇપીએલમાં આ પ્રથમ સેન્ચુરી ફક્ત 39 બૉલમાં ફટકારી અને સંયુક્ત રીતે ચોથા નંબરનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. તે પૉલ વાલ્થટી (2011માં) પછી હવે 2025માં એવો બીજો ખેલાડી બન્યો છે જેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ડેબ્યૂ પહેલાં આઇપીએલમાં સદી ફટકારી છે.
આઇપીએલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનોમાં ગેઇલ (30 બૉલ) પ્રથમ, યુસુફ પઠાણ (37 બૉલ) બીજા સ્થાને અને ડેવિડ મિલર (38 બૉલ) ત્રીજા સ્થાને છે. પંજાબે 83 રનમાં જે પાંચ વિકેટ ગુમાવી હતી એમાં પ્રભસિમરન સિંહ (0), કૅપ્ટન શ્રેયસ ઐયર (નવ રન), માર્કસ સ્ટોઇનિસ (ચાર રન), નેહલ વઢેરા (નવ રન) અને ગ્લેન મૅક્સવેલ (એક રન)નો સમાવેશ હતો.
એક જ ઓવરમાં વઢેરા તથા મૅક્સવેલની વિકેટ લેનાર આર. અશ્વિન ઉપરાંત ખલીલ અહમદે પણ બે વિકેટ અને નૂર અહમદ તથા મુકેશ ચૌધરીએ એક-એક વિકેટ લીધી હતી.
બુધવારે કઈ મૅચ
ગુજરાત વિરુદ્ધ રાજસ્થાન
અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે