સ્કૂલ ટીચર માતા-પિતાના પુત્ર પ્રિયાંશે ચેન્નઈના બોલર્સને પાઠ ભણાવ્યો…
પંજાબને જબરદસ્ત કમબૅક અપાવીને ફટકારી આક્રમક સેન્ચુરી

મુલ્લાંપુર (મોહાલી) 24 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર પ્રિયાંશ આર્ય (103 રન, 42 બૉલ, નવ સિક્સર, સાત ફોર)ની ધમાકેદાર સેન્ચુરીના જોરે પંજાબ કિંગ્સે આજે આઈપીએલ (IPL-2025)ની બાવીસમી મૅચમાં અહીં ચેન્નઈ સુપર કિંગ્સ સામે છ વિકેટે 219 રન કર્યા હતા. પ્રિયાંશ (Priyansh Arya)ના મમ્મી-પપ્પા દિલ્હીની સ્કૂલમાં ટીચર (school teachers) છે. પ્રિયાંશે મુલ્લાંપુરની મૅચમાં ચેન્નઈના તમામ બોલર્સની ખબર લઈ નાખી હતી અને પંજાબની ટીમને મોટી મુશ્કેલીમાંથી ઉગારી હતી.
પ્રિયાંશનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેણે આઇપીએલમાં દિલ્હી પ્રીમિયર લીગની એક મૅચમાં એક બોલરની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા જેને પગલે તેને પંજાબ કિંગ્સે હરાજીમાં ભારે રસાકસી બાદ 3.80 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
એક તબક્કે પંજાબનો સ્કોર પાંચ વિકેટે 83 રન હતો, પરંતુ પ્રિયાંશે શશાંક સિંહ (બાવન અણનમ, 36 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરીને પંજાબની ગાડી પાટા પર લાવી દીધી હતી. માર્કો યેનસેન (34 અણનમ, 19 બૉલ, બે સિક્સર, બે ફોર) શશાંકની સાથે છેક સુધી ક્રીઝમાં રહ્યો હતો.
પ્રિયાંશે આઇપીએલમાં આ પ્રથમ સેન્ચુરી ફક્ત 39 બૉલમાં ફટકારી અને સંયુક્ત રીતે ચોથા નંબરનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. તે પૉલ વાલ્થટી (2011માં) પછી હવે 2025માં એવો બીજો ખેલાડી બન્યો છે જેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ડેબ્યૂ પહેલાં આઇપીએલમાં સદી ફટકારી છે.
આઇપીએલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનોમાં ગેઇલ (30 બૉલ) પ્રથમ, યુસુફ પઠાણ (37 બૉલ) બીજા સ્થાને અને ડેવિડ મિલર (38 બૉલ) ત્રીજા સ્થાને છે.
પંજાબે 83 રનમાં જે પાંચ વિકેટ ગુમાવી હતી એમાં પ્રભસિમરન સિંહ (0), કૅપ્ટન શ્રેયસ ઐયર (નવ રન), માર્કસ સ્ટોઇનિસ (ચાર રન), નેહલ વઢેરા (નવ રન) અને ગ્લેન મૅક્સવેલ (એક રન)નો સમાવેશ હતો. એક જ ઓવરમાં વઢેરા તથા મૅક્સવેલની વિકેટ લેનાર આર. અશ્વિન ઉપરાંત ખલીલ અહમદે પણ બે વિકેટ અને નૂર અહમદ તથા મુકેશ ચૌધરીએ એક-એક વિકેટ લીધી હતી.
આપણ વાંચો : IPL 2025: RR સામે હાર છતાં PBKSનો કેપ્ટન શ્રેયસ ઐયર ખુશ છે? જાણો આવું કેમ કહ્યું