મુંબઈમાં ‘હરિયાળી વિસ્તાર’ વધારવા પાલિકા કરશે આ આ મહત્ત્વનું કામ…

મુંબઈ: મુંબઈના હરિયાળી વિસ્તારોમાં વધારો કરવા તથા પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે મુંબઈ પાલિકાએ કુર્લા, પવઇ, બોરીવલી ખાતે અંદાજે ચાર એકરની જમીન પર વૃક્ષારોપણ કરવાનો નિર્ણય લીધો છે.
આ જમીન પર અંદાજે ૩,૫૦૦ વૃક્ષોનું પારંપરિક પદ્ધતિથી રોપણ કરવામાં આવશે. આ યોજના માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને સંબંધિત પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે મહાનગરપાલિકાના કમિશનર પાસે મોકલવામાં આવ્યો છે.
મુંબઈમાં અનેક વિકાસકામો ચાલી રહ્યા છે અને તેની આડઅસર પર્યાવરણ પર પણ થઇ રહી છે. આ વિકાસકામોને આડે આવતા વૃક્ષોની બલિ પણ લેવામાં આવી છે. તેથી પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે ગયા વર્ષે જુલાઇમાં મુંબઈની ત્રણ મોટી જમીન પર વૃક્ષારોપણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ માટે કુર્લાના ચાંદિવલી, પવઇ અને બોરીવલીની ત્રણ અનામત રાખેલી જમીનની પસંદગી કરવામાં આવી હતી. તે અનુસાર હવે ટૂંક સમયમાં આ જમીનો પર વૃક્ષોરોપણ કરવામાં આવશે.
ત્રણ મહિનામાં વૃક્ષારોપણનું કામ પૂર્ણ કરવાનું પાલિકાનું લક્ષ્ય છે. વૃક્ષોનું રોપણ અને શરૂઆતમાં તેની દેખભાલની જવાબદારી કોન્ટ્રેક્ટરની રહેશે. બે વર્ષ બાદ વૃક્ષોની દેખભાલની જવાબદારી પાલિકાની રહેશે. પારંપરિક સાથે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો છે
આપણ વાંચો : નારીશક્તિઃ બેંકમાં જમા આટલી રકમ છે મહિલાઓના નામે, સ્ટાર્ટ અપ્સમાં પણ અવ્વલ