10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી હત્યા કરી લાશ બિલ્ડિંગના ડક્ટમાં ફેંકી
રમકડાં આપવાને બહાને બાળકીને છઠ્ઠમા માળના ફ્લૅટમાં લઈ જઈ યુવકે અમાનવીય કૃત્ય કર્યું: આરોપીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે જિલ્લાના મુંબ્રા પરિસરમાં બનેલી હિચકારી ઘટનામાં સોસાયટી કમ્પાઉન્ડમાં રમતી 10 વર્ષની બાળકીને રમકડાં આપવાને બહાને છઠ્ઠા માળે આવેલા પોતાના ફ્લૅટમાં લઈ જઈ યુવકે કથિત દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ પછી તીક્ષ્ણ હથિયારથી ગરદન પર ઘા કરી બાળકીની હત્યા કરીને મૃતદેહ બિલ્ડિંગના ડક્ટમાં ફેંકી દેનારા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
મુંબ્રા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ આસિફ અકબર મન્સૂરી (20) તરીકે થઈ હતી. બિહારના અમરપુર જિલ્લાનો વતની મન્સૂરી હાલમાં મુંબ્રાના ઠાકુરપાડા ખાતેની 10 મજલી ઈમારતના છઠ્ઠા માળે રહેતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની રાતે 11 વાગ્યે પ્રકાશમાં આવી હતી. બિલ્ડિંગના ડક્ટમાં કંઈ પડવાનો મોટો અવાજ સાંભળી અમુક રહેવાસીઓ દોડી આવ્યા હતા. ડક્ટની બારી ખોલીને ટોર્ચની મદદથી જોતાં બાળકી પડી હોવાનું નજરે પડ્યું હતું. રહેવાસીઓ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડના જવાનોની મદદથી ડક્ટમાં લોહીલુહાણ હાલતમાં પડેલી બાળકીને બહાર કાઢી હતી. બેભાન બાળકીને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ પ્રકરણે પોલીસે શરૂઆતમાં એડીઆર નોંધ્યો હતો.
આ પણ વાંચો: વારાણસીમાં 19 વર્ષની યુવતી પર ‘સામૂહિક દુષ્કર્મ’ની ઘટના! 6 આરોપી પકડાયા, 1 ફરાર
જોકે બાળકીનાં શરીર પરનાં કપડાંની અવસ્થા અને ઇજાનાં નિશાન જોતાં પોલીસને શંકા ગઈ હતી. પોલીસે સોસાયટી કમ્પાઉન્ડમાં તપાસ કરતાં બાળકી એ જ સોસાયટીની અન્ય બિલ્ડિંગમાં રહેતી હોવાનું જણાયું હતું. ઘટના પૂર્વે બાળકી અન્ય બાળકો સાથે કમ્પાઉન્ડમાં રમતી હતી. પોલીસે બાળકોને વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કરતાં યુવક રમકડાં અપાવવા બાળકીને સાથે લઈ ગયો હોવાનું જણાયું હતું.
બાળકી જે ડક્ટ એરિયામાંથી મળી હતી તે બાજુ આવેલા બિલ્ડિંગના ફ્લૅટ્સમાં પોલીસે તપાસ કરી હતી. એ તરફના દરેક ફ્લૅટના બાથરૂમમાં તપાસ કરતાં મન્સૂરીના ફ્લૅટના બાથરૂમની બારી ખુલ્લી હોવાનું દેખાયું હતું. એ સિવાય તેના ફ્લૅટમાંથી બાળકીનાં અમુક કપડાં પણ મળી આવ્યાં હતાં. પોલીસે મન્સૂરીને તાબામાં લઈ પૂછપરછ શરૂ કરી હતી.
બીજી બાજુ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં બાળકી સાથે દુષ્કર્મ કરાયાની ખાતરી થઈ હતી. ગરદન પર તીક્ષ્ણ હથિયારથી ઘા કરી બાળકીની હત્યા કર્યા પછી તેને ફેંકવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. મેલી મુરાદને ઇરાદે આરોપી બાળકીને તેના ફ્લૅટમાં લઈ ગયો હતો. કુકર્મ કર્યા પછી બાળકી તેની સાથે બનેલી ઘટનાની જાણ વડીલોને કરશે એ બીકે તેણે બાળકીની હત્યા કરી હતી.