આપણું ગુજરાત

પિતાશ્રીના અવસાનના સમાચાર મળ્યા પછી કલાકારે બે કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા…

કરુણાની પરાકાષ્ઠા એ હાસ્ય જન્મે છે શો માસ્ટ ગો ઓન સાંભળ્યું હતું, જોવાય પણ ગયુ. હાસ્ય કલાકાર પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીના પિતાશ્રીનું અવસાન થયું તેના પાંચ કલાક બાદ આ હાસ્યકલાકારે ભરૂચ નજીક વાલિયા પાસે ચમારિયા નામનાં ગામમાં હાસ્યરસિકોને બે કલાક સુધી હસાવ્યા અને કાર્યક્રમના અંતે પ્રેક્ષકોને સમાચાર આપ્યા કે મેં અગાઉથી આ કાર્યક્રમનું વચન આપેલું એટલે મારે આવવું જ રહ્યું પરંતુ હવે કાર્યક્રમના અંતે હું આપને કહું છું કે આજે આ કાર્યક્રમની શરૂઆતના પાંચ કલાક અગાઉ મારા પિતાશ્રીનું અવસાન થયું છે.

વિધિની વક્રતા તો જુઓ કે પિતાની ચિતા સળગતી હતી અને એક જન્મજાત કલાકાર લોકોને હસાવતો હતો. એનું હૈયું રડતું હતું અને ચહેરો હસતો હતો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે સંજોગોવસાત પાર્થિવ શરીર વધુ સમય રાખી શકાય તેમ ન હોય મારી ગેરહાજરીમાં જ મારા બંને ભાઈઓ દ્વારા મારા પિતાશ્રી ના નિવાસસ્થાન થાન ખાતે અંતિમ વિધિ અને ક્રિયા પણ મારી ગેરહાજરીમાં સંપન્ન થઈ ચૂકી છે.

આટલા વાક્યો સાંભળી અને જે પ્રેક્ષકો બે કલાકથી ખડખડાટ હસતાં હતાં તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
ડોક્ટર જગદીશ ત્રિવેદી છેલ્લા આઠ વર્ષથી કાર્યક્રમનો કોઈ પુરસ્કાર ઘરે લઈ જતા નથી અને માત્ર આરોગ્ય અને શિક્ષણ પાછળ ખર્ચી નાખે છે. વિશ્વના એક માત્ર હાસ્ય કલાકાર જે સંપૂર્ણ આવક લોક સેવામાં અર્પણ કરે છે અને વહીવટીખર્ચ પણ લેતા નથી.

તાજેતરમાં જ ડોક્ટર જગદીશ ત્રિવેદી તેમના સેવાકીય કાર્ય ના સંદર્ભે પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનિત થયા છે. આજે ખરા અર્થમાં સેવાકીય પ્રવૃત્તિ માટે કેટલો ભોગ દેવો જોઈએ તેઓ સંદેશ સમાજને આપ્યો છે. અત્યાર સુધીમાં જગદીશ ત્રિવેદીએ 11 કરોડનો સંકલ્પ કરેલો તે વટાવી અને અંદાજિત સાડા તેર કરોડનું દાન સમાજને આપ્યું છે.

તેમના પિતાશ્રી વ્યવસાય શિક્ષક અને ત્રણ ભાઈઓ માંથી સૌથી મોટા ભાઈ તરીકે ડોક્ટર જગદીશ ત્રિવેદી પિતાશ્રી ની માંદગીથી પરિચિત હતા અને પરિણામ થી પણ અવગત હતા. પરંતુ અગાઉથી કાર્યક્રમ માટે વચન આપ્યું હોય તે પૂર્ણ કરવું જોઈએ તેવું તેમના પિતાશ્રી એ પણ જગદીશ ત્રિવેદીને ઘણીવાર કહ્યું છે. પિતાશ્રીના આ શબ્દો જીવનનો મુદ્રા લેખ બનાવી સાર્થક કરી દેખાડનાર હાસ્યકાર જગદીશ ત્રિવેદીને નમસ્કાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button