દિલ્હીમાં યોજાયેલી રામલીલામાં ચંદ્રયાન વડે સીતાહરણ, લોકો રોષે ભરાયા
દિલ્હીની નવશ્રી ધાર્મિક લીલા સમિતિ દ્વારા લાલ કિલ્લાના મેદાનમાં ભજવાઇ રહેલી રામલીલામાં એક વિવાદાસ્પદ દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું. જેમાં સીતાહરણનું દ્રશ્ય ભજવતી વખતે રામલીલાના મંચ પર રાવણે પુષ્પક વિમાનને બદલે સીતાનું ચંદ્રયાનમાંથી અપહરણ કર્યું હતું. આ રામલીલા દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર ભજવવામાં આવી હતી. આ પ્રકારે ભજવાઇ રહેલી રામલીલાને લઇને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને આધુનિકતાનું ઉદાહરણ બતાવી રહ્યા છે. તો કેટલાક લોકો તેને ધાર્મિક ભાવનાઓ પર પ્રહાર કરનારું કૃત્ય ગણાવી રહ્યા છે.
અમુક લોકોનું કહેવું છે કે આ પ્રકારના પ્રયોગોએ રામલીલાને પ્રાચીન રામાયણ કથા સાથે જોડવાનો એક પ્રયાસ છે. ચંદ્રયાનનો ઉપયોગ કરીને સીતાહરણ થતું દર્શાવવું એ એક રચનાત્મક અને રસપ્રદ દ્રષ્ટિકોણ છે. આ દ્વારા યુવાનો રામલીલામાં ભજવાતી રામાયણની કથાને એક નવી રીતે સમજશે. તો બીજી બાજુ કેટલાક લોકો કહી રહ્યા છે કે આ પ્રકારે રામલીલાને દર્શાવી શકાય નહિ, તે રામાયણના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.
ચંદ્રયાનનો ઉપયોગ કરીને સીતાહરણને દર્શાવવું એ અપમાનજનક વાત છે. આ ધાર્મિક ભાવનાઓને આહત કરનારું કૃત્ય છે. જો કે આયોજકોનું કહેવું છે કે રામલીલાને મનોરંજક રીતે દર્શાવવા માટેનો આ તેમનો એક પ્રયાસ હતો. કોઇની પણ ધાર્મિક લાગણી દુભવવાનો આની પાછળ હેતુ ન હતો. યુવાનો સામાન્યપણે આધુનિક પદ્ધતિઓથી પ્રભાવિત હોય છે. આથી રામલીલામાં આધુનિકતા લાવવા માટેનો ચંદ્રયાનનો પ્રયોગ એ રામલીલાને વર્તમાન સમયમાં વધુ પ્રાસંગિક અને વધુ રોચક અને આકર્ષક બનાવશે તેવું અમારું અનુમાન હતું તેવું આયોજકોએ જણાવ્યું હતું.
લીલામાં રાવણે તેના મામા મારીચ સાથે મળીને સીતાનું અપહરણ કર્યું હતું. આ લીલાના સંગઠનને લઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક લોકોએ તેને આધુનિકતાનું સારું ઉદાહરણ ગણાવ્યું છે તો કેટલાક લોકોએ તેને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે.