મહારાષ્ટ્ર

વર્ધામાં જંગલી ડુક્કરને બચાવવાના પ્રયાસમાં કાર ટેન્કર સાથે ભટકાઈ: પોલીસ કર્મચારી, તેના પરિવારના ત્રણ સભ્યનાં મોત

વર્ધા: વર્ધા જિલ્લામાં માર્ગમાં અચાનક આવી ચડેલા જંગલી ડુક્કરને બચાવવાના પ્રયાસમાં પોલીસ કર્મચારીએ કાબૂ ગુમાવતાં કાર સામેથી આવતા ડીઝલ ટેન્કર સાથે ભટકાઇ હતી. આ અકસ્માતમાં પોલીસ કર્મચારી અને તેના પરિવારના ત્રણ સભ્યનાં મોત થયાં હતાં.

જિલ્લાના માંડગાંવ-તરોડા માર્ગ પર સોમવારે રાતના આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ચારેયની ઓળખ પ્રશાંત વૈદ્ય (45), તેની પત્ની પ્રિયંકા (37), પુત્ર શ્રેયશ (6) અને પુત્રી માઇ (3) તરીકે થઇ હતી.

આ પણ વાંચો: વર્ધામાં એકતરફી પ્રેમમાં યુવતીની ક્રુર હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર પ્રશાંત વૈદ્ય વર્ધાના બાડનેર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો. પ્રશાંત તેના પરિવાર સાથે સોમવારે માંડગાંવમાં રામ નવમીના ‘મહાપ્રસાદ’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયો હતો. આ પરિવાર કારમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો.

પ્રશાંત વૈદ્ય કાર હંકારી રહ્યો હતો ત્યારે અચાનક જંગલી ડુક્કર સામે આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં પ્રશાંતે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેેને કારણે તેની કાર ડીઝલ ટેન્કર સાથે અથડાઇ હતી. દરમિયાન અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં, જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button