ઉલવેમાં બ્લૅકમેઈલ કરી સેક્સની માગણીકરનારા ડ્રાઈવરની હથોડો ફટકારી હત્યા…
ઘટના બાદ ફરાર થયેલા યુગલનું સંગમનેર પોલીસ સમક્ષ સમર્પણ: આરોપીએ ગુનો કબૂલ્યા પછી પોલીસને મૃતદેહ મળ્યો

મુંબઈ: બૉયફ્રેન્ડ સાથે વિતાવેલી પળોના વીડિયોની મદદથી યુવતીને બ્લૅકમેઈલ કરી અણછાજતી માગણી કરનારા ડ્રાઈવરની માથા પર હથોડો ફટકારી કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. ઘટના બાદ ફરાર થયેલા યુગલે સંગમનેર પોલીસ સ્ટેશનમાં સમર્પણ કર્યું હતું. આરોપીએ કરેલી કબૂલાત પછી પોલીસ ડ્રાઈવરના મૃતદેહ સુધી પહોંચી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સુરેન્દ્ર પાંડે (43) તરીકે થઈ હતી. પાંડે આરોપી યુવતી રિયા સરકાનીસિંહ (19)નો કૅબ ડ્રાઈવર હતો. પંજાબની વતની રિયા હાલમાં જ નવી મુંબઈના ઉલવેમાં રહેવા આવી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતી રિયાની મિત્રતા ત્યાં જ કામ કરતા વિશાલ શિંદે (21) સાથે થઈ હતી.
રિયા રહેઠાણની શોધમાં હોવાથી પાંડેએ જ તેને ઘરની વ્યવસ્થા કરી આપી હતી. બીજી એપ્રિલે શિંદે રિયાને મળવા આવ્યો હતો. તે સમયે બન્નેએ સાથે વિતાવેલી અંગત પળોનું પાંડેએ વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં એ વીડિયોને આધારે પાંડે યુવતીને બ્લૅકમેઈલ કરવા લાગ્યો હતો અને શારીરિક સંબંધની માગણી કરતો હતો.
આ વાતની જાણ રિયાએ શિંદેને કરી હતી. શિંદેએ પાંડેની પૂછપરછ કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત મારામારી સુધી પહોંચતાં આરોપીએ હથોડો પાંડેના માથા પર ફટકાર્યો હતો, જેમાં પાંડેનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થયેલાં રિયા અને શિંદે કૅબમાં પુણે પહોંચ્યાં હતાં, જ્યાં તેમને નાનો અકસ્માત નડ્યો હતો. બાદમાં બન્ને અહિલ્યા નગરના સંગમનેર ખાતે શિંદેના ઘરે ગયાં હતાં. તેમણે શિંદેના પરિવારજનોને ગુના અંગે જાણ કરી હતી. શિંદેના પરિવારજનોએ બન્નેને પોલીસમાં આત્મસમર્પણની સલાહ આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બન્ને જણ રવિવારે સંગમનેર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ગુનાની કબૂલાત કરી હતી. સંગમનેર પોલીસે આ બાબતે નવી મુંબઈ પોલીસને જાણ કરી હતી. માહિતીને આધારે ઉલવે પોલીસ પાંડેના ઘરે ગઈ હતી, જ્યાં તેનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
નવી મુંબઈ લવાયા પછી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને 15 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)
આપણ વાંચો: : લગ્નના બે મહિનામાં જ પરિણીતાનો આપઘાત