‘જો સીટ બેલ્ટ નહીં તો તમારો પરિવાર નહીં’, અભિનેતા સોનુ સૂદે શા માટે કરી અપીલ?

નાગપુર: કોરોના માહામારી વખતે ગરીબ મજૂરોને પોતાના ગામ પહોંચાડી મજૂરોના ‘મસીહા’ બનેલા બોલીવુડના અભિનેતા સોનુ સૂદે હવે લોકોને એક અપીલ કરી છે. અભિનેતાએ તેની પત્ની સોનાલીના તાજેતરના માર્ગ અકસ્માત બાદ એક વીડિયો જારી કરીને લોકોને વાહન ચલાવતી વખતે ખાસ સીટ બેલ્ટ બાંધવાની વિનંતી કરી છે. સોનુ સૂદે કહ્યું છે કે કારની પાછળની સીટ પર બેઠેલા લોકોએ પણ સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ.
સોનુ સૂદે આગળ કહ્યું હતું કે તાજેતરમાં મારી પત્ની સોનાલી, તેની બહેન અને ભત્રીજો નાગપુરમાં માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતના એક મિનિટ પહેલા, પત્નીએ પાછળની સીટ પર બેઠેલી તેની બહેનને સીટ બેલ્ટ પહેરવાનું કહ્યું તેની થોડી વાર પછી જ અકસ્માત થયો હતો, પરંતુ સીટ બેલ્ટ પહેર્યો હોવાથી તેનો જીવ બચી ગયો. સોનુ સૂદે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે સીટ બેલ્ટ પહેર્યા વગર વાહન નહીં ચલાવો… ‘જો સીટ બેલ્ટ નહીં તો પરિવાર નહીં.’
આ પણ વાંચો: What’sAppએ Ban કર્યું આ Bollywood Actorનું Account, 61 કલાકે એકાઉન્ટ ચાલું કર્યું તો…
અભિનેતાએ કહ્યું કે બધાએ કારની હાલત જોઈ છે. તેમને સીટ બેલ્ટે જ બચાવ્યા છે. સૂદે પાછળની સીટ પર બેસતી વખતે સીટ બેલ્ટ ન પહેરવાની સામાન્ય પ્રથા તરફ ધ્યાન દોર્યું હતું. તેણે કહ્યું કે,”પાછળની સીટ પર બેઠેલા 100માંથી 99 લોકો ક્યારેય સીટ બેલ્ટ પહેરતા નથી. તેઓ માને છે કે આગળની સીટ પર બેઠેલા વ્યક્તિને જ સીટ બેલ્ટ પહેરવાની જરૂર છે.
હું તમને બધાને વિનંતી કરું છું કે સીટ બેલ્ટ વગર ક્યારેય કારમાં ન બેસો. મોટાભાગના ડ્રાઇવરો ફક્ત પોલીસને બતાવવા માટે સીટ બેલ્ટ પહેરે છે, પરંતુ મારા પર વિશ્વાસ કરો, સીટ બેલ્ટ તમારી અને તમારા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.”
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા નાગપુરમાં અભિનેતા સોનુ સૂદની પત્ની અને તેના સંબંધી એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.