આણંદથી પકડાયેલા શખ્સને પાકિસ્તાની એજન્સીઓને જાસૂસી કરવા બ્લેકમેલ કર્યો હતો
પાકિસ્તાનને જાસૂસી માટે મદદ કરતા આણંદમાંથી પકડાયેલા પાકિસ્તાની મૂળના શખ્સ લાભશંકર મહેશ્વરીની ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ (ATS) પૂછપરછ કરી રહી છે. કેસની તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાની એમ્બેસી બ્લેકમેલ કરીને શરણાર્થીઓને તેમના માટે જાસૂસી કરવા માટે મજબૂર કરે છે.
53 વર્ષીય લાભશંકર મહેશ્વરી પાકિસ્તાનની શરણાર્થી તરીકે 1999 માં ગુજરાત આવ્યો હતો અને તેને 2005માં ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. ભારતીય સેનાના કર્મચારીઓ પર જાસૂસી કરવા કથિત રીતે પાકિસ્તાની એજન્સીઓને મદદ કરવા બદલ ગુજરાત ATSએ આણંદના તારાપુરમાંથી તેની ધરપકડ કરી હતી.
લાભશંકર મહેશ્વરીના સાત દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસને જાણવા મળ્યું કે પાકિસ્તાની એજન્સીઓ તેને બ્લેકમેલ કરતી હતી. તેનો પરિવાર હજુ પણ પાકિસ્તાનમાં છે, પરિવારને મળવા માટે આરોપીને પાકિસ્તાનના વિઝાની જરૂર હતી. માટે મહેશ્વરીએ પાકિસ્તાની એજન્સીઓને પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ પહોંચાડવામાં મદદ કરી હતી.
હવે એટીએસ એવા લોકો પર નજર રાખી રહી છે જેને પાકિસ્તાન માટે જાસૂસી કરવા માટે બ્લેકમેલ કરવામાં આવ્યા હોઈ શકે છે. એટીએસ ખાસ કરીને પાકિસ્તાની શરણાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી હોય.
ગુજરાત એટીએસ સિમ કાર્ડના દુરુપયોગ પર નજર રાખી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સિમ કાર્ડના આશરે 2.5 લાખ પોઈન્ટ્સ ઓફ સેલ્સ (POS) છે, આગામી 12 મહિનામાં તમામની તપાસ કરવામાં આવશે.
મહેશ્વરીએ આપેલું પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ પાકિસ્તાન પહોંચ્યું જ્યાં તેને મોહમ્મદ સકલૈનના નામથી એક્ટિવેટ કરવામાં આવ્યું હતું. આ નંબર હજુ પણ એક્ટિવ છે અને સકલૈને તેના પરથી વોટ્સએપ કોલ પણ કર્યા હોવાના અહેવાલ છે.
ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં સક્રિય થયેલા આવા સિમ કાર્ડનો ઉપયોગ CRPF અથવા BSFના કર્મચારીઓને હની-ટ્રેપમાં સફાવવા માટે પણ કરવામાં આવી શકે છે. ATS અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ ડિસ્પ્લે પિક્ચર (DP) તરીકે સુંદર મહિલાના ચિત્ર સાથે WhatsApp પ્રોફાઇલ બનાવે છે અને હની ટ્રેપમાં ફસાવવા માટે સૈન્ય સંસ્થાઓના કર્મચારીઓને સંપર્ક કરે છે.
એટીએસ અધિકારીએ જણાવ્યું હતું કે અમારી પાસે અન્ય શખ્સો વિશે પણ માહિતી છે જેઓ પાકિસ્તાન માટે જાસૂસી કરતા હોવાની શંકા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.