વેપાર

ટ્રેડ વૉર વકરવાની ભીતિઃ વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક,

ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્થાનિક સોનામાં રૂ. 779ની અને ચાંદીમાં રૂ. 812ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે વિવિધ દેશો સાથે વાટાઘાટો માટે ટેરિફનો અમલ વિલંબિત કરવાની કોઈ વિચારણા ન હોવાની સ્પષ્ટતા કરી હતી તેમ જ યુરોપિયન યુનિયન પણ વળતાં પગલાંરૂપે અમેરિકાથી થતી આયાત સામે ટેરિફ લાદવા વિચારણા કરી રહ્યું હોવાના નિર્દેશો સાથે રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ જે ગઈકાલે ઘટીને 13મી માર્ચ પછીની નીચી સપાટીએ ઉતર્યા હતા તેની સામે બાઉન્સબેક થયા હતા. તેમ જ ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 776થી 779નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 812નો ઘટાડો આગળ ધપ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. 812 ઘટીને રૂ. 89,580ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને સ્ટોકિસ્ટો તથા રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 776 ઘટીને રૂ. 87,952 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 779 ઘટીને રૂ. 88,306ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 30 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને પગલે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત 13મી માર્ચ પછીની નીચી સપાટી સુધી ઉતરી ગયા હતા. જોકે, અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે વાટાઘાટો માટે ટેરિફના અમલની મુદ્દત વધારવા અંગે કોઈ વિચારણા ન હોવાની સ્પષ્ટતા કરવાની સાથે ચીન અને જાપાન સહિતના અન્ય દેશો પર હજુ ડ્યૂટી વધારવાની ચર્ચા કરી રહ્યા હોવાનું જણાવ્યું હોવાથી તેમ જ યુરોપિયન યુનિયન પણ અમેરિકા સામે ડ્યૂટીના વળતા પગલાં લેવાની યોજના ઘડી રહ્યું હોવાના નિર્દેશો સાથે ટ્રેડ વૉર વકરવાની ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી 0.8 ટકા વધીને આૈંસદીઠ 3005.38 ડૉલર અને વાયદામાં ભાવ 1.6 ટકા ઉછળીને 3019.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 30.10 ડૉલર આસપાસના મથાળે ટકેલા રહ્યા હતા.

આપણ વાંચો:  ભારતના વિદેશી મુદ્રા ભંડારમા સતત વધારો, સોનાના ભંડારમા પણ ઉછાળો…

ગઈકાલે વૈશ્વિક સોનામાં તિવ્ર ઘટાડો નોંધાયો હોવા છતાં ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવતા આજે સોનામાં બાઉન્સબૅક જોવા મળ્યું છે, જે સોનામાં મજબૂત તેજીનો અન્ડરટોન હોવાનો નિર્દેશ આપે છે, એમ રિલાયન્સ સિક્યોરિટીઝના વિશ્લેષક જિગર ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે વર્ષ 2025માં અત્યાર સોનામાં ખાસ કરીને આર્થિક અને રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતા અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે સોનાના ભાવમાં 15 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

વધુમાં આજે રોકાણકારોની નજર આગામી ગુરુવારે જાહેર થનારા અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા અને શુક્રવારે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button