મંદિરોના દાનનો રૂપિયો હિંદુઓ માટે ક્યારે વપરાશે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હિંદુ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું એ વાતને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. આ એક વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામના મંદિરનું સંચાલન કરવા માટે રચાયેલા ટ્રસ્ટને કેટલા રૂપિયાનું દાન મળ્યું તેના આંકડા ફરતા થયા છે. આ આંકડા પ્રમાણે અયોધ્યાના ભગવાન રામના મંદિરને એક વર્ષમાં 700 કરોડથી વધુનું દાન મળ્યું છે.
આ આંકડા એ વાતનો પુરાવો છે કે, હિંદુઓને ભગવાન
રામમાં અપાર શ્રદ્ધા છે અને રામનગરી અયોધ્યામાં ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું છે. આ આંકડા પ્રમાણે ભગવાન રામના મંદિરને દરરોજની સરેરાશ બે કરોડ રૂપિયાની આવક થઈ છે.
એક માન્યતા એવી છે કે, મકાકુંભ પ્રયાગરાજને ફળ્યો એ રીતે અયોધ્યાનગરીને પણ ફળ્યો છે પણ આ માન્યતા ખોટી છે. મહાકુંભ દરમિયાન મહાપ્રયાગ આવેલા શ્રદ્ધાળુઓમાંથી મોટા ભાગના લોકો અયોધ્યામાં રામ લલાના દર્શન કરવા જતા હતા છતાં રામલલાને 45 દિવસમાં 20 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. દરરોજની સરેરાશ બે કરોડ રૂપિયાની છે એ જોતાં મહાકુંભના 45 દિવસમાં ઓછામાં ઓછું 90 કરોડ રૂપિયાનું દાન મળવું જોઈતું હતું.
ભક્તોની ભીડ વધારે હતી એ જોતાં આંકડો 100 કરોડ રૂપિયાને પાર થવો જોઈતો હતો પણ 20 કરોડ રૂપિયા જ દાન મળ્યું છે.
મહાકુંભમાં 60 કરોડ લોકો ઊમટ્યાં હતાં એવું કહેવાય છે. તેમાંથી ત્રીજા ભાગનાં પણ અયોધ્યા ભગવાન રામનાં દર્શન કરવા ગયાં હોય તો 20 કરોડ શ્રદ્ધાળુ થયાં. ભારતમાં સામાન્ય શ્રદ્ધાળુ પણ મંદિરમાં જાય તો યથાશક્તિ કંઈક ને કંઈક ચડાવે જ છે એ જોતાં 20 કરોડ શ્રદ્ધાળુ આવ્યા છતાં 20 કરોડની જ આવક થઈ એ વાત ગળે ઊતરે એવી નથી. મહાકુંભ દરમિયાન સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે હોય તો પણ દરેક વ્યક્તિએ સરેરાશ 5 રૂપિયા મંદિરની દાનપેટીમાં નાખ્યા હોય તો પણ 100 કરોડ રૂપિયા થઈ જાય.
ખેર, આ મુદ્દે ચર્ચાનો મતલબ નથી પણ મહત્ત્વનો સવાલ એ છે કે, શ્રદ્ધાળુઓ પાસેથી મળેલું દાન ક્યાં ખર્ચાશે? 700 કરોડ રૂપિયા બહુ મોટી રકમ છે. આ રકમમાંથી એકલા અયોધ્યાની નહીં પણ આખા અયોધ્યા જિલ્લાની કાયાપલટ કરી શકાય. અયોધ્યા જિલ્લાના દરેક ગામને નંદનવન બનાવી શકાય પણ એ રીતે આ દાનની રકમનો ઉપયોગ નહીં થાય કેમ કે આપણે ત્યાં મંદિરો હવે શ્રધ્ધાંનાં નહીં પણ ધંધાનાં કેન્દ્રો બનતાં જાય છે.
ભારતમાં મોટી તકલીફ જ એ છે કે, મંદિરોને દાનમાં કરોડો રૂપિયા મળે છે પણ એ રૂપિયાનો ઉપયોગ ના તો સ્થાનિક સ્તરે વિકાસ માટે થાય છે કે ના હિંદુઓના ભલા માટે થાય છે. હિંદુઓ જે રૂપિયો મંદિરોમાં દાનમાં આપે છે એ રૂપિયો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટના રૂપમાં જમા થાય છે કે પછી ટ્રસ્ટીઓ તેને વાપરે છે. આ ફિક્સ્ડ ડિપોઝિટ વધતી જ જાય છે, વધતી જ જાય છે ને ટ્રસ્ટીઓ ખુશ થયા કરે છે પણ તેનો ઉપયોગ લોકકલ્યાણ માટે નથી કરાતો.
વાસ્તવમાં આ નાણાં લોકકલ્યાણ માટે વપરાવાં જોઈએ અને ખાસ તો હિંદુઓના ભલા માટે વપરાવાં જોઈએ પણ એવું થતું નથી. સોમનાથ મહાદેવનું મંદિર હોય, તિરૂપતિ મંદિર હોય કે બીજું કોઈ પણ મંદિર હોય, દાનની રકમમાંથી ટ્રસ્ટો તગડાં થાય છે, બીજા કોઈની હાલત સુધરતી નથી. બાકી મંદિરોને જે દાન મળે છે તેમાંથી આખા વિસ્તારની કાયાપલટ કરી શકાય પણ આ દેશમાં મોટું મંદિર ધરાવતું કોઈ શહેર, નગર કે ગામ વિકાસનું મોડલ બન્યું એવું જોયું? દાનમાંથી ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનાં આદર્શ ગામોનું નિર્માણ થઈ શકે પણ એવું પણ જોયું ? મોટાં તીર્થસ્થાનોમાં પ્રવેશતાં જ માનસિક રાહતનો અહેસાસ થવો જોઈએ પણ એવું ક્યાંય જોયું ?
ભગવાનના મંદિરે આવનારાં લોકો નચિંત બનીને આવે ને ભગવાનનાં દર્શન કરે એવું હોવું જોઈએ પણ એવું પણ ક્યાંય જોવા નથી મળતું. બીજું બધું તો છોડો પણ કરોડો રૂપિયાની આવક હોવા છતાં લગભગ તમામ મંદિરો પ્રસાદનો પણ ધંધો માંડીને બેસી ગયાં છે. ભગવાનના દર્શને આવતાં લોકોને મફતમાં પ્રસાદ પણ નથી અપાતો તેના કરતાં વધારે કૃપણતા કઈ કહેવાય ?
મંદિરોમાં આવતાં દાનની એફડી કરવી કે રૂપિયો સંઘરી રાખવાની માનસિકતા દયનીય છે ને એક રીતે ભગવાનમાં આપણને શ્રદ્ધા નથી એવું બતાવે છે. સામાન્ય લોકો પોતાના બચત કરે છે કેમ કે તેમને ભવિષ્યની ચિંતા હોય છે. સામાન્ય લોકો રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકે છે કે જેથી ઘડપણમાં કામ આવે પણ ભગવાનના મંદિરે શાના માટે એફડી કરવી જોઈએ કે બચત પણ કરવી જોઈએ? ભગવાનના મંદિરે પણ ભવિષ્યની ચિંતા કરવી પડે? ખરેખર તો ના જ કરવાની હોય કેમ કે હજાર હાથવાળો બેઠો છે પછી બધી ચિંતા એ જ કરશે, આપણે શું કરવા ચિંતા કરવાની? ગમે તેટલો ખર્ચ કરવાનો આવે તો પણ ભગવાન બેઠા હોય પછી રૂપિયા ક્યાંથી આવશે એ વિચાર કરવાનો જ ના હોય. જે પણ આવક થાય એ લોકોના ભલા માટે વાપરવાની હોય પણ મંદિરોનાં ટ્રસ્ટો એવું નથી કરતાં તેનું કારણ કદાચ તેમના પોતાના ભવિષ્યની ચિંતા છે.
હિંદુ ધર્મ સામે અત્યારે એક મોટો ખતરો ધર્માંતરણનો છે. ખ્રિસ્તી મિશનરીઝ વિદેશમાંથી આવતા કરોડો રૂપિયાના જોરે મોટા પાયે ધર્માંતરણ કરાવે છે. યુવકોને બાઈક, પરિવારોને ઘર, નોકરી વગેરે આપીને મિશનરીઝ લોભાવે છે ને હિંદુઓને વટલાવે છે. હિંદુઓમાં સાવ ગરીબ લોકો આ લાલચોમાં આવીને ધર્મપરિવર્તન કરે છે. આપણાં મંદિરો પાસે કરોડો રૂપિયા છે એ જોતાં એ લોકો પણ આ બધું કરીને ગરીબ હિંદુ પરિવારોને હિંદુત્વ સાથે જોડાયેલા રાખી શકે પણ કોઈ મંદિરથી રૂપિયો છૂટતો નથી.
આપણ વાંચો: IPL: પુરુષ-નૃત્ય કાઉન્ટર પણ ચાલુ કરો!
હિંદુઓમાં ગરીબી, બેરોજગારી સહિતની બહુ બધી સમસ્યાઓ છે પણ મંદિરોમાં આવતો રૂપિયો કદી તેના માટે વપરાતો જ નથી. ગરીબ પરિવારનાં સંતાનોને ભણવા માટે તમામ મદદ, બેરોજગાર યુવકોને રોજગાર માટે મદદ, બહેન-દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે મદદ મંદિર કરે છે ? કયું મંદિર દાનમાં મળેલા તમામ રૂપિયા હિંદુઓના કલ્યાણ માટે વાપરી નાખે છે ?
અયોધ્યાના રામમંદિરનું ટ્રસ્ટ આ પહેલ કરીને નવો ચીલો ચાતરી શકે. ખાલી વાતો કરવાથી રામરાજ આવતું નથી. તેના માટે લોકોને મદદ કરવી પડે, રૂપિયા ખર્ચવા પડે.