ત્રિદોષ એટલે શું?

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
વાત- પિત્ત- કફ…
મનુષ્ય શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ… એવાં પાંચ તત્ત્વથી બનેલું છે. આ પાંચ તત્ત્વમાં પૃથ્વી અને આકાશ સ્થિર હોવાથી તેમાં ખાસ ફેરફાર થતા નથી, પરંતુ બાકીના ત્રણ ચલાયમાન હોવાથી તેમાં ફેરફાર થયા કરે છે. આ ત્રણ તત્ત્વમાં મુખ્યત્વે વાયુ તે વાત છે, અગ્નિ તે પિત્ત છે અને જળ તે કફ છે.
પાંચ તત્ત્વમાંથી થતી વાત, પિત્ત અને કફની ઉત્પત્તિ
આયુર્વેદનાં શાસ્ત્રો પ્રમાણે મનુષ્ય શરીરનું બંધારણ માતાના ગર્ભમાં જ નિશ્ર્ચિત થઈ જાય છે અને આ નિશ્ર્ચિત થયેલા બંધારણને જ પ્રકૃતિ કહેવાય છે. તેથી ગર્ભમાં જ દરેક વ્યક્તિની વાત, પિત્ત કે કફ એ ત્રણમાંથી એક પ્રકૃતિ નક્કી હોય જ છે. પૃથ્વી પર રહેલા દરેક વ્યક્તિમાં વાત, પિત્ત અને કફનું સંયોજન અલગ અલગ હોય છે.
સાત પ્રકારની પ્રકૃત્તિ
જેમ પૃથ્વી પર રહેલા દરેક વ્યક્તિનું ડીએનએ અલગ હોય છે, તેમ જ પ્રત્યેક વ્યક્તિનું વાત, પિત્ત અને કફનું સંયોજન પણ અલગ હોય છે. આથી વ્યક્તિની શારીરિક સ્થિતિ, સ્વભાવ, આદતો, ઈચ્છાઓ તેની પ્રકૃતિના આધારે ખૂબ જ સહેલાઈથી જાણી શકાય છે.
આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : સૌંદર્ય નિખારતાં ઉત્પાદન: તમારા આરોગ્ય માટે કેટલાં ખતરનાક?
આમ તો પ્રકૃતિ જીવન દરમિયાન એક જ રહે છે, પરંતુ આપણું શરીર સતત બાહ્ય વાતાવરણ અને પરિબળોના સંપર્કમાં આવવાથી તેમાં વિકૃતિ થાય છે. વિકૃતિ એટલે શરીરની વર્તમાન અવસ્થા. આમ શરીરની વિકૃતિ (શરીરની હાલની અવસ્થા) અને પ્રકૃતિ (શરીરની જન્મજાત અવસ્થા)માં જેટલો ફરક રહે છે, તેટલા રોગ શરીરમાં વધુ થાય છે. અષ્ટાંગ હૃદયમાં કહ્યું છે :
‘વાયુ વગેરે દોષોનું પોતાના પ્રમાણ કરતાં વધવું કે ઘટવું તેને રોગ કહે છે, અને તે દોષોનું પ્રમાણમાં રહેવું તેને આરોગ્ય કહે છે’
વળી,અષ્ટાંગહૃદયમાં ત્રણેય દોષનાં લક્ષણો કહ્યાં છે કે, ‘વાયુ લૂખો, હલકો, ઠંડો, બરછટ, સૂક્ષ્મ અને ગતિ કરવાના સ્વભાવવાળો હોય છે.’ એ જ રીતે ‘પિત્ત, ચિકાશવાળું, તીક્ષ્ણ, ગરમ, હલકું, દુર્ગંધવાળું, ગતિશીલ તથા પ્રવાહી હોય છે.’
જ્યારે, ‘કફ, ચીકણો, ઠંડો, ભારે, ધીમે ધીમે કાર્ય કરનારો, લીસો અને સ્થિર હોય છે.’
આ પણ વાંચો: ફાઈનાન્સના ફંડા: સુક્નયા સમૃદ્ધિ યોજના
આમ વાત- પિત્ત ને કફનાં લક્ષણો પરથી આપણે આપણી પ્રકૃતિ વિશે જાણી શકીએ છીએ અથવા તો જાણકાર વૈદ્ય પાસેથી પોતાની પ્રકૃતિ વિશે જાણી શકાય છે. મોટા ભાગના માણસોને પોતાની પ્રકૃતિ જાણવામાં રસ હોતો જ નથી અને તેઓની માન્યતા એવી હોય છે કે, પ્રકૃતિ જાણીને શું ફાયદો?
જોકે, વાત, પિત્ત અને કફ તે માત્ર શારીરિક અવસ્થાના જ સૂચક નથી, પરંતુ પોતામાં રહેલી સારી-ખરાબ અદાતો, સ્વભાવો અને ઈચ્છાઓના એક્સ-રે છે. ભારતના ઋષિમુનિઓ પ્રકૃતિજ્ઞાનના આધારે પોતામાં રહેલી ખામીઓ અને ખૂબીઓને ઓળખીને તે પ્રમાણે જીવનને સચોટ દિશામાં વાળતા હતા.
આ રીતે વ્યક્તિ પોતાની પ્રકૃતિથી વાકેફ હોય તો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે પોતાને સ્વસ્થ રાખી શકે છે. તે હેતુથી અહીંયા શરીરમાં ત્રણેય દોષનાં સ્થાનો, પ્રકૃતિ જાણવાની રીત તથા તેના શારીરિક અને માનસિક લક્ષણ દર્શાવેલ છે.