પીળા આકાશ નીચે

આજની ટૂંકી વાર્તા -માના વ્યાસ (સ્પંદના)
સપ્ટેમ્બર મહિનાના આખરના દિવસોની સલૂણી સંધ્યાએ પીળા રંગની રંગોળીથી આકાશને ભરી દીધું હતું. જુહૂ બીચના રાખોડી દરિયા પર સોનેરી ઢોળ ચડતો હતો. બે-ચાર વાદળી આ દૃશ્ય જોવા રોકાઈ ગઈ એમાં પીળા રંગની છોળમાં રંગાઈ ગઈ હતી.
બીચને અડીને આવેલા નાના ગાર્ડનને ખૂણે આવેલી બેંચ પર એક યુગલ બેઠું હતું. બેંચ પરથી સામે અફાટ સાગર ઘૂઘવતો દેખાતો હતો. હર થોડી મિનિટોમાં એક પ્લેન ગગનની વિશાળતામાં ખોવાઈ જતું હતું.
ઊતરતી યુવાની અને નજીક આવતાં વૃદ્ધત્વ વચ્ચે રહેલા સમયને જીવી લેવાની મથામણમાં એ યુગલ સાંજની એક એક ક્ષણને માણતું બેઠું હતું.
‘તને આવું સપ્ટેમ્બર મહિનાનું પીળું આકાશ ખૂબ ગમતું ને?’ પુરુષ હળવેથી બોલ્યો.
‘ઘણીવાર તું જીદ કરીને કમાટીબાગ લઈ જતી ને ત્યાં ઘાસમાં સૂતાં સૂતાં પીળચટ્ટું આકાશ જોયા કરતી.’
‘કેમ તને એ જોવાનું નહોતું ગમતું?’ સ્ત્રીએ મોં પુરુષ તરફ ફેરવી લાડથી પૂછ્યું.
‘તને એ દૃશ્ય જોતાં જોયા કરવી ગમતું. તને જે ગમતું એ બધું ગમતું.’ પુરુષની આંખમાં આસક્તિ ઊતરી આવી.
બંને ઘડીભર એકમેક તરફ જોતાં રહ્યાં પછી એક હળવો નિસાસો નાખી ફરી દરિયા તરફ જોવાં લાગ્યાં.
‘ત્રીસ વર્ષ થઈ ગયાં. સમય જાણે જંગલી જાનવર પાછળ પડ્યું હોય એમ દોડતાં પસાર થઈ ગયો. વચ્ચે ક્યારેય પીળું આકાશ નહોતું જોયું?’ પુરુષે પૃચ્છા કરી.
‘જોતી હતી ને. દરેક સપ્ટેમ્બરમાં, પણ બારીમાંથી નજર કરું ત્યાં કોઈ વાર મહેમાન આવ્યા હોય કે બાળક રડતું હોય અથવા સાસુ-સસરામાંથી કોઈ બીમાર હોય. ઘણી વાર આકાશને જોવા કરતાં સમયસર કામ પરથી ઘરે પહોંચવાનું વધુ જરૂરી રહેતું હતું.’ સ્ત્રીનો અવાજ અત્યંત મધુર હતો, પણ તેમાં થોડી નિરાશાની છાંટ હતી.
‘નીના, તારી તો સગાઈ પણ સપ્ટેમ્બરમાં થઈ હતી ને? મને એવું યાદ છે. મારી એન્જિનિયરિંગની ત્રીજા વર્ષની પરીક્ષા ચાલતી હતી. મારું વાંચવામાં ધ્યાન નહોતું, ત્યારે હું ત્રણ વિષયમાં ફેલ થઈ ગયેલો.’ પુરુષ હસવા ગયો, પરંતુ અંતે મોં પર વિષાદની રેખા અંકાઈ ગઈ.
‘મોહક, આમ જુઓ તો મારી પણ પરીક્ષા જ હતી ને.. ગમતો વિષય છોડી દેવો પડ્યો અને ક્યારેય ન શીખેલા વિષયની પરીક્ષા આપવી પડી.’ સ્ત્રી જેનું નામ નીના હતું એ હળવો નિસાસો નાખતાં બોલી.
બંને ક્યાંય સુધી કંઈ ન બોલ્યાં.
જુહૂ બીચ પર ફરતાં, દોડતાં, પાળેલા શ્વાન સાથે રમતાં લોકોને જોતાં રહ્યાં.
એમ લાગતું હતું કે એમના હાથમાંથી રેતી જેમ સરી ગયેલો સમય આજે દરિયાની ભરતી ભીંજવી જશે.
‘નીના તારા પપ્પા હજી એવા જ હઠાગ્રહી અને કડક છે?’
‘ના રે.. એક તો પારક્ધિસનના કારણે ઢીલા થઈ ગયા છે, ને દીકરાની વહુ એટલે કે મારી ભાભીએ એમનો અહંકાર ચૂરચૂર કરી દીધો છે. મમ્મી તો વહેલી જતી રહેલી. બાકી કૉલેજના પ્રિન્સિપાલ પી.ડી.આચાર્યના મોં પર પૂછયા વગર સ્મિત પણ ફરકી શકતું નહીં, એ હવે હંમેશા કોઈ મળવા આવે એની રાહ જોયા કરતા હોય છે.’ નીના વ્યંગમાં હસી.
‘હવે આવું મળવા?’ મોહકે હસવાની કોશિશ કરી.
‘હંહં..ઝજ્ઞજ્ઞ હફયિં. આખી જુવાની જતી રહી એક સાવ અજાણ્યા માણસ સાથે અને એના પરિવાર સાથે.’
‘મમ્મી સમજાવતી રહેતી, પરણી જા.. પ્રેમ તો થયા કરશે. આખો દિવસ લવ યુ લવ યુ કહી પેટ નહીં ભરાય. ગાડી, બંગલા પણ જોઈએ. ત્યારે પપ્પા સખત બીઝી રહેતા એટલે પપ્પાની સતત ગેરહાજરી એ ગાડી અને મહિલા મંડળથી પૂરી કરતી.’ નીનાના અવાજમાં કંપ ઊઠી આવ્યો.
‘આજે હું બાયોલૉજીની હેડ ઑફ ધ ડીપાર્ટમેન્ટ છું અને મારી પોતાની ગાડી ખરીદી શકી છું.’
‘ત્યારે મારી પાસે કંઈ નહોતું. એન્જિનિયરિંગની ડિગ્રી પણ નહોતી અને તારા પપ્પાએ મને કૉલેજમાંથી રસ્ટીકેટ કરવાની ધમકી આપેલી. હું ડરી ગયેલો.. આજે હું મોટી ફૅક્ટરીનો પાર્ટનર છું.’ મોહક હજી વધુ ઉદાસ થતાં બોલ્યો.
આ વાતની મારા પપ્પાને ખબર પડી ત્યારે એ રડી પડેલા અને બે દિવસ જમ્યા નહોતા. અશક્તિથી નબળા પડી ગયા પછી મારે કરગરીને જમાડવા પડેલા. કહેતાં, ‘બસ ફક્ત ભણવામાં ધ્યાન આપ. તારી બે નાની બહેનોની જવાબદારી તારા પર છે.’ મારી મમ્મી મારી સાથે બે-ત્રણ દિવસ બોલી નહોતી. આજે મારી બંને બહેનો ડૉકટર થઈ છે. આખી હૉસ્પિટલની જવાબદારી ઉપાડી શકે છે.’ નીનાએ એક ઊંડો શ્વાસ ફેફસાંમાં ભર્યો અને પછી હળવેકથી છોડ્યો.
નીનાએ મોહકના ખભે માથું મૂકી દીધું. મોહકે હાથ નીનાની આંગળીઓમાં પરોવી દીધો. મોહકને લાગ્યું કે નીનાની હથેળી સુકાઈ
ગઈ છે.
નીનાને લાગ્યું મોહકનો ખભો વધુ સુદૃઢ થયો છે, પણ સુગંધ બદલાઈ ચૂકી છે.
જે મોહકનો કુમાશભર્યો ચહેરો એના સ્મરણમાં હતો એને બદલે જિંદગીના આટાપાટામાંથી પસાર થઈ ચૂકેલો, થોડો રૂક્ષ અને અનુભવી વ્યક્તિનો ચહેરો હોય એમ
લાગ્યું.
બંને મનમાં વિચારી રહ્યાં હતાં કે એ વખતે માબાપની વાત ન માની હોત તો..
‘અરે, સામેથી માગું આવ્યું છે, એકદમ જાણીતો પરિવાર છે અને છોકરો વેલ સેટલ્ડ છે પછી શું જોઈએ? મોહક હજી ત્રીજા વર્ષમાં છે, હજી ભણશે, પછી નોકરી કરશે, ઘરનો ભાર ઉપાડશે એમાં તારે પણ જોતરાવું પડશે સમજી? જિંદગી વીતી જાય છે પૈસો ભેગો કરવામાં. મોહકનું સાવ જૂની પોળમાં નાનું ઘર છે. પાણી પણ નીચે ભરવા જવું
પડે છે.’
‘હું તારો પિતા છું, મારે તો તપાસ કરાવવી જ પડે. તારા સારા ભવિષ્ય માટે અમે ચિંતા ન કરીએ તો કોણ કરશે?’ પપ્પાએ વાસ્તવિકતાને વધુ ડરામણી કરતાં કહેલું.
એ પછી નીના મોહકને છેલ્લી વાર મળવા ગઈ હતી.
‘મોહક શું કરીએ?’
મોહક સાવ બદલાયેલો અને ગભરાયેલો લાગતો હતો. વારંવાર આજુબાજુ જોતો રહેતો હતો.
‘નીના, સોરી યાર, હું હમણાં તો લગ્ન માટે વિચારી જ નથી શકતો. એન્જિનિયરિંગની ડિગ્રી મારે માટે ખૂબ જ જરૂરી છે. તું રાહ જોઈ
શકતી હોય તો, બાકી.. ઓલ ધ બેસ્ટ.’
બંને આમ જ કમાટીબાગને ખૂણે આવેલી બેંચ પર બેસી રહેલાં. સજ્જડ ભીડેલી હથેળીઓ સાંજ ઊતરતાં હળવેથી ખૂલતી ગઈ અને રાતનું અંધારું ઊતરતાં અલગ થઈ ગઈ.
‘તેં રાહ કેમ ન જોઈ?’ અચાનક મોહકથી બોલાઈ ગયું? એના શ્વાસમાં ખભે માથું મૂકેલી નીનાના હજી સુંવાળા રહેલા વાળમાંથી આવતી ખુશ્બુ ભળતી જતી
હતી.
‘આપણે બંને એકવીસ વર્ષનાં હતાં. એટલી મેચ્યોરિટી અને હિંમત ક્યાં હતાં? આપણું આખે આખું જનરેશન જ એવું હતું.’
‘પણ મેં મારી દીકરીને કહી રાખ્યું છે જે ગમે એની સાથે જ પરણજે. નીનાના સ્વરમાં આર્દ્રતા ઊતરી આવી.’
‘તારે દીકરી છે? શું નામ છે?’
‘મોહા.26 વર્ષની છે.’
‘ૂવફિ?ં ૂજ્ઞૂ મોહક લગભગ ઊછળી પડ્યો. મોહા.. કેટલું સુંદર નામ!
‘અને તારે?’ નીનાએ પૂછ્યું
‘એક દીકરો છે. નિનાદ. ઓગણીસ વર્ષનો છે. હું એને ઘણી વાર નીના કહી બોલાવું છું.’ મોહકે નીનાની હથેળી દાબી સીધું આંખોમાં જોતાં કહ્યું.
બંને ખડખડાટ હસી પડ્યાં અને હસતાં હસતાં બંનેની આંખો તરલ થઈ ગઈ.
બંને ફરી મૌન થઈ ગયાં.
બંનેએ એકબીજાને પોતાના અસ્તિત્વમાં જીવંત રાખ્યાં હતાં.
સામે સમુદ્ર અવિરત ઊછળતો હતો. આ સાંજ પછી પણ પાછી રાત ઊતરી આવશે. ફરી સંસાર ચાલ્યા કરશે.
મોહક અને નીના જ્યારે છૂટા પડ્યાં હતાં પછી છેક ગયા વર્ષે વડોદરામાં યુનિવર્સિટી રીયુનિયન અને પોતપોતાનાં ક્ષેત્રોમાં યોગદાન બદલ આપવામાં આવતા એવોર્ડ સમારંભમાં મળી ગયાં હતાં. સ્ટેજ પર પહેલાં નીનાની સિદ્ધિઓ બદલ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે મોહક આશ્ચર્યચકિત થઈ ગયેલો. નીના નીના… એ સ્ટેજનાં પગથિયાં પાસે ઊભો રહી ગયેલો. ધડકતાં હૃદયે એણે પગથિયાં ઊતરતી નીનાને કહ્યું,
‘હાય. અભિનંદન હું મોહક.’
તરુણમાંથી સીધા વાળમાં હલકી સફેદીવાળા મોહકને નીના એકદમ ઓળખી શકી નહોતી. એમણે હાથ મિલાવ્યા અને…
ત્યારે જ નક્કી કરેલું કે હવે મુંબઈમાં મળશું.
‘તારા પતિ.. કેવાં છે? આઇ મીન સ્વભાવ વગેરે.. અરે ફોટો તો બતાવ?’ મોહકે સહજ ભાવે
કહ્યું.
નીનાએ મોબાઈલ કાઢ્યો અને પતિ જિગર અને પુત્રી મોહાનો ફોટો બતાવ્યો. ‘સારા છે. હું બધી રીતે અનુકૂળ થતી ગઈ એટલે વાંધો ન આવ્યો. મેં ફક્ત આગળ ભણવા માટે અને પછી નોકરી કરવાની ઇચ્છા બતાવેલી જે એમણે પૂરી
કરેલી.’
‘તારી પત્ની? સુંદર છે?’ નીના ઉત્સુકતાથી પૂછી બેઠી.
મોહકે આઇફોનમાં પત્ની અમિતા અને પુત્ર નિનાદનો ફોટો બતાવ્યો.
‘અમિતા અમારી જ્ઞાતિની જ છે. એમ.બી.એ. પછી સારી નોકરી મળી હતી. પછી મમ્મીએ જે પહેલી છોકરી બતાવી એની સાથે લગ્ન કરી લીધાં. ઘર અને વ્યવહાર ચલાવવામાં કુશળ છે. મેં એની પાસે એથી વધુ અપેક્ષા નથી રાખી.
બંને એકબીજાને માથું ટેકવી ક્ષિતિજમાં જોતાં બેસી રહ્યાં.
એક પ્રકારની વજનદાર લાચારીની ભીંસ છાતી પર બંને જણ અનુભવી રહ્યાં. કોઈ નાના બાળકને ભાવતું આઇસ્ક્રીમ હાથમાંથી છીનવી ગળચટ્ટી લોલીપોપ હાથમાં પકડાવી દે અને હતપ્રભશું બાળક લોલીપોપ ચાટવા માંડે એવી લાગણીનો અનુભવ જાણે થઈ ગયો.
પીળું આકાશ હવે સૂરજના ડૂબવા સાથે રંગ સમેટવા માંડ્યું હતું. હવે રાત જ આવશે એની ખાતરી થવા માંડી અને રાતને આવતાં રોકી નહીં જ શકાય.
આખરે નીના કંઈ નિર્ણય પર આવી હોય એમ સીધી બેસી ગઈ અને ફરીને મોહકની સન્મુખ થઈ ગઈ. મોહકની ભરાવદાર મજબૂત હથેળીમાં પોતાના હાથ મૂકી દેતાં બોલી,
‘મોહક, તકદીરે આપણને ભેગાં નથી થવા દીધાં. ખેર, કોઈ દૈવી યોજના કામ કરી ગઈ હશે. જો આપણે હજુ એક થવું હોય તો થઈ તો શકીએ, દુનિયાથી, પરિવાર અને સમાજથી લડી ઝઘડીને, પણ આપણા જૂના સંબંધો અને સ્મરણો ક્યારેય પીછો નહીં છોડે. આપણા ઘરના હિંચકા પર ઝૂલતાં આપણે આપણા પરિવારને જ યાદ કરતાં રહેશું. ત્રીસ વર્ષનાં સંભારણાં અને ઘટનાઓનું પોટલું છોડી બેસી જશું. ત્રીસ વર્ષની ચોંટેલી રજને એમ ખંખેરી નહીં શકશું. પછી વળીને પાછાં આવવાનું મુશ્કેલ બની જશે.’
આપણ વાંચો: ગરમીમાં અળાઈથી પરેશાન?
‘તારી વાત સાચી છે નીના. બે મિનિટ હું તારી સાથે કાયમ રહેવાનાં સ્વપ્નાં જોવા માંડેલો, પણ એ હકીકત બને તો કંઈ કેટલાં મન દુભાય એ પણ સમજાઈ ગયું, પણ આપણે વરસમાં એક વાર તો મળશું જ.. બોલ મળશે ને નીના?’
‘હા.. મોહક તકદીર પાસે એટલો સમય છીનવીને લઈ આવીશ. સાવ ઘરડાં થઈએ ત્યાં સુધી. જે ડાળી પર છીએ ત્યાં પર્ણોની જેમ પીળાં પડતાં જશું પણ.. હરેક સપ્ટેમ્બરમાં પીળા આકાશ નીચે મળશું.’ (સમાપ્ત)