
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 20મી મેચમાં ગઈ કાલે સોમવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં MIની ઘર આંગણે હાર થઇ, RCBએ MIને 12 રને હરાવ્યું. RCB એ 10 વર્ષ પછી વાનખેડે ખાતે MIને હરાવ્યું છે.
MI આ મેચ હારી ગયું, પણ રોહિત શર્માએ બેટિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. ગઈ કાલે રોહિતે મેચમાં 9 બોલમાં 17 રન બનાવ્યા, જેમાં તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. રોહિત અને રાયન રિસ્કેલ્ટન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઓપનીંગ કરવા ઉતર્યા, જ્યારે ભુવનેશ્વર કુમાર RCB તરફથી પહેલી ઓવર ફેંકવા આવ્યો. રોહિતે પહેલી ઓવરના ચોથા બોલ પર શાનદાર સિક્સર ફટકારી. આ સાથે જ રોહિત IPLના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે.
ગઈ કાલે સિક્સર ફટકારવાની સાથે જ રોહિતે ક્રિસ ગેલ અને વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો. રોહિતે અત્યાર સુધી IPLમાં પ્રથમ ઓવરમાં 13 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે ક્રિસ ગેલ અને વીરેન્દ્ર સેહવાગે IPLમાં પ્રથમ ઓવર દરમિયાન 12-12 છગ્ગા ફટકાર્યા છે.
હવે આ મામલે બ્રેન્ડન મેક્કુલમ ત્રીજા સ્થાને છે, તેણે IPLની પહેલી ઓવરમાં કુલ 10 છગ્ગા ફટકાર્યા છે. કેએલ રાહુલે અત્યાર સુધી પહેલી ઓવરમાં 9 છગ્ગા ફટકાર્યા છે.
આપણ વાંચો: નાનો ભાઈ હાર્દિક હાર્યો, મોટા ભાઈ કૃણાલની કરામત કામ કરી ગઈ
IPLમાં રોહિતનો ફ્લોપ શો યથાવત:
રોહિત શર્મા IPLની આ સિઝનમાં અત્યાર સુધી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. રોહિત CSK સામેની પહેલી મેચમાં 0 રને આઉટ થયો હતો. જ્યારે, GT સામે રોહિત ફક્ત 8 રન બનાવી શક્યો. રોહિત KKR સામે 13 રન અને RCB સામે 17 રન જ બનાવી શક્યો.
ગઈ કાલની મેચમાં RCB એ પહેલા બેટિંગ કરીને 221 રન બનાવ્યા હતા, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 209 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મેચ 12 રનથી હારી ગઈ.