ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગની ચિંતા વધી, વડાપ્રધાન મોદીને પત્ર લખી માંગી મદદ

સુરતઃ સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ હોવાથી રત્નકલાકારોની રોજગારી પર ખૂબ મોટી અસર થઈ છે. આર્થિક સંકળામણને કારણે રત્નકલાકારો આપઘાત કરી લેવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. અમેરિકા દ્વારા ટેરિફ લગાવામાં આવતા હીરા ઉદ્યોગની હાલત વધુ ખરાબ થાય તેવી સ્થિતિ છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વડાપ્રધાન મોદીને હીરા ઉદ્યોગ ઉપર આવનાર સંકટ પહેલા મદદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.
શું ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં હજી વધારે મંદી આવશે?
સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે, ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કર્યા બાદ તેમના દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી. અમારા તરફથી કલેક્ટર થકી તમામ પ્રકારની વિગતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. મુખ્યપ્રધાન દ્વારા આશ્વાસન અપાયુ હતું કે, 15 દિવસમાં કોઈ નક્કર પગલાં લેવાશે અને હીરા ઉદ્યોગને આર્થિક રીતે મદદ થાય તેવો નિર્ણય જાહેર કરીશું. પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: ‘ન સેના, ન સેનાપતિ’: 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશનનું આયોજન, જાણો મહત્ત્વની વાતો
ડાયમંડ મોંઘા થશે તો અમેરિકાના ગ્રાહકો ખરીદવાનું ટાળશે!
અમેરિકાએ ટેરિફ લાગુ પાડતા હીરા ઉદ્યોગની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા વર્તાઈ રહી છે. અમેરિકા દ્વારા ટેરિફ સ્વરૂપે ધરખમ વેરો ડાયમંડ ઉપર ઝીંકી દેતા નવી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. અમેરિકાએ ઝીરો ટકા ડ્યુટી ઉપર સીધા 27 ટકા જેટલો ટેરિફ લગાડી દેતા સ્વભાવિક રીતે જ ડાયમંડ અમેરિકામાં મોંઘા થશે. અમેરિકાના ગ્રાહકો ડાયમંડ મોંઘા થતા જો ખરીદવાનું ટાળે તો તેની સીધી અસર મેન્યુફેક્ચર સેક્ટર ઉપર થવાની છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન અને કેન્દ્રીય કોમર્સ મિનિસ્ટરને લેખિતમાં રજૂઆત કરીને હીરા ઉદ્યોગ માટે ઝડપથી મદદ પહોંચાડવાનો નિર્ણય લેવા માટે પત્ર લખવામાં આવ્યો છે.