અમદાવાદ

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ હેઠળ મંગલમ કેન્ટીનની કરી શરુઆત

અમદાવાદઃ મહિલાઓ હવે આત્મનિર્ભર બનવા લાગી છે. પહેલા મહિલાઓને પુરૂષો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે તે જાતે કમાતી થઈ છે. ગુજરાતમાં પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકારના ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC), જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સખી મંડળોની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી મંગલમ કેન્ટીનનો આરંભ કરવામાં આવ્યો હતો. મિશન મંગલમાં સખી મંડળ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલ આ મંગલમ કેન્ટીન આત્મનિર્ભર ભારતની દિશામાં એક પગલું છે. મંગલમ કેન્ટીનએ સખી મંડળની સાથે જોડાયેલી બહેનોની આત્મનિર્ભરતા અને પ્રગતિનું પ્રતીક છે. મંગલમ કેન્ટીન એ સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત એક અનોખી ઉદ્યમશીલતા છે, જ્યાં સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા સ્વાદિષ્ટ સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે.

Mangalam Canteen launched with the aim of making women self-reliant

મંગલમ કેન્ટીનએ મહિલાઓની આત્મનિર્ભરતા અને પ્રગતિનું પ્રતીક

આવી જ એક મંગલમ કેન્ટીન અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરની કચેરીએ આવતા મુલાકાતીઓ તથા સ્ટાફને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે, સાથે જ આત્મનિર્ભરતાના અભિયાનમાં અમદાવાદ શહેર પોલીસ સહભાગી થઈ શકે તે હેતુથી આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા તારીખ 02/04/25ના રોજ આ મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કમિશ્નરની કચેરી ખાતે કાર્યરત મંગલમ કેન્ટીનમાં વિરમગામ તાલુકાના રંગપુર ગામના ત્રિદેવ સખી મંડળ દ્વારા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે. આ કેન્ટીન સવારે 10:00 થી સાંજે 05:30 સુધી કાર્યરત હોય છે.

Mangalam Canteen launched with the aim of making women self-reliant

કુલ 6 બહેનો કરે છે આ મંગલમ કેન્ટીનનું સંચાલન

મંગલમ કેન્ટીન હેઠળના આ ત્રિદેવ સખી મંડળના આગેવાન સુશ્રી હર્ષિતાબહેનના જણાવ્યા પ્રમાણે, મિશન મંગલમ હેઠળ સરકાર દ્વારા મળતી સહાય તેમને ખૂબ મદદરૂપ થાય છે. કુલ 6 બહેનો મળીને અમદાવાદ કમિશ્નર કચેરી ખાતે ચાલતી મંગલમ કેન્ટીનનું સંચાલન કરે છે. તેમનું ત્રિદેવ સખી મંડળ છેલ્લાં 3 વર્ષથી કાર્યરત છે જેમાં 10 જેટલી બહેનો જોડાયેલી છે. આ બહેનો પોતાની રસોઈની આવડતના આધારે તાલુકા પંચાયતના કાર્યક્રમોમાં સહભાગી થતા હતા. હાલમાં આ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની પોતાના ઘર, કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે. અમદાવાદ કમિશનરની કચેરી ખાતે કેન્ટીન માટે જગ્યા પૂરી પાડવા તથા બહેનોને આત્મનિર્ભર કરવામાં મદદરૂપ થવા બદલ આ બહેનો સરકારનો ખૂબ આભાર માને છે.

અત્યારે મંગલમ કેન્ટીન ક્યાં ક્યાં કાર્યરત છે?

મંગલમ કેન્ટીનની વાત કરવામાં આવે તો, અત્યારે આ કેન્ટીન સરકારી કચેરીઓ, યુનિવર્સિટી કોલેજ કેમ્પસ, હોસ્પિટલો અને અન્ય વિવિધ સરકારી ખાનગી સંસ્થાઓમાં કાર્યરત છે. મંગલમ કેન્ટીનના માધ્યમથી સખી મંડળની બહેનોને રોજગારના નવા અવસરો પ્રાપ્ત થાય છે. જે તેમને ઉદ્યોગ સાહસિક બનવા માટેનો એક મજબૂત મંચ પૂરો પાડે છે. મંગલમ કેન્ટીનમાં કાર્યરત મહિલાઓ આત્મનિર્ભર થઈ તેમના સામાજિક જીવનમાં સન્માન અને સમૃદ્ધિ મેળવે છે. મંગલમ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી પગલું છે. આ કેન્ટીન કારણે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મદદ કરે છે.

આ પણ વાંચો: આવતીકાલથી અંબાજીમાં આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો થશે શુભારંભ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button