IPL 2025

કોલકાતા-લખનઊના મુકાબલામાં નારાયણ-રાઠીની ટક્કર પર સૌની નજર

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ (Eden Gardens)માં આવતી કાલે (મંગળવારે, બપોરે 3.30 વાગ્યાથી) યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આઇપીએલ (IPL)ની 18મી સીઝનની 21મી મૅચ રમાશે જેમાં એવી બે ટીમ ટકરાશે જેમાંની એક ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને બીજી ટીમ હજી આ વખતે 50 ટકા મૅચ જીતી છે, પણ જો એના મોટા ભાગના ખેલાડીઓ અસલ મિજાજમાં રમવા લાગશે તો 2025ની ટ્રોફી માટે ફેવરિટ કહેવાશે.

બીજું, કેકેઆરનો ભારતીય મૂળનો વેસ્ટ ઇન્ડિયન ઑલરાઉન્ડર સુનીલ નારાયણ (Sunil naraine) હજી અસલ મૂડમાં નથી આવ્યો અને જો આવી જશે તો મૅચ-વિનર બની જ ગયો સમજો. જોકે તેની હરીફ ટીમમાં એવો પ્લેયર છે જેને તેના ક્લૉન' તરીકે ઓળખાવવામાં આવે છે. પચીસ વર્ષનો લેગ-સ્પિનર દિગ્વેશ રાઠી (Digvesh Rathi) હાલમાં ખૂબ ચર્ચામાં છે. ખાસ કરીને હરીફ ટીમના બૅટ્સમૅનને આઉટ કર્યા બાદ તેનેનૉટબુક સેલિબ્રેશન’થી સેન્ડ-ઑફ આપવાનું ચૂકતો નથી. જોકે બે વખત આવું કરવા બદલ તેણે મૅચ-ફીના અનુક્રમે પચીસ ટકા અને પચાસ ટકાનો દંડ પણ ભરવો પડ્યો છે. રાઠીને દિલ્હી પ્રીમિયર લીગમાં મેળવેલી સફળતાને આધારે માત્ર 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે ચાર મૅચમાં 7.62ના ઇકોનોમી-રેટ સાથે કુલ છ વિકેટ લીધી છે. બોલિંગમાં લેન્ગ્થ પર તેનો ગજબનો કાબૂ હોય છે અને વિવિધતાને કારણે બૅટ્સમૅન મૂંઝાઈ જતો હોય છે.

આ પણ વાંચો: IPL 2025માં 19 મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ? જુઓ દાવેદારોની યાદી…

મંગળવારની મૅચમાં નારાયણ અને રાઠી વચ્ચે સફળતામાં ચડિયાતા સાબિત થવાની હરીફાઈ જોવા મળશે.
જોકે બન્ને ટીમના કૅપ્ટનની બૅટિંગ પણ નિર્ણાયક બની શકે. કેકેઆરની ટીમ સુકાની અજિંક્ય રહાણેની મૅચ-વિનિંગ ઇનિંગ્સની તલાશમાં છે, જ્યારે રિષભ પંત ચારેય મૅચમાં નિષ્ફળ રહ્યા બાદ હવે મંગળવારે વિકેટકીપિંગ ઉપરાંત બૅટિંગમાં પણ સારું પર્ફોર્મ કરશે જ એવી તેની ટીમને (…અને ખાસ કરીને ટીમના માલિક સંજીવ ગોયેન્કા)ને આશા હશે જ.
કોલકાતા અને લખનઊ આ વખતે સરખી સ્થિતિમાં છે. બન્ને ટીમ ચાર-ચાર મૅચ રમી છે અને બે-બે મૅચ જીતી છે.
કોલકાતાની ટીમમાં વેન્કટેશ ઐયર સૌથી મોંઘો ખેલાડી છે. તેને આ સીઝન રમવાના 23.75 કરોડ રૂપિયા મળશે. તેની તુલનામાં કૅપ્ટન અજિંક્ય રહાણેને ફક્ત 1.50 કરોડ રૂપિયા મળવાના છે. કારણ એ છે કે રહાણેને તેની બેઝ પ્રાઇઝમાં ખરીદવામાં કોઈએ રસ નહોતો બતાડ્યો, પણ કેકેઆરે તેને એ ભાવે ખરીદી લીધો હતો.

કેકેઆર માટે પ્રારંભિક ભાગીદારીમાં મળી રહેલી નિષ્ફળતા સૌથી મોટી ચિંતા છે. ગઈ સીઝનમાં કેકેઆરને ચૅમ્પિયન બનાવવામાં ઓપનર ફિલ સૉલ્ટનું મોટું યોગદાન હતું. જોકે આ વખતે ક્વિન્ટન ડિકૉક અને સુનીલ નારાયણની જોડીએ સારી શરૂઆત નથી કરાવી આપી. ચાર મૅચમાં તેમની પ્રારંભિક ભાગીદારી આ મુજબ રહી છેઃ 14, 1, 4 અને 44.

મંગળવારનો બીજો મુકાબલો કોની વચ્ચે?

પંજાબ કિંગ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ
મુલ્લાંપુર (મોહાલી), સાંજે 7.30 વાગ્યાથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button