પૉન્ટિંગ કેમ દ્રવિડ જેવી સલાહ વિરાટ-રોહિતને નથી આપવા માગતો?

નવી દિલ્હીઃ રોહિત શર્મા તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસના અંતે (સિડની ટેસ્ટમાંથી) નીકળી જઈને આડકતરી રીતે કૅપ્ટન્સીને ગુડ બાય કરી હતી, જ્યારે વિરાટ કોહલીએ એ જ પ્રવાસની શરૂઆતમાં પર્થની સેન્ચુરી સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ સિરીઝમાં સમય જતાં આ બન્ને દિગ્ગજોએ ખૂબ સંઘર્ષ કર્યો હતો અને તેમના નબળા પર્ફોર્મન્સને પગલે ભારત એ શ્રેણી 1-3થી હારી ગયું હતું.
જોકે ત્યાર બાદ બન્ને પીઢ ખેલાડીએ કમબૅક કરીને વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને વિજેતાપદ અપાવવામાં પોતપોતાની રીતે યોગદાન આપ્યું જેને પગલે હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે ઑસ્ટ્રેલિયાનો મહાન ક્રિકેટર રિકી પૉન્ટિંગ (Ricky Ponting) કે જેણે એક સમયે રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને નિવૃત્તિના વિચારો છોડી દેવાની સલાહ આપી હતી એવી સલાહ હાલમાં જરૂર પડે તો પણ રોહિત-વિરાટને નથી આપવા માગતો. બીજી રીતે કહીએ તો રોહિત (Rohit sharma) અને વિરાટ (Virat Kohli) હજી ભારત વતી વધુ રમી શકે એમ નથી એ માટે તેને (પૉન્ટિંગને) કોઈ જ કારણ નથી દેખાતું.

દ્રવિડ જ્યારે ખરાબ સમયકાળથી કંટાળીને રિટાયર થઈ જવા વિચારતો હતો ત્યારે રિકી પૉન્ટિંગ તેને જે સલાહ આપી હતી એવી રોહિત-વિરાટને આપવાનું પસંદ કરશે? એવું એક મુલાકાતમાં પૂછાતાં પૉન્ટિંગે કહ્યું, દ્રવિડનો ત્યારે ઑસ્ટ્રેલિયા-પ્રવાસ સારો નહોતો રહ્યો જેને કારણે તે ખૂબ નિરાશ હતો.’ પૉન્ટિંગે દ્રવિડની એ સ્થિતિ વિશે વધુ વાત કરતા કહ્યું,દ્રવિડ ત્યારે કરીઅરમાં ખૂબ સંઘર્ષ કરી રહ્યો હતો. મીડિયામાં પણ તેની ખૂબ ચર્ચા હતી. એ બધી વાતોથી તે કંટાળી ગયો હતો, થાકી ગયો હતો. મારી અને દ્રવિડ વચ્ચે હંમેશાં બહુ સારી દોસ્તી રહી છે. અમે બન્ને વર્ષો સુધી એકમેકના હરીફ ખેલાડી બની રહ્યા અને અમે બન્ને પોતાના દેશ વતી બૅટિંગમાં ત્રીજા ક્રમે રમ્યા હતા. આવા ખેલાડી (દ્રવિડ)ના ક્લાસ અને ક્વૉલિટી કદી નથી જતા.
પૉન્ટિંગે ત્યારે દ્રવિડને સંન્યાસ લેવાને બદલે પોતાની ખૂબી અને ખાસિયતોને જ નજરસમક્ષ રાખવાની સલાહ આપી હતી. પૉન્ટિંગે ઇન્ટરવ્યૂમાં કહ્યું, મેં દ્રવિડને કહ્યું કે જો તમામ બહારની વાતો ભૂલી જા અને પોતાના પર વિશ્વાસ જાળવી રાખ. જે બાબતોએ તેને આ ઉચ્ચ સ્તરનો ખેલાડી બનાવ્યો છે એ બાબતો ફરી યાદ કરી જા અને એને જ અનુસરવા માંડ. તું જો એ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને નાની-નાની બાબતો પર ચિંતા કરવાનું છોડી દઈશ તો મને ખાતરી છે કે તું કારકિર્દી બહુ ઊંચા સ્તરે લઈ ગયા બાદ એને ગુડબાય કરી શકીશ.’ પૉન્ટિંગે વધુમાં કહ્યું,બસ, મેં દ્રવિડને એટલું કહ્યું અને પછી તે જતો રહ્યો અને પછી તેણે જે કર્યું એનો તમે જ અંદાજ લગાવો (દ્રવિડ ફરી ફૉર્મમાં આવ્યો અને શાનથી કરીઅરને બાય-બાય કરી હતી). હું જ્યારે કરીઅરના અંતમાં હતો ત્યારે મને તેના તરફથી એ જ સંદેશ મળ્યો હતો.
મારા કપરા કાળ વિશે જાણ્યા પછી સૌથી પહેલાં તેણે મને ફોન કર્યો અને મને એ બાબતોની યાદ અપાવી જે મેં તેને એક સમયે કહી હતી. દ્રવિડને આપી હતી એવી સલાહ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આપવાનું પૉન્ટિંગને ઠીક લાગ્યું જ નથી. પૉન્ટિંગે કહ્યું, `વિરાટ વિશે હું વારંવાર કહી ચૂક્યો છું કે ક્વૉલિટી પ્લેયર થોડો સમય સારા ફૉર્મમાં ન હોય તો તેના વિશે આશા છોડી જ ન શકાય. આવા ખેલાડીઓ કોઈને કોઈ રીતે ચૅમ્પિયન હોય છે અને કેવી રીતે ફરી ફૉર્મમાં આવવું એનો ઉપાય સારી રીતે જાણતા હોય છે. વિરાટ છેલ્લા બે વર્ષ દરમ્યાન આવી સ્થિતિમાંથી બહાર આવ્યો હતો. તે ઉચ્ચ દરજ્જાનો ખેલાડી છે અને રોહિત પણ તેના જેવો જ દિગ્ગજ છે. હાલમાં બન્ને માટે ટેસ્ટ ક્રિકેટ સંઘર્ષભરી બની ગઈ છે. રોહિતે તો સ્પષ્ટ કરી જ દીધું છે કે તે 50 ઓવરની ક્રિકેટ (વન-ડે ફૉર્મેટ)માંથી હમણાં તો ક્યાંય નથી જવાનો. વાઇટ-બૉલ ક્રિકેટમાં મેં વિરાટ જેવો બીજો ખેલાડી જોયો નથી. આ બન્ને ખેલાડીની કરીઅર હવે પૂરી થઈ એવું હું ક્યારેય નહીં માનું.’
આપણ વાંચો :ગાવસકર પૂછે છે, ‘ગંભીર શું દ્રવિડનું અનુકરણ કરશે? હજી કેમ ચૂપ છે?’