ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ડેટ્રોઇટમાં સિનેગોગના પ્રમુખની છરી મારી હત્યા, પોલીસ તપાસ શરૂ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધની અસર ઘણા દેશોમાં જોવા મળી રહી છે. ફરી એકવાર તેની અસર અમેરિકામાં જોવા મળી છે, જ્યાં શનિવારે સવારે ડેટ્રોઇટ સિનેગોગના પ્રમુખ સામંથા વોલની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. અમેરિકન ન્યૂઝ ચેનલે આ માહિતી આપી છે.
યહૂદી લોકોના પ્રાર્થના સ્થળને સિનાગોગ કહેવામાં આવે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સામન્થા વોલ તેના ઘરની બહાર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના પર છરી વડે અનેક વાર કરવામાં આવ્યા હતા. ડાઉનટાઉન ડેટ્રોઇટમાં સ્થિત સિનાગોગે તેની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે સામન્થા વોલ આઇઝેક એગ્રી ડાઉનટાઉન સિનાગોગના બોર્ડના પ્રમુખ હતા.
સિનાગોગે સામન્થા વોલના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે શનિવારે સવારે પોલીસના આ અંગે ફોન આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ જમીન પર બેહોશ પડ્યો છે. પોલીસ અધિકારી જેવા ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને લોહીના ડાઘ જોવા મળ્યા હતા.
પોલીસે વોલને ઘટનાસ્થળે જ મૃત ઘોષિત કરી હતી. પોલીસનું માનવું છે કે સામન્થા વોલને ઘરની અંદર જ ચાકુ મારીને રહેંસી નાખવામાં આવી હતી. જોકે, તેમની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે હજી સુધી કોઇ જાણકારી મળી નથી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.