બિહારમાં કોંગ્રેસની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ, સ્થળાંતર રોકો રોજગાર આપો પદયાત્રામા સામેલ થયા રાહુલ ગાંધી

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને સંગઠનાત્મક ફેરફારો બાદ કન્હૈયા કુમારના નેતૃત્વમાં સ્થળાંતર રોકો રોજગાર આપો પદયાત્રા શરૂ કરી છે. આ પદયાત્રામા સામેલ થવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારના બેગુસરાય પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીનું સ્વાગત કરાયુ
રાહુલ ગાંધી સવારે પટના એરપોર્ટથી બેગુસરાય જવા રવાના થયા હતા અને સુભાષ ચોક પહોંચતાની સાથે જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કન્હૈયા કુમાર સાથે આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સફેદ ટી-શર્ટ પહેરીને તેમનું સ્વાગત કર્યું.
રાહુલ ગાંધીએ પહેલાથી જ યુવાનોને સફેદ ટી-શર્ટ પહેરીને યાત્રામાં જોડાવા અને પોતાનો અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. આ અપીલની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી કારણ કે રસ્તાઓ પર કામદારો અને યુવાનોની વિશાળ ભીડ જોવા મળી હતી.
આપણ વાંચો: ગુજરાત-બિહાર સહિત 13 રાજ્યોમાં વિધાનસભાની પેટા-ચૂંટણી
કન્હૈયા કુમારે કહ્યું કે બિહાર માટે એકત્ર થાઓ
આ પદયાત્રામા સામેલ કન્હૈયા કુમારે લોકોને સંબોધતા કહ્યું, યુવાનોએ બિહારમાં રોજગાર, શિક્ષણ અને પ્રગતિ માટેના આ અભિયાનનો ભાગ બનવું જોઈએ. રાહુલ ગાંધીની અપીલ છે કે સફેદ ટી-શર્ટ પહેરીને તમારો અવાજ બુલંદ કરો અને સરકાર સુધી તમારો સંદેશ પહોંચાડો. કન્હૈયાએ બિહારના યુવાનોને સ્થળાંતર રોકવા અને રોજગારની માગણી કરવા માટે એક થવા હાકલ કરી.
આપણ વાંચો: બિહારમાં નીતિશ કુમાર ફસાયા, વકફ બિલ મુદ્દે પાર્ટીમાં ધમાસાણ, 20 મુસ્લિમ પદાધિકારીઓએ પક્ષ છોડ્યો…
રોજગારની તકો વધારવાની માંગણી કરી હતી
બેગુસરાયના રસ્તાઓ પર રાહુલ ગાંધીની પદયાત્રા દરમિયાન યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રાના રૂટ પરના રસ્તાઓ રાહુલ ગાંધી અને કન્હૈયા કુમારના પોસ્ટરોથી ભરેલા હતા. આઈટીઆઈ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ. યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા અને બિહારમાં રોજગારની તકો વધારવાની માંગણી કરી હતી.