ધર્મતેજ

આજની ટૂંકી વાર્તા : સુગંધી ઘર

-રાજેશ અંતાણી

નમિતા થથરી ગઈ. વરસો પછી પણ એ જ અવાજ… નમિતા સભાન થઈ. ચહેરાની આસપાસ વીંટળાયેલો દુપટ્ટો ઉતારીને વાળ સરખા કર્યા. પછી થોડું હસીને કહ્યું: ‘મને ન ઓળખી, આંટી?
હું.. નમિતા…’

ઠંડી ધ્રુજારી શરીરમાંથી પસાર થઈ ગઈ. અમિતા એપાર્ટમેન્ટના દરવાજા પાસે ‘એક્ટિવા’ એક તરફ પાર્ક કરીને નમિતા ખુલ્લા દરવાજાની વચ્ચે ઊભી રહી ગઈ. નમિતાના મનમાં શંકા જાગી કે હું અંકલને મળવા જઈશ – તો મને આવકાર તો યોગ્ય રીતે મળશેને? કારણ, વચ્ચે કેટલાંય વરસો પસાર થઈ ગયાં છે – અહીં, એમના ઘર સુધી પહોંચવામાં છેલ્લાં બે-અઢી વર્ષથી તો અહીં, એમના જ શહેરમાં છું અને મળવા પણ નથી આવી.

નમિતા આજુબાજુ જોવા લાગી. ખાંચામાંથી પસાર થઈને ઊતરતી સાંજનો તડકો સીધો, નમિતાના ચહેરા પર પડતો હતો. નમિતાના મનમાં કેટલાય પ્રશ્નો અને અનેક શંકા…

આ પણ વાંચો: ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક

વૉચમેન નમિતાની નજીક આવ્યો.

કોને ત્યાં જવું છે, એણે પૂછયું-
નમિતાએ અંકલનો ફલેટ નંબર કહ્યો. વૉચમેન નમિતાને લિફટ સુધી દોરી ગયો. નમિતા ધીરે પગલે લિફટ તરફ આગળ વધી. લિફટ નીચે આવી – ખાલી. નમિતા લિફટમાં ગભરાટ સાથે ઊભી. દસમા માળનું બટન પુશ કર્યું.
ધક્કા સાથે નમિતાની જાત દસમા ફલોર સુધી ખેંચાવા લાગી.

નમિતા અંકલના ફલેટના દરવાજાની સામે ઊભી.

ડૉરબેલ તરફ એનો લંબાયેલો હાથ સ્થિર થયો.

મનમાં થોડી અવઢવ થઈ.

નમિતાએ ડોરબેલ પર આંગળી મૂકી.

થોડી વાર પછી ફલેટનું બારણું ખૂલ્યું. જોયું – તો સામે આંટી, કૌશલ્યાબહેન.

‘કોણ? કોનું કામ છે?’

નમિતા થથરી ગઈ. વરસો પછી પણ એ જ અવાજ… નમિતા સભાન થઈ. ચહેરાની આસપાસ વીંટળાયેલો દુપટ્ટો ઉતારીને વાળ સરખા કર્યા. પછી થોડું હસીને કહ્યું: ‘મને ન ઓળખી આંટી? હું.. નમિતા…’

‘અરે! નમિ… તું?’

આ પણ વાંચો: અલૌકિક દર્શન : અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન

‘હા. આંટી હું તમારી નમિ…’

‘કેટલાં વરસો પછી… આવ… આવ… અંદર… આવ..’

ધીમે પગલે નમિતા અંદર પ્રવેશી.

નમિતા સંકોચાઈને સોફા પર બેસી ગઈ. આસપાસ જોવા લાગી.

કૌશલ્યાબહેન નમિતાની બાજુમાં બેસી ગયાં.

એમણે નમિતાનો હાથ પકડી લીધો.

‘કેમ છે નમિ? કેટલા વરસો પછી અહીં આવવા માટે ભૂલી પડી તું તો?

‘હા… આંટી, ઘણાં વરસો પછી…

‘હમણાં કયાં છે તું?’

‘અહીં – આ શહેરમાં જ…’

‘કેટલો સમય થયો?’

‘બે-અઢી વર્ષ થયાં હશે.’

‘લે, ને છેક આજે ભૂલી પડી?’

નમિતા કૌશલ્યાબહેનના આ પ્રશ્નથી મૂંઝાઈ. ‘સૉરી… આંટી, હું મારા કેટલાક સંયોગોમાં એટલી અટવાયેલી હતી કે…’

‘કંઈ નહીં. એ તો ચાલ્યા કરે. તું બેસ. નિરાંતે બેસ.’ નમિતા આજુબાજુ જોવા લાગી.

‘અંકલ… સુરેશ અંકલ… નથી દેખાતા?’ નમિતાએ પૂછયું.

‘એ જરા બહાર ગયા છે. બસ… હવે આવવા જ જોઈએ- તું અહીં નિરાંતે બેસ. હું જરા મારું રસોડાનું કામ આટોપી લઉં.’

નમિતાની આંખો સામે અહીં – આ ઘરમાં વીતી ચૂકેલો એક સમય સ્થિર થવા લાગ્યો.

નમિતા આ શહેરમાં – વડોદરામાં જામનગરથી એમ.બી.એ.નો અભ્યાસ કરવા આવી હતી. સુરેશ અંકલ નમિતાના પપ્પા જગદીશભાઈના ખાસ અંગત મિત્ર. નમિતા સીધી અહીં સુરેશ અંકલને ઘેર આવી હતી. પછી નમિતા કૉલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા ચાલી ગઈ હતી. રજાઓમાં નમિતા, સુરેશ અંકલ અને કૌશલ્યા આંટીને મળવા આવતી. નમિતાને બન્નેનો સ્નેહાળ સ્વભાવ ગમતો. નમિતા એમ.બી.એ. ફાઈનાન્સ સાથે કરતી હતી. સુરેશ અંકલ એક બેંકમાં ઓફિસર હતા એટલે નમિતાને એમની સાથે ચર્ચા કરવાની પણ મઝા આવતી. નમિતાને સુરેશ અંકલ તરફથી ઘણી બધી બાબતોમાં માર્ગદર્શન પણ મળતું. રજાઓ અને વેકેશનમાં નમિતા જામનગર જતી.
જામનગરથી પાછી ફરતી ત્યારે સુરેશ અંકલ અને કૌશલ્યા આંટી માટે કંઈ ને કંઈ ચીજ વસ્તુ લઈ આવતી.

એ પછીનાં કેટલાંક વરસોમાં નમિતાના જીવનમાં એક ઘટના બની હતી. એ વરસોમાં નમિતાને અચાનક અમિત સાથે પરિચય થયો. એ પરિચય ધીરે ધીરે ગાઢ થતો ગયો. બન્ને વચ્ચે સ્થિર થતો સંબંધ ક્યારે પ્રેમમાં ઊંડો ઊતરી ગયો એનો ખ્યાલ પણ ન રહ્યો. બન્નેનું સતત મળવાનું થતું અને બાઈક પર બન્ને લોંગ ડ્રાઈવ પર નીકળી જતાં. નમિતાનું છેલ્લું વર્ષ આવી ગયું- ક્યારેક પ્રોજેક્ટ સબમિશન – પ્રેક્ટિકલ્સ વગેરે બધું પૂરું થયું એનો ખ્યાલ પણ ન આવ્યો. અમિત મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. એનો પણ અભ્યાસ પૂરો થવા આવ્યો. નમિતાને છૂટા પડવા પહેલાંની એ સાંજ આજે પણ યાદ આવે છે… એ દિવસે બપોરથી લોંગ ડ્રાઈવ પર નીકળી ગયાં હતાં. સાંજે એકાંત સ્થળે બન્ને નજીક બેઠાં હતાં. અમિતે નમિતાનો હાથ ખેંચી લીધો હતો અને નમિતાની સુંવાળી હથેળી પર, હાથ પ્રસારવતો હતો… નમિતાના ચહેરા તરફ ઝૂકીને એણે નમિતાને ધીમેથી કહ્યું હતું… ‘નમિ… મારે તને એક વાત કહેવી છે-’

‘કહેને-’
‘મારો અહીં અભ્યાસ પૂરો થયો. હવે… મને… મારા પપ્પા યુ.એસ. ફરધર સ્ટડી માટે મોકલી રહ્યા છે…’

નમિતાની મોટી આંખો અમિતના ચહેરા પર સ્થિર થઈ. ‘તો… તે શું નક્કી કર્યું છે?’

‘મારે યુ.એસ. જવું પડશે… મારા પપ્પાએ તો બધી તૈયારી પણ કરી લીધી છે…’

‘તો… તું… મને….’ નમિતા આગળ બોલી ન શકી. એનો અવાજ ભીનો થઈ ગયો. ભવિષ્ય વિશે કેટલું બધું વિચારી રાખેલું… કેટલાંય સપનાં… અરમાન… ઈચ્છાઓ… બસ. અમારા અભ્યાસ પછીનાં પરિણામો… લગ્ન…
બન્ને જોબ કરતાં હશું- હું અને અમિત સાંજે જોબ પરથી થાકીને ઘેર આવશું. હું અમિતને વળગી પડીશ. અમારું ઘર મહેકતું હશે પ્રેમની સુગંધથી… નમિતાની મોટી આંખોની કિનાર પર આંસુ સ્થિર થવા લાગ્યાં.

અમિતે નમિતાને નજીક ખેંચી હતી… કહ્યું હતું… ‘રિલેક્સ નમિ, હું તને ખૂબ જ ચાહું છું. તારો મારા પરનો પ્રેમનો પણ મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે… હું બે વર્ષ પછી અભ્યાસ પૂરો કરીને, ફરી તારી પાસે આવીશ… આપણે ત્યારે લગ્ન કરી લઈશું… નમિ…, તું મારી રાહ જોઈશને?’

નમિતા અમિતને વળગી પડી હતી.

એ પછી બે વરસનો લાંબો પટ, હજારો વર્ષનો હોય એમ મંથર ગતિએ વીત્યો હતો… એ વર્ષોમાં ફક્ત ફોન ઉપર અવાજથી મળવાનું… નમિતાનાં બા-બાપુજીએ નમિતા માટે લગ્નનો પ્રસ્તાવ ઘણા છોકરા માટે મૂકેલો. છેવટે અકળાઈને નમિતાએ અમિત સાથેના સંબંધની વાત વિગતે કરી દીધી હતી. બા-બાપુજીને આ વાત મંજૂર ન હતી… બે વર્ષ પછી અમિત યુ.એસ.થી અભ્યાસ પૂરો કરીને આવી ગયો… નમિતાને મળવા આવ્યો- જામનગર. બા-બાપુજીએ પણ અમિતને જોયો – મળ્યાં, પણ એ લોકોએ અમિતનો સ્વીકાર ન કર્યો… અમિતનાં માતા-પિતા પણ નમિતાને સ્વીકારવા તૈયાર ન હતાં…

નમિતા અને અમિતે લગ્ન કરી લીધાં.

અમિતને યુ.એસ.માં જોબ મળી ચૂકી હતી. ગ્રીન કાર્ડ પણ. એ નમિતાને લઈને યુ.એસ. ગયો. પછી…

‘અરે! નમિતા… ક્યારે આવી?’ સુરેશ અંકલે પ્રવેશ કર્યો.

નમિતા સુરેશ અંકલનો અચાનક અવાજ સાંભળીને ચમકી. ‘ક્યાં ખોવાઈ ગઈ હતી? આટલાં વરસો પછી કેમ આજે અચાનક સુરેશ અંકલ યાદ આવ્યા?’

નમિતાના ચહેરા ઉપર મૂંઝવણની છાયા પથરાઈ ગઈ.

‘રિલેક્સ… નમિતા, તું કોઈ વાતની ચિંતા નહીં કર-’ સુરેશ અંકલે નમિતાના ચહેરાના ભાવ ઓળખીને કહ્યું.

‘લે, નમિતા… ચાની સાથે નાસ્તો… તને ભાવતો…’ કૌશલ્યાબહેન અચાનક ટ્રે લઈને આવ્યાં.

સુરેશ અંકલે ચાનો કપ હાથમાં લીધો. નમિતાના ચહેરા પર બદલાતી રેખાઓને ધ્યાનથી જોવા લાગ્યા. નમિતા કોઈક પ્રશ્નમાં અટવાયેલી છે. કોઈક સમસ્યામાં ગૂંચવાઈ ગઈ છે… જેમ ભૂતકાળમાં એ ગૂંચવાયેલી હતી પછી…

નમિતા અમિત સાથે લગ્ન કરીને અહીં આવી હતી- ત્યારે અમિતનો નમિતા પરનો સ્નેહ જોઈને સાંત્વના મળતી હતી. લાગ્યું કે અમિત નમિતાને ખુશ રાખશે. અહીંથી આશીર્વાદ લઈને યુ.એસ. ગયાં. શરૂઆતના દિવસોમાં નમિતાના ખુશીથી ભરેલા અવાજમાં નિયમિત ફોન આવતા હતા. સુરેશ અંકલે જામનગર જગદીશભાઈને એના ખુશી સમાચાર આપ્યા હતા. વચ્ચે નમિતાના ફોન અનિયમિત થવા લાગ્યા પછી અચાનક ફોન આવતા બંધ થયા. અચાનક લગભગ દોઢ વર્ષ પછી નમિતાનો ફોન આવ્યો હતો. એ ગભરાયેલી હતી, એ અજાણી વેદનાથી પીડાતી હતી. એના અવાજમાં પીડા હતી. યાતના હતી. એ રડતાં રડતાં કહેતી હતી કે- ‘સુરેશ… અંકલ, મેં અમિત સાથે લગ્ન કરીને ભૂલ કરી છે. હું અહીં અમિત સાથે રહી શકું તેમ નથી. મારે દેશ પાછા ફરવું છે. હું અહીં ઈમિગ્રેશનમાં ફસાઈ છું. તમે કંઈક મારા માટે કરો… નહીંતર…’ નમિતાનો ફોન કપાઈ ગયો હતો. ફરી થોડા દિવસ પછી એ જ રીતનો ફોન આવેલો ત્યારે સુરેશ અંકલે તેને સાંત્વના આપી હતી. એનું સરનામું, ફોન નંબર વગેરે વિગતો લઈને એમના મિત્રને જાણ કરી હતી. એમના મિત્રે અથાગ પ્રયાસો કરીને નમિતાને ભારત પાછી મોકલી આપી હતી.
અહીં આવીને છેક ત્રીજે દિવસે ભયમાંથી થોડી મુક્ત થઈ… નમિતા કહેતી હતી- ‘અંકલ, મારી ભૂલ હતી. મેં બા-બાપુજીની વાત માની નહીં અને અમિત સાથે… શરૂઆતના દિવસોમાં, મારા મનમાં હતો એવો જ પ્રેમ અમિત મને આપતો હતો. અચાનક અમિતના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો. એ મારી સાથે ઝઘડતો – મને માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો. મેં અમિત વિશે બધી તપાસ કરેલી. એણે ત્યાં કોઈક સાથે લગ્ન પણ કરી લીધાં હતાં. મેં જેને ચાહ્યો હતો એ અમિત ન હતો. મારે છૂટવું હતું અમિતથી… હવે હું મારાં બા-બાપુજી પાસે જવા માગું છું… તમે એમને સમજાવો તો-’

સુરેશ અંકલ નમિતાને લઈને જામનગર ગયા હતા.

નમિતાનાં બા-બાપુજીને સમજાવ્યાં હતાં.

પછી…

પછી- આજે ઘણાં વરસો પછી નમિતા આવી છે- હજુ સુધી કંઈ બોલી નથી.

સુરેશ અંકલે ચાનો કપ ટિપાઈ પર મૂક્યો.

‘નમિતા… ક્યાં છે તું હમણાં? જામનગર?’

‘નમિતા ચમકી. ‘હં.. ના અંકલ… હમણાં અહીં જ છું – આ શહેરમાં જ છેલ્લાં બે-અઢી વર્ષથી.’

‘ઓહ! તે છેક આજે અમને મળવા આવી?’

‘સોરી અંકલ… મારી એ ભૂલ તો કહેવાય જ. તમે જાણો છો કે હું બા-બાપુજી સાથે જામનગરમાં રહી. એમની ઈચ્છા મારાં લગ્ન બીજે કરવાની હતી, પણ એ મારા માટે સહેલું ન હતું. મારે અમિત સાથે ડાઈવોર્સ લેવાના હતા. એ કાનૂની પ્રક્રિયા વિચિત્ર અને થકવી નાખે એવી હતી. તે દરમ્યાન મને, અહીંની એક બેંકમાં જોબ મળી ગઈ. એ મેં સ્વીકારી. લેડીઝ હોસ્ટેલમાં રહું છું. ડાઈવોર્સ માટેની દોડાદોડી બાપુજીએ તમને કદાચ વાત કરી હશે…’

‘હા- એમણે મને કોઈ બેંકમાં જોબ મળી છે એવું કહેલું – પણ ક્યાં – એ નહીં- એની વે- હું તો ખુશ થયેલો. મેં માની લીધેલું કે- યુ આર નાવ સૅટલ. પણ તું આજે અહીં આવી તે ગમ્યું. તારે અહીં ગમે ત્યારે આવી જવું- મારે એ કહેવાનું ન હોય-’

‘પણ અંકલ, મને સંકોચ થાય છે કે – આજે પણ હું મારા જીવનની એક સમસ્યા લઈને આવી છું – તમારી પાસે-’

નમિતા મૂંઝવણમાં પડી. કપાળ પર બાઝેલો પરસેવો લૂછયો. ‘અંકલ, બા-બાપુજીએ ફરી મારા માટે છોકરાઓ જોવાનું શરૂ કર્યું છે. પણ મને ડર લાગે છે કે – એક અનુભવ પછી.’

‘નમિતા… બધા છોકરાંઓ કંઈ અમિત જેવા ન હોય. આમાં શ્રદ્ધા અને વિશ્ર્વાસ બહુ મોટો ભાગ ભજવતાં હોય છે.’

‘મારે છોકરાઓ જોવા જામનગર જવું પડે છે. હમણાં ભુજનો છોકરો મને જોવા આવ્યો હતો.’

‘ભુજનો? કોણ?’

‘પરિતોષ દવે નામ હતું. એ અહીં વડોદરામાં જ જોબ કરે છે કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીમાં-’

‘તે જાણે છે તારા ભૂતકાળ વિશે?’

‘હા. મેં એને વાત કરી છે- લગભગ બધી જ.’

‘એ શું કહે છે?’

‘એ મારી સાથે લગ્ન કરવા માગે છે-’

‘તેં શો જવાબ આપ્યો?’

‘કંઈ નહીં – કહ્યું ને કે મને ડર છે-’

‘હા- હા- ડર છે પણ તને છોકરો ગમ્યો?’

‘અંકલ… હા મને ગમ્યો છે, પણ…’

સુરેશ અંકલ ખડખડાટ હસ્યા. નમિતા ચમકી. ત્યાં સુરેશ અંકલે કહ્યું- ‘કરી નાખ લગ્ન નમિતા, પરિતોષ સાથે. ઘણી જ સુખી થઈશ!

‘પણ અંકલ…’ તમે પરિતોષને કેમ ઓળખો?’

‘પરિતોષના પિતાશ્રીનું નામ યશેષચંદ્ર?’

‘હા. પણ… તમને…’

‘જો નમિતા, તારા આ સુરેશ અંકલ પણ ભુજના છે- અને આ પરિતોષ સુરેશ અંકલનો ભાણેજ છે. મારી બહેનનો દીકરો- અને એ આજે એના મામાને ત્યાં આવ્યો છે. ઊભી રહે- બોલાવું છું એને ‘પરિતોષ…!!’

નમિતાએ જોયું.

ધીમે પગલે, અંદરના કમરામાંથી બહાર આવેલો પરિતોષ એની તરફ આવતો દેખાયો.

હા- આ તો એ જ પરિતોષ…

ધીરે ધીરે નજીક આવતો પરિતોષ… આ ક્ષણે નમિતાને કોણ જાણે એવું કેમ લાગી રહ્યું હતું કે- આ જ પરિતોષ, મારી કલ્પનામાં રંગાયેલું પ્રેમ સુગંધી ઘર આપશે? (સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button