પાલઘરમાં રામ નવમીના શોભાયાત્રા પર ઇંડા ફેંકાયા! શહેરમાં તણાવનો માહોલ

પાલઘર: ગઈ કાલે રવિવારે રામનવમીનો તહેવાર હતો, આ નિમિતે દેશના ઘણા શહેરોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મહારષ્ટ્રમાં પણ રામ નવમીની સંખ્યાબંધ શોભાયાત્રાઓ નીકળી હતી, એવામાં પાલઘરમાં એક શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ હુમલો (Attack on Shobhayarta in Palghar) કર્યો હતો.
અહેવાલ મુજબ હારાષ્ટ્રના પાલઘરમાં, કેટલાક લોકોએ શોભાયાત્રા પર ઇંડા ફેંક્યા હતાં. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. જોકે, બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.
આ ઘટના રવિવારે રાત્રે બની હતી, જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે માહિતી આપી છે કે પૂછપરછ માટે એક વ્યક્તિને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે.
આપણ વાંચો: અસામાજિક તત્વોથી દૂર રહો, અજિત પવારનો બીડમાં કાર્યકર્તાઓને સંદેશ
અહેવાલ મુજબ સકલ હિન્દુ સમાજ નામના સંગઠન દ્વારા રામ નવમી પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે રેલી ચિખલડોંગરીના સર્વેશ્વર મંદિરથી શરૂ થઈ હતી અને વિરાર (પશ્ચિમ) માં ગ્લોબલ સિટીના પિંપળેશ્વર મંદિર તરફ જઈ રહી હતી. આ દરમિયાન આ ઘટના બની હતી. રેલીમાં 100 થી 150 વાહનો હતાં. આ ઉપરાંત, એક રથ અને બે ટેમ્પો પણ રેલીનો ભાગ હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું જે ઘટનાની માહિતી મળતાં જ કેટલાક પોલીસકર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પણ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ ઘટના સંબંધિત વીડિયો શેર કર્યા છે, જેમાં વાહનોના કાચ તૂટેલા જોઈ શકાય છે.