ધર્મતેજ

ગીતા મહિમા : શેનો ભય છે?સર્વ પ્રકારનાં ભયમાં સૌથી મોટો ભય એ ‘મૃત્યુભય.’

-સારંગપ્રીત

પુરુષોત્તમ યોગ પછી ભગવાન કૃષ્ણ હવે સોળમા અધ્યાયનો આરંભ કરે છે. આ અધ્યાયનો આરંભ જ અભયમ કહીને ભગવાન આપણને નિર્ભયતાનો વરદાન આપી રહ્યા છે, તે સમજીએ.

સંસારનું બીજું નામ છે મૃત્યુલોક. સૌ કોઈ આ વાત જાણે છે કે જે જન્મ ધારણ કરે છે, તે એક દિવસ મૃત્યુ પ્રાપ્ત કરે જ છે. હા, આ સંસારનો આ જ અટલ નિયમ છે. આમ તો મૃત્યુ શબ્દ જ આપણાં મનમાં ભય ઉત્પન્ન કરે છે તો વાસ્તવિક મૃત્યુની શું વાત કરવી! આ લોકમાં સૌનાં દુ:ખ, તણાવ, સમસ્યા ભલે અનેક પ્રકારના હોય પરંતુ મહાભારતમાં યક્ષના પ્રશ્નમાં યુધિષ્ઠિર ‘સૌથી મોટું આશ્ર્ચર્ય’ આ જણાવે છે કે ‘પ્રતિદિન આ જગતના લોકો જન્મ-મરણના ચક્રને નિહાળે છે તથાપિ જાણે પોતે અમર રહી અહિંયા જ સદા સ્થાયી થશે એ જ મોટું આશ્ર્ચર્ય છે.’ પરંતુ આ જ ભયનું કારણ બને છે એ કેવું મોટું આશ્ર્ચર્ય ?

એકદા ભાડાના મકાનમાં બે ભાઈઓને માલિકે અમુક કારણસર કાઢી મુક્યા. બન્ને પાડોશી પણ હતા. આથી એકભાઈએ રોદણા શરૂ કર્યા જ્યારે બીજા ભાઈએ હસતાં મુખે નિર્ણય સ્વીકારી બીજે પ્રયાણ કરવા માંડ્યુ. આ બધું જ ત્યાંના રહેવાસીઓએ જોયું ને પૂછ્યું ત્યારે હસતાં ભાઈએ કહ્યું ‘મેં ઘણાં સમયથી બીજે જવાની તૈયારી કરી રાખી હતી કેમ કે આ તો ભાડાનું જ હતું એટલે એક દિવસ છોડવાનું પણ નક્કી જ હતું.’

આ પણ વાંચો: માનસ મંથન : ભગવાનના દર્શનની યાચના કરવી જોઈએ કે ન કરવી જોઈએ?

યથાર્થ જ્ઞાનની કૂંચી જ ભયના ખંભાતી તાળાનો એકમાત્ર જવાબ છે, જે આપણને નિર્ભય બનાવી દે છે. મૂળ અક્ષરમૂર્તિ શ્રીગુણાતીતાનંદસ્વામી પોતાની વાતમાં જણાવે છે કે, ‘જ્ઞાન વિના તો કાંઈ પદાર્થ નાશ પામે અથવા સંબંધી મરી જાય તો પણ ગાંડુ થવાય. માટે જ્ઞાન શીખવું, તો દુ:ખ ન આવે.’

આ જ્ઞાન જ સાચી નિર્ભયતા આપી શકે છે. આ એવો ગુણ છે જે વ્યક્તિને ડર, શંકા, અથવા સંકટોની સ્થિતિમાં પણ સ્થિર રહેવા અને પોતાનો આત્મવિશ્વાસ જાળવવાની ક્ષમતા આપે છે. સાચી નિર્ભયતા વ્યક્તિને મુશ્કેલીના સમયમાં પણ નવ જીવનને આગળ ધપાવવાની પ્રેરણા આપે છે.

આ નિર્ભયતા એ દૈવી સંપત્તિ છે. શ્રીમદ્ભગવદ્ગીતાના 16મા અધ્યાયનું નામ છે ‘દૈવ આસુર સંપદ્ વિભાગ યોગ.’ જ્યાં પહેલા શ્ર્લોકનો પહેલો જ શબ્દ છે ‘અભયમ્’ ભગવાન સ્વામિનારાયણે તેથી જ ‘અભય’ થવાં વચનામૃત મધ્ય 33માં કહ્યું છે કે ‘અખંડ એવું મનન કરવું જેમ ‘હું આત્મા છું, દેહ નથી.’ જેમ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જૂની યજ્ઞોપવીતનો ત્યાગ કરી નવી યજ્ઞોપવીત ગ્રહે ત્યારે પ્રસન્ન હોય છે તેમ આ દેહ પણ આપણે ધારણ કર્યો છે, હવે એનો ત્યાગ કરવાનો છે તો એમાં ભય શાનો ?

આ પણ વાંચો: આચમનઃ રામ – કૃષ્ણ: જીવન ને ચરિત્ર

અને તેને જ વધુ સ્પષ્ટ કરતાં ભગવાને વચનામૃત શાસ્ત્રમાં સૂચવ્યું છે કે
‘મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, માટે ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે માટે અંતકાળે તો ભગવાનનો દૃઢ આશરો હોય તે જ કામમાં આવે છે.’ તો ‘ઉપાસના’ એટલે શું ? એ વાતને ‘આધુનિક યુગની ભગવદ્ગીતા’ તરીકે દરજ્જો પામેલા ગ્રન્થ ‘સત્સંગદીક્ષા’માં કહેવાયું છે કે શાસ્ત્રોક્ત સાધુતાનાં લક્ષણવાળા ગુરુનો સંગ એ જ ઉપાસના. જેથી ‘મહાભય મૃત્યુ’ થકી પણ અભયતા મળે છે તો અન્ય ભયની શી વિસાત ?

વિશ્વવન્દનીય વિભૂતિ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એકવાર વિદેશ જતા હતા ત્યારે અમુક ભક્તો-ભાવિકોએ કહ્યું ‘બાપા ! પ્લેનમાં જવાનું માંડી વાળી આપણે અન્ય ઉપાય કરીએ. કારણકે આતંકવાદીઓએ હુમલો કરવાની ધમકી આપી છે.’ અને આથી ઘણા યાત્રિકોએ પણ જવાનું અવશ્ય માંડી વાળ્યું હશે પરંતુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું કે ‘તમને આતંકવાદી પર વિશ્વાસ છે. શું ભગવાન પર નથી? ભગવાન આપણી રક્ષામાં જ છે.’ અને તેઓએ તે પ્લેન દ્વારા જ વિદેશ પ્રસ્થાન કર્યું ત્યારે સૌને ‘સાક્ષાત નિર્ભયતા’નાં દર્શન થયાં.

રાજસ કે તામસ કર્મો કરનારને મોત માટે ભય હોય છે. સાત્ત્વિક જનોને મોતથી કદાચ ભય નથી હોતો પરંતુ ‘પછીથી શું ?’ એ વિષય પર કલ્યાણનો વિશ્વાસ નથી હોતો ને ‘શંકા રહે છે.’ જ્યારે જેણે ખરેખર ‘ગુણાતીત ગુરુ’નો પ્રસંગ કર્યો હોય તે ‘નિર્ભય’ બની જાય છે. કારણકે ગુણાતીત પુરુષ જ એક નિર્ભય હોય છે જે બીજાને નિર્ભય કરી શકે.

તો ચાલો, ગુરુનું શરણું સ્વીકારીને નિર્ભયતાના પથને અપનાવીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button