ધર્મતેજ

વિશેષ : ધર્મના રથની ધ્વજા એટલે સત્ય ને શીલ…

-રાજેશ યાજ્ઞિક

વિશ્વના દરેક ધર્મમાં તેમનો પોતાનો એક ધ્વજ હોય છે. ધ્વજનો રંગ, આકાર અને તેમાં દર્શાવેલ ચિહ્નો પ્રત્યેક ધર્મની ઓળખ અને પ્રતિષ્ઠા પણ ગણાય છે. પહેલાના કાળમાં મહેલ હોય, મંદિર હોય, કે રથ હોય, દરેક ઉપર ધ્વજા ફરકતી. વ્યક્તિ, હોદ્દા કે ધર્મને અનુરૂપ દરેકની અલગ ઓળખાણ રૂપ ધ્વજા પણ અલગ રહેતી. આજે વિશ્વના પ્રત્યેક રાષ્ટ્ર પણ પોતાની અલગ ઓળખાણ અલગ અલગ ધ્વજ વડે પ્રગટ કરે છે.

તુલસીદાસજી રામ ચરિત માનસમાં ધર્મના રથનું વર્ણન કરે છે, તેમાં પણ ધર્મરથ પર ધ્વજા રૂપે બે મહત્ત્વની વાત ગણાવી છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ‘સત્ય શીલ દ્રઢ ધ્વજા પતાકા.’ સત્ય અને શીલ એ ધર્મની ધ્વજા છે એમ તુલસીદાસજી કહે છે.

આપણે શીલ શબ્દનો અર્થ બહુ સીમિત કરી નાખ્યો છે. શીલને આપણે વ્યક્તિ અને ખાસ કરીને સ્ત્રીના ચારિત્ર સાથે જોડી દીધું છે. શીલનો અર્થ મૂળ તો આચરણ સાથે છે. અહીં ગોસ્વામીજી કહે છે કે સત્ય અને સદાચરણ એ ધર્મની ધ્વજા છે. જે પરિસ્થિતિમાં શ્રી રામ આ વાત વિભીષણને કહે છે તે સાથે આ ધ્વજાની વાત કેટલી સહજતાથી બંધ બેસે છે. રામ-રાવણનું યુદ્ધ મૂળ તો દુરાચાર અને સદાચારનું જ યુદ્ધ છે ને?! રામ એટલે સ્વયં સત્ય જ છે. સત્ય અને સદાચાર બંને રામના પક્ષે છે, એટલે ધર્મ પણ તેમના પક્ષે છે તે અવશ્યમેવ વાત છે.

આ પણ વાંચો: મનન : તારી શક્તિ શ્રીરામની

તુલસીદાસજી કેવી ધ્વજા કહે છે? દ્રઢ ધ્વજા. ધર્મમાં દ્રઢતા એ બહુ મહત્ત્વનું પરિબળ છે. સાધુ-સંન્યાસી હોય, કે ભક્ત હોય જો દૃઢતા ન હોય તો ધર્મના માર્ગમાં આગળ વધવાની રાહમાં નોએન્ટ્રીનું બોર્ડ લાગી જાય. આપણા શાસ્ત્રોમાં તો ધર્મમાં દ્રઢતાનાં અનેક ઉદાહરણો જોવા મળે છે. ભક્ત ધ્રુવની અવિચળ શ્રદ્ધા હોય કે ભક્ત પ્રહ્લાદની દ્રઢ ભક્તિ, તેને કોણ નથી જાણતું? શબરીની દ્રઢ આશા કે રામ આવશે, કેવી ચમત્કારિક હતી! સફળતા કોઈપણ ક્ષેત્રમાં ઈચ્છીત હોય એ દ્રઢતા વિના અશક્ય છે, પછી એ ધર્મનું ક્ષેત્ર હોય કે સંસારનું. લક્ષ્યને સાતત્યથી વળગી રહેવું દૃઢતા વિના અશક્ય છે. દ્રઢતા વિના ચંદ્ર સુધી પહોંચવું પણ ક્યાં શક્ય થયું હોત ખરું? દ્રઢતા વિના એવરેસ્ટની ટોચ પર પહોંચવું પણ શક્ય બન્યું હોત ખરું?

સત્ય અને શીલ બંને સૂર્ય અને ચંદ્ર સમાન છે. સત્ય સૂર્ય જેવું તેજસ્વી તો છે જ, સાથે આકરું પણ હોય જ છે. જ્યારે સદાચરણ ચન્દ્ર જેવું શીતળ હોય છે. આચરનારના આત્માને પણ શાંતિ અને શીતળતા બક્ષે છે અને જેની તરફ કરાયું હોય તેને પણ સુખની અનુભૂતિ કરાવે છે. બંનેનું પાલન કરવું કોઈ આકરું તપ કરવા સમાન છે.

અંગત સ્વાર્થને બાજુએ મૂકીને સતત સત્ય હોય એ જ બોલવું અને સાચું હોય એ જ કરવું હંમેશાં શક્ય હોય છે? આ પ્રશ્ન સ્વયંને કરીએ એટલે સમજાય કે લોઢાના ચણા કદાચ ચાવી શકાય પણ સત્યનું અવિરત આચરણ કેટલું અશક્યવત છે. આપણું સત્ય નરો વા કુંજરો વા જેવું હોય છે. જો સાક્ષાત ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિીરે એક વાર માત્ર આ એક વાક્યમાં કહ્યું એમાં તેનો ધર્મરથ ધરતી પર આવી ગયો હોય, તો મારી અને તમારી તો શું વિસાત છે? આપણે તો ડગલે ને પગલે અસત્યનો સહારો લઈએ છીએ. આપણો ધર્મરથ તો કદાચ પાતાળલોકમાં પહોંચી જાય! તેવું જ આચરણનું પણ છે.

આ પણ વાંચો: ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક

તમારી સાથે સતત દુર્વ્યવહાર કરનાર, સતત દુર્વચન કહેનાર સાથે તમે સાફ મનથી હંમેશા સારું આચરણ કરી શકો ખરા? આપણે તો એ લોકો છીએ કે જો કોઈએ એક સંભળાવી હોય તો સો સંભળાવવા તત્પર થઈએ. સદાચારની પરાકાષ્ઠાનું ઉત્તમ દ્રષ્ટાંત કોઈ હોય તો એ છે સ્વામી દયાનંદ સરસ્વતી. પોતાને ઝેર આપનારને પણ સુરક્ષિત ભગાડી મુક્યો.

દ્રઢતા સત્યમાં પણ જોઈએ અને શીલમાં પણ. સત્યમાં દ્રઢ રહેવું, અવિચળ રહેવું આજના કાળમાં અત્યંત દુર્લભ છે. પહેલી વાત તો એ કે આજે લોકોને સત્ય બોલવું નથી ગમતું, જે માફક આવે એ જ સત્ય બોલવું ગમે છે. જો પોતાના સ્વાર્થને અનુકૂળ આવતું હોય તો અસત્યને પણ સત્યમાં ખપાવી દેતા અચકાતો નથી. આવા સંજોગોમાં દ્રઢતા તો ક્યાંથી આવે? સ્વાર્થ, લોભ કે લાલચના કારણે જેનો સૌથી પહેલો ભોગ લેવાતો હોય તો એ સત્યનો જ છે. જે સાચું છે એ કરવું, કે જે સત્ય છે એ બોલવું એ સિદ્ધાંત આજે નથી ચાલતો. જે ફાયદો કરાવે એ કરવું અને એવું જ બોલવું, તે સિદ્ધાંત પર દુનિયા ચાલે છે. જ્યારે સત્યનો ભોગ લેવાઈ ગયો હોય, ત્યાં શીલ એટલે કે સદાચરણ તો ક્યાંથી ટકે?! દુર્યોધન બુદ્ધિ કે બળમાં કુરુવંશના કોઈપણ વીર પુરુષથી ઉતરતો નહોતો. પણ ઈર્ષા અને સત્તા લાલસાથી ભરેલું તેનું આચરણ જ ખોટું હતું, માટે ધર્મ તેના પક્ષે ન રહ્યો. દુરાચાર એ આસુરી વૃત્તિ છે. રાવણ પણ મહાત્મા જ હતો, પરંતુ સીતાહરણ કરીને આચરણ બગાડ્યું, પરિણામે સમૂળ પતન થયું. ધર્મની આ ઘ્વજાને ગંગાસતીના શબ્દોમાં સમજાવવી હોય તો બે લીટીમાં કહી શકાય,

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે રે બ્રહ્માંડ રે; વિપદ પડે તોય વણસે નહીં રે પાનબાઇ, સોઈ હરિજનનાં પરમાણ રે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button