પ્રેમાળ પતિને ત્યાગીને અન્ય પુરુષને પસંદ કરવા તમે સ્વયંવર કઇ રીતે યોજી શકો?

શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
કુંડિનપુરના રાજાભીમને સમાચાર મળ્યા કે તેમની પુત્રી અને જમાઈ વનપ્રસ્થાન થઈ ગયાં છે. તેમણે એમના રાજ્યના એક હજાર બ્રાહ્મણોને પુત્રી દમયંતી અને જમાઈ નળને શોધવા મોકલ્યા. એક તરફ પતિ વિરહથી માનસીક પિડા ભોગવી રહેલી દમયંતી ચેદી રાજ્ય પહોંચે છે. કુંડિનપુરથી નીકળેલા એક હજાર બ્રાહ્મણોમાંથી એક સુદેવ નામનો બ્રાહ્મણ ચેદીરાજ્ય પહોંચે છે. રાજમાતા અને રાણી ઇન્દુમતીની બાજુમાં રાજકુમારી દમયંતીને બેસેલી જોતા જ ઓળખી જાય છે. રાજમાતા પોતાની પુત્રી સમાન દમયંતીને દાસી તરીકે પોતાના રાજમહેલમાં રાખી હોવાથી તે ક્ષોભ અનુભવે છે અને રાસ-રસાલા સાથે દમયંતીને કુંડિનપુર છોડવા પોતે તેની સાથે જાય છે. જમાઈ રાજા નળના વાવડ ન મળતાં રાજાભીમ ફરી પોતાના હજાર બ્રાહ્મણોને રાજા નળને શોધવા મોકલે છે. બ્રાહ્મણો જતા પહેલાં દમયંતી પાસેથી સલાહ-સૂચન માગે છે. દમયંતી સૂચના આપતા કહે છે કે, ‘તમે જે પણ રાજ્યમાં જાવ ત્યાં લોકોની ભીડ વચ્ચે બોલજો કે, હે, ‘મારા કપટી પ્રેમી, તમે મારા વસ્ત્રનો જે અર્ધો ભાગ ફાડીને તમારી દાસીને જંગલમાં નિદ્રાધીન અવસ્થામાં મૂકી જતા રહ્યા છો એજ અર્ધું વસ્ત્ર લપેટીને તમારી રાહ જોઈ રહી છું.’ આ સાંભળી કોઈ તમને કંઈ જવાબ આપે તો તમે જાણી લેજો કે એ કોણ છે અને ક્યાં રહે છે. હજાર બ્રાહ્મણ રાજકુમારી દમયંતીની સલાહ-સૂચન સાંભળી અલગ અલગ દેશમાં નીકળી પડયા. થોડા સમય બાદ પર્ણાદ નામનો બ્રાહ્મણ પરત આવ્યો અને દમયંતીને મળ્યો. તેણે કહ્યું, ‘હું નિષેધ નરેશ રાજા નળને શોધવા અયોધ્યા નગરી પહોંચી ગયો. ત્યાં રાજા ઋતુપર્ણ પાસે ગયો અને તેમની ભરીસભામાં તમારો મુદ્દો પુનરાવર્તિત કર્યો. રાજસભામાં કોઈએ જવાબ આપ્યો નહીં પણ હું ત્યાંથી વિદાય લઈ રહ્યો હતો ત્યારે અયોધ્યા નરેશ ઋતુપર્ણનો બાહુક નામના સારથીએ મને એકાંતમાં બોલાવી કહ્યું કે, ‘આમાં રાજા નળનો કોઈ દોષ નથી, કુલીન સ્ત્રીઓ પોતાના સતિત્વના બળે સ્વર્ગ પર વિજય પ્રાપ્ત કરી લે છે.’ દમયંતીને લાગ્યું કે આવા પ્રકારનો ઉત્તર રાજા નળ જ આપી શકે. સુદેવ બ્રાહ્મણ તુરંત અયોધ્યા પહોંચી રાજા ઋતુપર્ણને સ્વયંવરમાં પહોંચવા માટેનું આમંત્રણ આપે છે. રાજા ઋતુપર્ણ સારથી બાહુકને કહે છે કે તમારે આવતી કાલ સુધીમાં મને વિદર્ભદેશ પહોંચાડવાનો છે, સારથી બાહુક કહે છે કે હું તમને આવતીકાલ સુધીમાં વિદર્ભદેશ પહોંચાડીશ પણ તમારે એ સફર દરમિયાન મને પાસાંઓની દ્યુતકલાનું વિજ્ઞાન શિખવવું પડશે. રાજા ઋતુપર્ણ શરત સ્વીકારતાં સારથી બાહુક ચાર ઉચ્ચપ્રકારના અશ્ર્વની પસંદગી કરી રથ તૈયાર કરે છે. સારથી બાહુક પવન વેગે રથ ચલાવે છે અને રાજા ઋતુપર્ણ પ્રવાસ દરમિયાન પાસાંઓની દ્યુતકલાનું વિજ્ઞાન તેને આપે છે.
પ્રવાસ દરમિયાન રાજા ઋતુપર્ણ પાસેથી પાસાંઓની દ્યુતકલાનું વિજ્ઞાન મેળવી રાજા નળ વધુ વેગે રથ હંકારે છે બપોરનો સમય થતાં રાજા ઋતુપર્ણ સારથી બાહુકને કહે છે, ‘સારથી ઘણો સમય થઈ ગયો છે અશ્ર્વોને ચારા-પાણી માટે વિશ્રામ આપવો આવશ્યક છે.’ રાજા ઋતુપર્ણની આજ્ઞાથી સારથી બાહુક રથ થોભાવે છે અને અશ્ર્વોને ચારા પાણી માટે છુટા કરે છે. એ દરમિયાન દ્યુતકલાનું વિજ્ઞાન પૂર્ણ થાય છે. સારથી સ્વરૂપે રાજા નળ અશ્ર્વોને ઝરણામાંથી બહાર કાઢવા જાય છે. રાજા નળનો પડછાયો ઝરણામાં પડતાં જ કર્કોટક સર્પનું વિષ ઓકતાં ઓકતાં કળિયુગ બહાર આવી ગયો. કળિયુગને બહાર આવેલો જોઈ રાજા નળ તેને શાપ આપવા જાય છે.
કળિયુગ: ‘મહારાજ નળ, મને માફ કરો, હું તમારી શરણમાં છું, મને શાપ ન આપો. હું તમને વરદાન આપું છું કે ‘જે કોઈ માનવ કળિયુગમાં તમારું ચરિત્ર પઠન કે શ્રવણ કરશે તેને હું ક્યારેય નહીં નડું, તેને મારો કોઈ ભય નહીં રહે.’
આટલું સાંભળતાં જ રાજા નળ આનંદિત થઈ જાય છે અને સાંજ સુધીમાં કુંડિનપુર પહોંચવા અશ્ર્વોને ફરી જોડે છે અને પવનવેગે રથને કુંડિનપુર તરફ દોડાવે છે. સંધ્યા ટાણે રાજા ઋતુપર્ણનો રથ કુંડિનપુર પહોંચે છે. ઋતુપર્ણના રથના રણકારનો અવાજ રાજમહેલ
સુધી પહોંચે છે. દમયંતી વિચારે
છે કે તેનો પતિ હવે કુંડિનપુર આવી ગયો છે અને હવે જો એ મને નહીં ઓળખે તો હું ધગધગતી અગ્નિમાં કૂદી પડીશ.
રાજાભીમની રાજસભામાં રાજા ઋતુપર્ણ આવે છે. તે જુએ છે કે અહીં સ્વયંવરની કોઈ જ તૈયારી નથી. રાજાભીમ ઋતુપર્ણને કહે છે, ‘રાજન મારી પુત્રી દમયંતી રાજા નળની પત્ની છે અને અમને ખાતરી છે કે તમારો સારથી જ રાજા નળ છે, તમે રાજસભામાં બોલાવી શકો તો
ઉત્તમ છે.’
ઋતુપર્ણ કદરૂપા સારથી બાહુકને રાજસભામાં બોલાવે છે.
દમયંતી: ‘બાહુક! અગાઉ એક ધર્મજ્ઞ પુરુષ એટલે કે મારા પતિ મને ગાઢ જંગલમાં છોડીને ક્યાંક
જતા રહ્યા છે, શું તમે એમને
ઓળખો છો?’
આટલું કહેતાં જ દમયંતી ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી, તેની બાજુમાં તેનાં બે બાળકોના રત્નસમાન લોચનમાંથી ટપકતાં આંસુઓ જોઈ રાજા નળ પોતાને રોકી ન શકયાં.
રાજા નળ: ‘હાં, પ્રિયે હું જ નળ છું, મેં રાજ્ય ગુમાવ્યું અને તમને છોડી દીધાં એમાં કળિયુગનું કારસ્તાન હતું, એ મારા શરીરમાં નિવાસ કરતો હતો એટલે હું મારા રાજ્ય અને તમારાથી દૂર થઈ ગયો હતો, પણ મેં શ્રમ અને તપસ્યાની શક્તિથી કળિયુગ પર વિજય મેળવ્યો છે. હવે કળિયુગે મને મુક્ત કર્યો છે, પણ મને એ જણાવો કે મારા જેવા પ્રેમાળ પતિને ત્યાગીને અન્ય પુરુષને પસંદ કરવા તમે સ્વયંવર કઇ રીતે યોજી શકો.’
દમયંતી: ‘સ્વામી મને માફ કરો, આ યુક્તિ ફક્ત તમને અહીં સુધી લઈ આવવાની હતી, મારા સ્વયંવરના સમાચાર સાંભળી 100 યોજનનું અંતર એક દિવસમાં ફક્ત તમે જ કાપી શકો એ વાતની ખાતરી અમને હતી. આપ જાણો છો કે મારી સમક્ષ ઉપસ્થિત દેવતાઓને અવગણીને પણ મેં તમને જ પસંદ કર્યા હતા. તો તમારાથી વિશેષ અન્ય કેમ કોઈ હોય શકે? જો મેં તમારા સિવાય અન્ય કોઈ પુરુષ વિશે વિચાર સુધ્ધાં કર્યો હોય તો સૂર્યદેવ, ચંદ્રદેવ અને અગ્નિદેવને વિનંતી કરું છું કે મારા જીવનનો તુરંત નાશ કરે.’
એ જ ક્ષણે પવનદેવે આકાશસ્થિત કહ્યું કે, ‘દમયંતીએ કોઈ પાપ કર્યું નથી, તેના સતિત્વનું રક્ષણ અમે કર્યું છે, તેના પર શંકા કરશો નહીં, તેની વરણી કરો.’
આટલું સાંભળતાં જ આકાશમાંથી દેવી-દેવતાઓ પુષ્પવર્ષા કરવા લાગ્યાં. આવું અદ્ભુત વાતાવરણ જોઈ રાજા નળે સંદેહ ત્યાગી દીધો અને કર્કોટક સર્પે આપેલાં વસ્ત્રો ધારણ કર્યાં, વસ્ત્રો ધારણ કરી નાગરાજ કર્કોટકનું સ્મરણ કર્યું. બીજી જ ક્ષણે રાજા નળનું પૂર્વવત સ્વરૂપ ધારણ કરી લીધું. દમયંતી અને બાળકો રાજા નળને ભેટી પડયાં, પૂર્ણ રાત્રિ નળપરિવાર હેતપ્રેમની વાતો કરતો રહ્યો. પ્રભાત થતાં જ નગરમાં વાત ફરી વળી નગરજનો એ ખબરને વધાવીને ઉત્સવ સ્વરૂપે ઉજવવાની શરૂઆત કરી. રાજા ઋતુપર્ણાએ રાજા નળની માફી
માગી વિદાય લીધી. રાજા નળ એક મહિના સુધી કુંડિનપુર રહ્યા અને ત્યારબાદ શ્ર્વસુર રાજાભીમ પાસેથી આજ્ઞા લઈ પોતાના નિષધદેશ જવા પ્રસ્થાન કર્યું. રાજાભીમે નળને સોનેરી રથ, સોળ હાથી, પચાસ અશ્ર્વ અને છસો પાયદળ સહિત રાજા નળને વિદાય આપી. રાજા નળ નિષધદેશ પહોંચતાં જ નગરજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. નળરાજ તુરંત રાજમહેલ પહોંચ્યા.
નળરાજા: ‘ભ્રાતા પુષ્કર, કાં તો તમે મારી સાથે કપટભર્યું દ્યુત રમો અથવા બાણ ચડાવો.’
પુષ્કર: ‘દ્યુત રમવા માટે તમે દ્રવ્ય લઇ આવ્યા હોય તો સારું, પણ આ વખતે તમારી પત્નીને પણ અવશ્ય જીતી લઈશ.’
નળરાજાએ ભાવહિન શબ્દોમાં પડકાર ફેંકયો, પાસાંઓ ફેકાતા ગયાં, દાવ પર દાવ રમાતાં ગયાં. દરેક દાવમાં રાજા ઋતુપર્ણે શિખવેલા પાસાં વિજ્ઞાન પોતાનું કૌશલ દેખાડવા માંડતા અંતે ભ્રાતા પુષ્કર બધું જ હારી ગયા અને રાજ્ય છોડી વનવાસનો સ્વીકાર કર્યો. રાજા નળે સૈન્ય મોકલી રાણી દમયંતીને બોલાવી. રાજા નળ અને દમયંતી ખૂબ આનંદથી પ્રજા પાલન કરવા લાગ્યાં. તેમની ખ્યાતિ દૂર દૂર સુધી અનંત કાળ સુધી ફેલાઈ.
નાગરાજ કર્કોટક, નળ, દમયંતી અને રાજા ઋતુપર્ણની આ કથાનું શ્રવણ કે પઠન કરશે તેને કળિયુગ ક્યારેય નડી નહીં શકે અને માનવ ધૈર્ય પ્રાપ્ત કરે છે. (ક્રમશ:)