સિરાજ સહિતના જીટીના બોલર્સે હૈદરાબાદની બૅટિંગ લાઇન-અપનો કચરો કરી નાખ્યો
પૅટ કમિન્સની ટીમ આઠ વિકેટે ફક્ત 152 રન બનાવી શકી

હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે આજે અહીં હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ (GT) સામેના મુકાબલામાં 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 152 રન બનાવ્યા હતા. 2024ની સાલથી હૈદરાબાદના બૅટ્સમેનની જે પ્રતિભા જોવા મળી એવું આ મૅચમાં જરાય નહોતું દેખાયું. ફરી એકવાર હૈદરાબાદની ટીમનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ ગયો હતો. જીટીનો પેસ બોલર મોહમ્મદ સિરાજ (4-0-17-4) ટીમના તમામ બોલરમાં સૌથી સફળ સાબિત તો થયો જ હતો, હૈદરાબાદની ટીમને સિરાજે (Mohammed Siraj) સૌથી વધુ કાબૂમાં રાખી હતી.
બીજા પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ પચીસ રનમાં બે વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર સાઇ કિશોરે 24 રનમાં બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: તિલકને રિટાયર-આઉટ કરાતાં ડ્રેસિંગ-રૂમમાં સૂર્યકુમાર નારાજ થયો હતો?
ઇશાંત શર્માને 53 રનમાં અને રાશીદ ખાનને 31 રનમાં વિકેટ નહોતી મળી.
પહેલાં સિરાજ ત્રાટક્યો હતો અને પછી ક્રિષ્ના તથા સાઇ કિશોરે વિકેટ લેવાની શરૂઆત કરી હતી.
હૈદરાબાદની બહુ વખણાયેલી બૅટિંગ લાઇન-અપ ફરી એક વાર પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી. ઓપનર અભિષેક શર્મા (18 રન), ટ્રૅવિસ હેડ (8 રન), ઇશાન કિશન (17 રન), નીતીશ કુમાર રેડ્ડી (31 રન) અને હિન્રિક ક્લાસેન (27) લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા હતા. અનિકેત વર્મા 18 રન અને કામિન્ડુ મેન્ડિસ એક રન બનાવીને આઉટ થયો હતો. કૅપ્ટન પૅટ કમિન્સ બાવીસ રને અણનમ રહ્યો હતો, પણ તેને લાંબો સમય સાથ આપવા માટે કોઈ પણ બૅટર ક્રીઝ પર લાંબો સમય નહોતો ટક્યો.
એ પહેલાં, જીટીના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. હૈદરાબાદની ટીમ પહેલા બૅટિંગ કરશે એ જાણીને પ્રેક્ષકો ખુશ થઈ ગયા હતા, પરંતુ બધા બૅટર્સે ફટકાબાજી જોવાની પ્રેક્ષકો તથા ટીવી-દર્શકોની આશા પર પાણી ફેરવી દીધું હતું. 50 રનમાં હૈદરાબાદે ટ્રૅવિસ હેડ, અભિષેક, ઇશાન સહિતની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.