આમચી મુંબઈ

કચ્છના બે મિત્રો સાથે પાર્ટી કરીને પાછા ફરતાં અકસ્માતઃ ત્રણેય જણ જખમી

ઘાટકોપરના વેપારી સામે પોતાના અને અન્યોના જીવ જોખમમાં મૂકવાનો ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કચ્છથી આવેલા બે મિત્ર સાથે દારૂની પાર્ટી કર્યા બાદ ભોજન કરીને દક્ષિણ મુંબઈથી પાછા ફરતી વખતે કાર હંકારી રહેલા ઘાટકોપરના ગુજરાતી વેપારીએ બાંદ્રા-વરલી સી લિંક પર અચાનક કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ટકરાઇને ઊંધી વળી ગઇ હતી. આ અકસ્માતમાં વેપારી હેતુલ પુરુષોત્તમ રામજિયાણી (30) અને તેના બંને મિત્ર નરેશકુમાર કાંતિલાલ પોકાર (47) તથા પાર્થ નરેશભાઇ લિંબાણી (32) ઘવાયા હતા. વરલી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે હેતુલ રામજિયાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હેતુલ દારૂના નશામાં કાર હંકારી રહ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

વરલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવિન્દ્ર કાટકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે બાંદ્રા- વરલી સી લિંક પર ઉત્તર તરફની લેન, સાત નંબર ખાતે શનિવારે મોડી રાતે 1.40 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં સ્કોડા કાર ડિવાઇડર સાથે ટકરાયા બાદ ઊંધી વળી ગઇ હતી. કારચાલક હેતુલ રામજિયાણી દારૂના નશામાં હતો. આથી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાર પણ જપ્ત કરાઇ હતી.

આ પણ વાંચો: માર્ગ અકસ્માતમાં ઘવાયેલી મહિલાને 29.39 લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ

ઘાટકોપર પશ્ચિમમાં એલ.બી.એસ. માર્ગ પર ગંગાવાડી ખાતે રહેનારા હેતુલ રામજિયાણીના બે મિત્ર પાર્થ લિંબાણી અને નરેશકુમાર પોકાર કચ્છના બિદડામાં કુકાણી નગર અને ઉમિયા નગરમાં રહે છે. બંને મિત્ર કચ્છથી આવ્યા હોવાથી શનિવારે રાતે હેતુલે તેમની સાથે દારૂની પાર્ટી કરી હતી અને બાદમાં જમવા માટે તેઓ સ્કોડા કારમાં દક્ષિણ મુંબઈ આવ્યા હતા. જમ્યા બાદ તેઓ ઘાટકોપર પાછા જવા નીકળ્યા હતા.

હેતુલ કાર હંકારી રહ્યો હતો અને બાંદ્રા-વરલી સી લિંક પરથી પસાર થતી વખતે તેણે અચાનક કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ ઊંધી વળી ગઇ હતી, જેમાં હેતુલ અને તેના બંને મિત્રને ઇજા થઇ હતી. દરમિયાન અકસ્માતની જાણ થતાં વરલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્વરિત ઘટનાસ્થળે આી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: વડોદરાઃ રક્ષિત ચૌરસિયા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, અકસ્માતના દિવસે કર્યું હતું ગાંજાનું સેવન…

અકસ્માતમાં ઘવાયેલા નરેશકુમાર અને પાર્થ લિંબાણીને એમ્બ્યુલન્સમાં કાંદિવલીની હોસ્પિટલમાં મોકલાયા હતા, જ્યારે કારચાલક હેતુલને પોલીસ સ્ટેશન લવાયો હતો અને બાદમાં તબીબી તપાસ માટે તેને જે. જે. હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અકસ્માતગ્રસ્ત કારને ક્રેનની મદદથી ટૉવ કરીને પોલીસ સ્ટેશન લવાઇ હતી. હેતુલે દારૂ પીધો હોવાનું તબીબી તપાસમાં જણાયું હતું, જેને પગલે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ગુનો જામીનપાત્ર હોવાથી હેતુલને બાદમાં નોટિસ આપી જવા દેવાયો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે દારૂના નશામાં વાહન ચલાવીને પોતાના અને અન્યોના જીવને જોખમમાં મૂકનારાઓ પર લગામ તાણવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવાનું નક્કી કરાયું છે. ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીએ આપેલા આદેશ મુજબ નશામાં વાહન ચલાવતા પકડાયેલા ડ્રાઇવરો સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાને બદલે તેમની સામે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાશે. તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ તથા વાહનો જપ્ત કરવાની ભલામણ પણ કરાઇ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button