સ્પોર્ટસ

વડા પ્રધાન મોદી 1996ના વર્લ્ડ ચૅમ્પિયન શ્રીલંકનોને મળ્યા, જાણો તેમને શું કહ્યું…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન 1996ના વન-ડે વર્લ્ડ કપની શ્રીલંકન ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને તેમની એ વિરલ સિદ્ધિની યાદ તાજી કરવાની સાથે એક મુદ્દાની વાત કરી હતી. મોદીએ તેમની સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકા (Sri lanka)ના ક્રિકેટરો જે આક્રમક અને નવા પ્રકારની સ્ટાઇલથી ક્રિકેટ રમ્યા હતા ખરેખર તો ત્યારે જ ટી-20 (T-20) ક્રિકેટના ફૉર્મેટનો જન્મ થયો એમ કહી શકાય.’

ટી-20 ક્રિકેટ એકવીસમી સદીની શરૂઆતમાં રમાતી થઈ હતી, 2004માં ટી-20ની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય સિરીઝ (ઑસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે) રમાઈ હતી અને 2007માં સૌથી પહેલો ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો જે ભારતે જીતી લીધો હતો. પીએમ મોદીએ શ્રીલંકામાં 1996ની વિશ્વ વિજેતા (World champion) શ્રીલંકન ટીમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે1983ના ભારતના વર્લ્ડ ચૅમ્પિયનપદ અને 1996ના શ્રીલંકાના વર્લ્ડ ચૅમ્પિયનપદની ક્રિકેટજગત પર અનેરી છાપ પડી હતી. આ બન્ને વિશ્વ વિજેતાપદ સાથે ક્રિકેટ વિશ્વમાં મોટું પરિવર્તન આવ્યું હતું.

મોદી શ્રીલંકાના 1996ના જે વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓને મળ્યા હતા એમાં સનથ જયસૂર્યા, ચામિન્ડા વાસ, અરવિંદ ડિસિલ્વા, માર્વન અટાપટ્ટુ, રવીન્દ્ર પુષ્પકુમારા, ઉપુલ ચંદાના, કુમાર ધર્મસેના અને રોમેશ કાલુવિથરણાનો સમાવેશ હતો.
મોદીએ આ ખેલાડીઓ સાથેની વાતચીતમાં યાદ અપાવતા એવું પણ કહ્યું હતું કે 1996માં શ્રીલંકામાં બૉમ્બ ધડાકો થયો હોવા છતાં ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો એ બન્ને દેશ વચ્ચેની મિત્રતા તેમ જ ખેલદિલીના શ્રેષ્ઠ પ્રતીક સમાન છે.’ એક અધિકારીએ જણાવ્યું હતું કેશ્રીલંકાના ક્રિકેટરોએ પીએમ મોદીને જાફના સહિત શ્રીલંકાના ઉત્તરિય ભાગમાં ઉચ્ચ-સ્તરીય ક્રિકેટ ગ્રાઉન્ડના વિકાસ માટે સપોર્ટ કરવાની વિનંતી કરી હતી.’

શ્રીલંકાને આર્થિક કટોકટી દરમ્યાન ખુલ્લા દિલથી સહાય કરવા બદલ પણ શ્રીલંકન ક્રિકેટરોએ મોદીનો આભાર માન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button