આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેને મળશે વધુ એક ‘ટર્મિનસ’, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બે ટર્મિનસ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. નવા ટર્મિનસના નિર્માણને કારણે સબર્બન અને નોન-સબર્બનની ટ્રેનોને અલાયદા ટર્મિનસ સાથે નવી પાર્કિંગ ફેસિલિટી મળવાને કારણે પ્રવાસીઓને અવરજવર કરવામાં ફાયદો થશે.

જોગેશ્વરીમાં ટર્મિનસ બનાવવાનો માર્ગ મોકળો બન્યા પછી હવે વસઈમાં પણ ટર્મિનસ બનાવવામાં આવશે, જેથી પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને લાંબા અંતરની ટ્રેન પકડવાની કનેક્ટિવિટી વધશે.

આપણ વાંચો: બેડ ન્યૂઝઃ AC લોકલમાં ટ્રાવેલ કરવાના છો તો જાણી લો પશ્ચિમ રેલવેની નવી અપડેટ

નવા રુટ પરથી ટ્રેન દોડાવવામાં આવશે

આ મુદ્દે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે મંત્રાલયને નવા શહેરોના વિકાસ માટે મેગા ટર્મિનસ બનાવવાની સૂચના આપી છે. રેલવે બોર્ડ અહીંથી નવા રૂટ પર ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યું છે.

આથી બૃહદ મુંબઈમાં મુસાફરોની સુવિધા માટે રેલવે બોર્ડે પશ્ચિમ રેલવે પર નવા વસઈ રોડ ટર્મિનસને મંજૂરી આપી છે. વસઈમાં ટર્મિનસ બનાવવાને કારણે શહેરની બહારથી મેઇલ-એક્સપ્રેસ ટ્રેનોનું હેન્ડલિંગ શક્ય બનશે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું.

આપણ વાંચો: પશ્ચિમ રેલવે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે…

150 કરોડના ભંડોળ સાથે મંજૂરી આપી

વસઈ રોડ કોચિંગ ટર્મિનસને પશ્ચિમ રેલવેની પરિવહન સુવિધાઓ અને ક્ષમતા વધારવા માટે રૂ. 150.26 કરોડના ભંડોળ સાથે મંજૂરી આપવામાં આવી રહી છે, એ મુજબનો પત્ર બોર્ડના ગતિશક્તિ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અભિષેક જગાવતે 17 માર્ચે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાને મોકલવામાં આવ્યો હતો.

આપણ વાંચો: પશ્ચિમ રેલવેમાં આવતીકાલે નાઈટ વિશેષ બ્લોક, અનેક ટ્રેન પર થશે અસર

વસઈ ટર્મિનસની યોજનાને 2018માં મંજૂરી આપી હતી

પ્રસ્તાવિત ટર્મિનસમાં ચાર પ્લેટફોર્મ, ત્રણ સ્ટેબલિંગ લાઈન (લાંબા અંતરની ટ્રેન માટે) તથા નવું ટર્મિનસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટને 2018માં મંજૂરી આપી હતી અને 2023માં પૂરી કરવાની યોજના હતી. હાલનું નેટવર્ક ફૂલ જામ થયું હોવાથી નવું ટર્મિનસ બનાવવામાં આવશે.

નવા ટર્મિનસ માટે કોઈ નવી જમીન સંપાદનની જરૂર નથી. ટર્મિનસ પર પ્રવાસીઓની સુવિધાઓનું સ્થાન નક્કી કરવા માટે બાંધકામ વિભાગ દ્વારા એન્જિનિયરિંગ પ્લાન તૈયાર કરવામાં આવશે. તેમાં ટિકિટ બારી, પુલ, એસ્કેલેટર, લિફ્ટ, વેઇટિંગ રૂમ, પીવાના પાણીની વ્યવસ્થા નક્કી કરશે.

ત્યાર બાદ ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવશે. નવા ટર્મિનસનું નિર્માણ કરવામાં આવ્યા પછી લાંબા અંતરની 200 અને સબર્બનની 3,000થી વધુ લોકલ ટ્રેનનું સંચાલન કરી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button