મહારાષ્ટ્રમાં નવો વિવાદઃ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ વકર્યો
મહાજનનો મહિલા આઇએએસ અધિકારી સાથે સંબંધ હોવાનો કર્યો દાવો

જળગાંવ: જળગાંવ જિલ્લાના પ્રધાન ગિરીશ મહાજન અને એકનાથ ખડસે વચ્ચેના વિવાદથી બધા વાકેફ છે. એવામાં એક પત્રકારે વાયરલ કરેલી ક્લિપને ટાંકીને ખડસેએ ગિરીશ મહાજન માટે મોટો દાવો કરતા કહ્યું હતું કે ગિરીશ મહાજનના એક મહિલા આઇએએસ અધિકારી સાથે સંબંધ છે. આ બાબતે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરી હોવાનું પણ ખડસેએ કહ્યું હતું.
‘સંબંધિત પત્રકારે જે ક્લિપ વાયરલ કરી છે તેમાં ગિરીશ મહાજનનો એક મહિલા આઇએએસ અધિકારી સાથે સંબંધ હોવાનું કહેવામાં આવ્યું છે. તે મહિલાનું નામ મને ખબર છે, પરંતુ તેનું નામ જાહેરમાં લેવાનું યોગ્ય નથી, પરંતુ જે વખતે પ્રધાનમંડળના વિસ્તરણ માટે અમિત શાહ સાથે બેઠક યોજાઇ ત્યારે તેમણે મહાજનને બોલાવી લીધા હતા’, એમ ખડસેએ જણાવ્યું હતું.
અમિત શાહે મહાજનને તે મહિલા સાથેના સંબંધ અંગે ઘણા સવાલ કર્યા હતા તથા મહાજને તે મહિલા સાથે સંબંધ હોવાનું નકારી કાઢ્યું હતું. ત્યારે શાહે કહ્યું હતું કે તેમના ફોન રેકોર્ડ તેમની પાસે છે અને અડધી રાત સુધી કલાકો સુધી તેમના કોલ તે મહિલા સાથે ચાલુ જ હોય છે, એમ ખડસેએ જણાવ્યું હતું.
ગિરીશ મહાજન વિશે સત્ય જાણવું હોય તો છેલ્લા દસ વર્ષનો તેમનો રેકોર્ડ તપાસો. હું પણ અમિત શાહને આ બાબતે મળવાનો છું અને પૂછીશ કે આ બધું શું ચાલી રહ્યું છે?, એમ ખડસેએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?
મહાજને ખડસે માટે શું કહ્યું?
ખડસેએ કરેલા દાવા પર પ્રતિક્રિયા આપતા ગિરીશ મહાજને જણાવ્યું હતું કે જો હું તેમની (ખડસે) માટે મોં ખોલીશ તો લોકો તેમને જૂતાથી મારશે. તેઓ એક નંબરના મહાચોર છે. કમરની નીચે વાર કર્યા સિવાય તેમને કંઇ જામતું નથી. તેમણે એક પણ પુરાવો દેખાડયો તો હું સક્રિય રાજકારણમાંથી બહાર નીકળી જઇશ. મારી સહનશીલતાની પરીક્ષા લેવાની જરૂર નથી.
ખડસેની સ્થિતિ કેટલી ખરાબ છે એ આખા મહારાષ્ટ્રને ખબર છે. તેથી હું તેમની જેમ આટલા નીચલાસ્તરે જઇ શકું નહીં. તેમની દુકાન બંધ થઇ ગઇ છે તેથી જ ગમે તેમ બોલી રહ્યા છે, જેવી તેવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, એમ મહાજને જણાવ્યું હતું