લાતુર પાલિકાના કમિશનરનો માથામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ…

લાતુર: લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે રવિવારે રાતે પિસ્તોલમાંથી માથામાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. રવિવારે રાતે બનેલી આ ઘટનામાં ઘાયલ પાલિકાના કમિશનર બાબાસાહેબ મનોહરેને સારવાર માટે સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમની તબિયત સ્થિર છે.
બાબાસાહેબે રાતે 11.30 વાગ્યે પોતાના બારશી રોડ પર આવેલા નિવાસસ્થાને પિસ્તોલમાંથી પોતાના માથામાં ગોળી મારી હતી. બાબાસાહેબ પર ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. ગોળી તેમની ખોપરીની જમણી બાજુ ઘૂસી ગઇ હતી, જેને કારણે ભારે રક્તસ્રાત થયો હતો, એમ હોસ્પિટલના ડિરેક્ટર ડો. હનુમંત કિણીકરે જણાવ્યું હતું.
બાબાસાહેબની તબિયત સ્થિર છે અને તેઓ સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે, એમ પણ કિણીકરે કહ્યું હતું.
પરિવારના સભ્યો અનુસાર બાબાસાહેબે શનિવારે ભોજન કર્યું હતું અને ઘરમાં દરેક સાથે વાત કરી. તેઓ પોતાના રૂમમાં સૂવા ગયા બાદ અચાનક આ પગલું ભર્યું હતું.
બાબાસાહેબે 20 ઑક્ટોબર, 2024 ના રોજ લાતુર પાલિકાના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો અને 27 માર્ચે પાલિકાનું વાર્ષિક બજેટ પ્રસ્તુત કર્યું હતું. (પીટીઆઇ)
આપણ વાંચો : રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર કરનારો રીલ્સ સ્ટાર નાશિકમાં પકડાયો