
અમદાવાદ: દેશમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બનેલા વકફ સંશોધન બિલને ભારે ધાંધલ ધમાલ વચ્ચે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષ અને મુસ્લિમ સંગઠનોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. બંને ગૃહની મંજૂરી બાદ વકફ સંશોધન બિલને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે અને હવે વકફ કાયદો બની ગયો છે.
આ અંગે સરકારે નવા વકફ કાયદા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. પરંતુ હવે વકફ કાયદો ક્યારથી લાગુ કરવામા આવશે તે સરકાર નક્કી કરશે. કારણ કે કેન્દ્ર સરકાર કાયદાના અમલીકરણની તારીખ અંગે એક અલગ નોટિફિકેશન બહાર પાડશે અને આ કાયદો સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આમ જોઇએ તો છેલ્લા દિવસોમાં વકફ ચર્ચાનુ કેન્દ્ર રહ્યું છે પણ ખરેખર વકફ છે શું તે વિશે ‘મુંબઇ સમાચાર‘એ વરિષ્ઠ એડવોકેટ અબ્બાસઅલી વાઘ સાથે વાતચીત કરી હતી.
વકફ અને ટ્રસ્ટ બંને વચ્ચે શું ફરક?
તેમણે વકફની સંપતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “વકફ એટલે અલ્લાહને નામે અર્પણ. તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટ અને વકફની વચ્ચે એ અંતર છે કે ટ્રસ્ટની સંપતિનો માલિક તેનું ટ્રસ્ટ છે, ચેરિટી કમિટીની મંજૂરી લઈ તેની સંપતિને વહેંચી શકાય છે. જ્યારે વકફમાં મુસ્લિમ દ્વારા અલ્લાહનાં નામે કોઇ સંપતિ અર્પણ કરવામાં આવે છે ત્યારે તે વકફ બને છે. વકફની સંપતિઓમાં મુખ્યત્વે મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનનો સમાવેશ થાય છે.
રાજાશાહી યુગમાં થતું હતું દાન
આગળ તેમણે કહ્યું હતું કે, “રાજાશાહી યુગમાં મસ્જિદ, મંદિર, દરગાહ માટે જમીન ફાળવવામાં આવતી હતી. તેમના માટે જે તે સમયે કાગળ પર તેની નોંધ પણ થતી હતી પરંતુ અમુક સમય બાદ તે બધી સંપતિના દસ્તાવેજોની જાળવણી થઈ શકતી નહોતી પરંતુ તેની એક ઓળખ ઊભી થતી. કબ્રસ્તાન અને જમીન માટે સરકાર દ્વારા જમીન આપવામાં આવતી જ હતી. આવી મુસ્લિમ સંપતિઓનો સમાવેશ પણ વકફમાં થતો હતો.
1995નાં કાયદા બાદ આવ્યો બદલાવ
તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 1995માં કાયદા પૂર્વે વકફની સંપતિ પણ ટ્રસ્ટ મુજબ નોંધાયેલી હતી પરંતુ 1995નાં કાયદા બાદ વકફ બોર્ડ બન્યું અને તેની સંપતિની નોંધણી કરવામાં આવી હતી. આથી મસ્જિદ સહિતની સંપતિઓની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી અને તેનું સંચાલન નિયંત્રણ વકફ બોર્ડને હસ્તક આવ્યું. તેમણે વકફ અંગેનાં દૂષપ્રચાર અંગે પણ વાત કરી હતી કે વકફની સંપતિમાં આવવા માટે આધાર પુરાવા જરૂરી હતા. પરંતુ હવે નવા કાયદા અનુસાર સરકારી સંપતિ જો વકફની સંપતિમાં સમાવેશ પામી છે અને સરકારને તેની જરૂરિયાત જણાય તો તે તે જમીનને લઈ શકે છે.
કાયદાનાં અર્થઘટનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ
આ અંગે તેમણે કાયદાનાં અર્થઘટનની દ્રષ્ટિને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે જે સંપતિ વકફની હોય અને વર્ષોથી અન્ય કોઇનો કબજો હોય તે જમીન પર સરકાર કબજો દૂર કરે તો સારો ઉપયોગ થયો, પરંતુ જો આ કાયદાનો ઉપયોગ કરીને મસ્જિદને તોડવામાં આવે તો તેને લઈને ડર છે. નવા કાયદામાં સરકારને સત્તા છે કે તે વકફની અમુક વિવાદિત કે ગેરકાયદે અથવા તો પુરાવા વિનાની સંપતિને જપ્ત કરી શકે છે. પણ સરકાર આવું જ કરશે તેવું કહી શકાય નહિ પરંતુ ભવિષ્યમાં કાયદાનું અલગ અર્થઘટન કરીને આવું કરી શકાય તેવી સત્તા સરકારને છે.
આપણ વાંચો : દેશમા વકફ સંશોધન બિલ હવે કાયદો બન્યો, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, જાણો કયારથી લાગુ થશે