ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : હિમાલયમાં કુદરતનું ઐશ્વર્ય હિમાચલ પ્રદેશની બાસ્પા વેલીમાં ભારતનું છેલ્લું ગામ ચિતકુલ

  • કૌશિક ઘેલાણી

હિમાચલ પ્રદેશનો કિન્નોર પ્રદેશ કુદરતનો ખૂબ લાડકો છે, અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. શિયાળાની ઋતુમાં આ પ્રદેશ બરફની ચાદર ઓઢીને સફેદી ધારણ કરે છે. મોકળા મને કુદરતની ભૂમિમાં ખુલ્લા પડેલા વિશાળ ઘાસનાં મેદાનો, ઠેર ઠેર પહાડો પરથી ભૂલકાઓ માફક નીકળી પડતા ઝરણાંઓ, બાસ્પા નદીને મળતી અલગ અલગ નદીઓની સરવાણીઓ, પહાડોએ આખી જ વેલીને એક અલગ જ શણગાર આપ્યો હોય એમ ઘેરી વળેલા બરફાચ્છાદિત પહાડો, ઠેર ઠેર સફરજનનાં બગીચાઓ અને મન તૃપ્ત ન થાય ત્યાં સુધી નિહાળ્યા જ કરો કે સાંભળ્યા જ કરો કુદરતી સંગીત સાથે મનમોહક પંખીઓનો ખજાનો એટલે કે બાસ્પા વેલી. ભારત-તિબેટ મહામાર્ગ પર આવેલી આ વેલી હિમાચલ પ્રદેશનાં રિકાન્ગ પિયોથી શરૂ થાય છે. નાનાં એવા ચાર પાંચ ગામડાઓ બાસ્પા નદીનાં કિનારે કુદરતી માહોલમાં આગવી જીવનશૈલીને ભરપૂર રીતે માણે છે.

રિકાન્ગપિયોથી સાંગલા ત્યાંથી રક્ષમ અને છેલ્લે ચિતકુલ – જે ભારત – તિબેટ સરહદ પરનું છેલ્લું ગામ છે એટલે દેશનું છેેલ્લું ગામ કહી શકાય. આ ગામ પછીનો સામાન્ય વિસ્તાર નાગરિકો માટે બંધ રહે છે અને અહીંથી 90 કિમીનાં અંતરે જ તિબેટની સરહદ આવે છે. આ ગામથી પહાડીને પાર કરીને પર્વતારોહકો પગદંડી મારફતે છેક ઉત્તરાખંડનાં ગંગોત્રી રેન્જમાં આવેલા હર-કી-દૂન સુધી પહોંચે છે. અહીંથી ઉત્તરાખંડ માત્ર 20 કિમીનું અંતર ધરાવે છે જે ગોવિંદ પશુવિહાર સેન્કચ્યુરીમાં નીકળે છે. આ નાનકડું એવું ગામ ચોતરફ બરફાચ્છાદિત પહાડોથી ઘેરાયેલું અને બાસ્પા નદીનાં કુદરતી સૌંદર્ય સાથે પાઈન અને ઑકનાં વૃક્ષોનાં જંગલોથી ઘેરાયેલું, અત્યંત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે કે અહીંથી છોડીને જવાનું મન જ ન થાય.

આ વેલીની શરૂઆત રિકાન્ગ પિયોથી કરી જ્યાં કિન્નોર કૈલાશ ટોચનાં દર્શન મનને રોમાંચિત કરી મૂકે છે. સાંગલા ગામમાં ઢળતી સંધ્યાના સમયે હું પહોંચ્યો કે દિગ્મૂઢ. કિન્નોર કૈલાસ પરથી ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો અને સૂરજની છેલ્લી રોશની હિમાલયની પહાડીઓને ઝગમગાવી રહી હતી. પ્રકૃતિની સુંદરતાને ખરેખર માણવી હોય તો બાસ્પા નદીનાં કિનારે વસેલા આ પ્રદેશનાં દરેક પાનાંઓ ફેરવી જોવા. રિકાન્ગ પિયો પાસે સાંગલા વેલીમાં હિમાલયનાં ઉન્નત શિખરો પરથી પૂર્ણિમાનો ચંદ્ર એ રીતે ખીલ્યો જાણે સ્વયં શિવ મસ્તકે પૂર્ણ ચંદ્રને ધારણ કરીને અવધૂત અવસ્થામાં ધ્યાનમગ્ન બેઠા હોય.

આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કલા, આધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર

આવો નજારો સામાન્ય રીતે આપણે સ્ક્રીનનાં વોલપેપર પર સહજ રીતે મૂકતા હોઈએ કેમ કે આવા દૃશ્યો સીધા જ મનને સ્પર્શી જતા હોય છે, તો વાસ્તવિક રીતે આંખ સામે ભજવાતાં આ દૃશ્યોની આભા મારા મન સુધી કેટલે ઊંડાણ સુધી સ્પર્શી હશે? મારી પાસે તો એ અનુભવને વર્ણવવા માટે શબ્દો નથી અથવા તો કહી શકું કે માં કોઈ સામર્થ્ય જ નથી કુદરતને શબ્દોમાં ઢાળવાનું. કુદરત બધે જ સરખો વહાલ વરસાવે છે, જો એ જે રીતે આપે છે એ જ રીતે એને સ્વીકારવાની આદત રાખો તો. જ્યાં જ્યાં માનવીય હસ્તક્ષેપ ઓછો છે ત્યાં કુદરત એના અદ્દલ રૂપમાં જ દેખા દે છે અને અહીંના માનવો ખૂબ જ સાદી જીવનશૈલી જીવે છે.

રક્ષમ આવે કે એક તરફ લાકડાનાં બનેલાં નાનકડાં ઘરો, એક તરફ ગાઢ અને લીલું જંગલ તો એક તરફ બરફાચ્છાદિત પહાડો અને ખળ ખળ વહેતા ઝરણાંઓ, નદીનો કલશોર આ બધું જાણે તમને કોઈ કુદરતી શક્તિથી એની તરફ ખેંચી રહ્યું હોય એવો અનુભવ થવા લાગશે. અહીં આવીને તમે જાતને ઓફલાઈન મોડ પર આપોઆપ લાવી દેશો. મોબાઈલ- વાઇફાઇ સઘળું એક પળમાં ભૂલીને કુદરત સાથેનો એકાકાર સાધશો જ. અહીં ઠેર ઠેર હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિનાં સંગમની ઝાંખી દેખાય છે.

ચિતકુલમાં બાસ્પા નદીના કિનારે છેક નદી સુધી ઊતરીને બેસી શકાય છે. અહીં જાણે પોતાનું અસ્તિત્વ સાવ સૂક્ષ્મ થઇ ગયું હોય એવો દિવ્ય અનુભવ કરી શકાય છે. હિમાલયની ગોદમાં પ્રચંડ વેગથી દોડતી, કમનીય વળાંકો લેતી બાસ્પા નદીનાં કિનારે બેસીને એને નિહાળવી એ એક લહાવો છે. નહિવત માનવો સાથે અહીં કુદરતનું અનેં સગીત સંભળાય છે. સિલ્વર પાઈન અને ઓકનાં વૃક્ષો આ નદીને વધારે સોહામણી બનાવે છે. નદીઓ જ તો છે જે સતત વહેતા રહેવાનું શીખવે છે, ગુંજવાનું શીખવે છે અને છેલ્લે કોઈનામાં સમાઈને કોઈને અનુરૂપ બનીને એના જ પ્રવાહમાં વહેવાનું શીખવે છે. છે આવી ફ્લેક્સિબિલિટી આપણી પાસે?

આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ : ભારતનાં નિસર્ગમાં વસંતનાં વધામણાં – પ્રકૃતિનો વાસંતી વૈભવ


સાહસિકો માટે અહીં ખૂબ જ રસપ્રદ અને પ્રકૃતિનાં ખરાં દૃશ્યો જોઈ શકાય એવા બે ટે્રક છે – નાગસ્તી અને રાણીકંદા. બંને ટે્રકનાં અંતે વિશાળ ઘાસનાં મેદાનો છે જે મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. અહીં માથીદેવીનું સરસ કાષ્ટનું બનેલું મંદિર છે, પથ્થરના વિશાળ પ્રાંગણ સાથેનાં આ મંદિરના પરિસરમાં વિતાવેલી પાંચ મિનિટ પણ જીવનની અમૂલ્ય ક્ષણોમાંની એક સાબિત થઇ શકે છે. માથીદેવીનું મંદિર સવારે એક જ સમયે ચોક્કસ સમય માટે ખુલે છે અને પ્રવાસીઓને અંદર જવાની છૂટ નથી. રાત પડે કે અહીં બર્ફીલા પહાડો પરથી ઝગમગાટ કરતા સિતારાઓને જોવા પણ એક લ્હાવો છે.

રાતનું મધુર સંગીત ગામની કોઈ પણ રૂમ સુધી પહોંચી જાય છે. બાસ્પા નદીનો પથ્થરો સાથેનો વાર્તાલાપ એક આગવી ધૂન રચે છે. અહીંનાં જંગલોમાં ઠેર ઠેર હિમાલયન ગ્રિફોન વલચર મંડરાતા જોવા મળે છે અને ક્યારેક નસીબ હોય તો હિમાલયન બ્રાઉન બિયર પણ મહાલતા નજરે ચઢી જાય. અહીંની મુખ્ય મજા દર થોડા થોડા અંતરે બદલાતા પહાડોનાં પ્રકારો અને રંગો. અહીં જાત જાતનાં પથ્થરોનાં પહાડો જોવા મળે છે જાણે કોઈ કુશળ કારીગરે ખૂબ મહેનત કરીને એમાં કોતરણી કરીને કળાના રંગો ભર્યા હોય પણ દોસ્ત આ તો કુદરત છે, ખૂબ જ મોટો કલાકાર જેની નિપુણતાને કળવું અશક્ય છે.

ચિતકુલમાં કશું જ ન કરીને માત્ર ફુરસદનો સમય વિતાવવા માટે જઈએ તો પણ જીવનનો શ્રેષ્ઠ સમય અહીં વિતાવી શકીએ. વર્ષનાં મોટાભાગનાં સમય દરમ્યાન અહીં બરફ છવાયેલો રહે છે પણ મેં મહિનાથી લઈને જૂન સુધી અને ચોમાસા પછીના અમુક મહિનાઓ અહીં આવવા માટે સર્વશ્રેષ્ઠ છે. અહીંના લોકો ખૂબ જ ભોળા અને મહેનતુ છે.અહીં રહેવા માટે એક બે હોસ્ટેલ અને સામાન્ય હોમસ્ટે પણ ઉપલબ્ધ છે. દેશભરમાં અહીંના સફરજન ખૂબ જ વખણાય છે.

જૂન મહિનામાં તો અહીં ચોતરફ ઝાડનાં પર્ણો કરતાં વધુ તો સફરજન લટકતા જોવા મળે છે. અહીંનો પ્રદેશ વિપુલ માત્રામાં સફરજનનું ઉત્પાદન કરીને દેશને આપે છે. 11000 ફૂટ કરતાં વધુ ઊંચાઈએ આવેલ આ સ્થળ પર પહોંચવા માટે રિકાન્ગ પિયોથી આશરે ચારેક કલાકની મુસાફરી છે, પણ એ મુસાફરી કોઈપણને મોહપાશમાં ઝકડી લે તેટલી ખૂબસૂરત છે. અહીં ભોજનમાં સાદું અને સરળ ઉત્તર ભારતીય ભોજન મળે છે અને પહાડી લોકોનું અમૃત કહો એટલે કે મેગી ઠેર ઠેર મળે છે. અહીંની ચામાં પણ અલગ મજા છે. મારા જેવા રખડું માટે કોઈ એક સ્થળ પર વધુ સમય રોકાવું અઘં પડે છતાં પણ હું અહીં ઘણા દિવસો સુધી રોકાઈ શકું એટલી સુંદર આ જગ્યા છે.

આખી કિન્નોરની ભૂમિ ધરતી અને સ્વર્ગ વચ્ચેની જગ્યા માનવામાં આવે છે. ટૂંકમાં જીવતેજીવ સ્વર્ગની સફરે જવું હોય તો કિન્નોર પ્રદેશની આ ભૂમિને શાંતિથી મહાલવી જોઈએ અને પોતાની જાતને કંઈક અલગ અને અનૂઠી ભેટ આપ્યાનો સંતોષ માણવો જોઈએ. અહીં આવીને પોતાની જાતને અખૂટ સમય આપી શકીએ અને નિસર્ગને ખુલ્લા મનથી માણી શકીએ. પ્રકૃતિના સંસર્ગમાં રહીને પ્રકૃતિના ગુણોનું પોતાની જાતમાં સિંચન કરી શકીએ એવો જ કઈક આ સ્થળનો જાદુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button