ઉત્સવ

આકાશ મારી પાંખમાં : હું, અપરાજિતા: દુષ્ટ તને તો આકરી સજા અપાવીને જ હું જંપીશ.

-ડૉ. કલ્પના દવે

આંખમાં ખુન્નસ ભરતાં માનસીએ એ હવસખોર સરદારને કહ્યું- દુષ્ટ તને તો આકરી સજા અપાવીને જ હું જંપીશ.

જેના બાપને માથે વોરંટ હોય, જેની મા જ દીકરીઓને દેહવેપારમાં ધકેલે એ મને સજા અપાવશે? જો, આ સરદારના હાથ બહુ લાંબા છે.

મને પ્લીઝ મારા ઘરે જવા દો. મારી મા રાહ જોતી હશે. રાતના નવ વાગી ગયા. મને અહીં ડર લાગે છે, ગભરાયેલી માનસીએ આજીજી કરતાં કહ્યું.

ત્યાં જ ફોનની ઘંટડી રણકી, સરદારે માનસીને સોફા પર ધકેલતાં કહ્યું- અગર જિંદા રહના હૈ તો મૂંહ બંધ રખ, નહીં તો રેડલાઈટ ભેજ દૂંગા.

અંકલ, મારે પપ્પા સાથે વાત કરવી છે. મંમા કહે છે કે સરદાર અંકલ બધું જાણે છે. અંકલ કહોને મારા પપ્પા કયાં છે?

તેરા બાપ તો કંપની કો 25લાખકા ચૂના લગા કે ભાગ ગયા, ઔર મુઝે યે મનીબેંક દે દી- તેરી મા મુઝે ખુશ કરેગી ઔર તેરે હંસી જલવે સે બારડાન્સ કી રોનક રોજ નયે ચાંદસે સિતારે ચમકેંગે.

આ પણ વાંચો:આકાશ મારી પાંખમાં : મધુવનમાં માંડી ગોઠડી

ત્યાં તો ફરી મોબાઈલ રણક્યો-

સામેથી ચંદ્રકાંત બોલી રહ્યો હતો- સરદાર, બસ એક વાર મને આ કસ્ટડીમાંથી બચાવી લે, તું જેમ કહીશ એમ કરીશ. જો, મારી પત્ની સુમન અને દીકરી માનસીને સાચવજે. અચાનક પોલીસ ઘરે જશે તો એ બંને ગભરાઈ જશે.

માનસી પપ્પા, પપ્પા બુમ પાડવા ગઈ પણ સરદારે તેના મોઢા પર હાથ દબાવીને ડોળા કાઢીને ચૂપ રહેવા જણાવ્યું.

જો, તારો જીવ વહાલો હોય તો આ મામલો શાંત ન થાય ત્યાં સુધી દુબઈની કંપનીમાં જ કામ કરજે.

પણ, હું ફાંયનાંન્સ કંપનીનો પાર્ટનર અને મારે અહીં હમાલી કરવાની? હું રાજકોટથી મોટો વેપાર કરવા મુંબઈ આવ્યો, આપણે શરૂ કરેલી નવી કંપનીમાં મેં મારા પચાસ લાખ લગાવી દીધા. મને મારી પત્ની અને દીકરીની ચિંતા થાય છે.

જો, આજે દુબઈનો પેલો સોદો ફાયનલ કરવા જઉં છું.

આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં : ન્યુ લાઈફ- ન્યૂ વિઝન, સાચી ઘટનાઓ પર આધારિત છે આ કથા

પણ,મને અહીંથી છોડાવ.

સરદારની પકડ ઢીલી થતાં જ માનસીએ બૂમ પાડી- પપ્પા તમે કયાં છો? જલદી આવો, આ સરદાર અંકલનો મને ડર લાગે છે.

ના,બેટા સરદાર અંકલ તો તાં અને મમ્મીનું ધ્યાન રાખે છે. એ બહુ સારો માણસ છે.

ના,પપ્પા એ બહુ ખરાબ છે. મારે અને મમ્મીને પણ એમની સાથે રાત્રે ડાન્સબારમાં જવું પડે છે.

સરદારે માનસીના હાથમાંથી ફોન ખેંચી લીધો.

મારી માનસી અહીં શું કરે છે, મારી સુમન કયાં છે?

જો, હું તો મિત્ર તરીકે મારી ફરજ બજાવુ છું. એ બંને ડાન્સબારમાં જાય છે અને રોજ નવી પાર્ટીઓમાં કમાય પણ છે.

ના-ના સરદાર અમારા ઘરમાં કોઈ સ્ત્રીઓ આમ બારડાન્સમાં જઈ દેહનું પ્રદર્શન ન કરે.

જો, હવે મારે તારી શીખ જોઈતી નથી, હું બોસ પાસે જઉં છું.

માનસી બેટા,જરા ય ડરવાનું નહીં, હું જલદી પાછો આવીશ. મંમા કયાં છે? ચંદ્રકાંતે ચિંતત થતા પૂછયું.

માનસી કંઈ જવાબ આપે તે પહેલાં જ સરદારે ફોન કટ કર્યો.

એ રાત્રે માનસી મેકઅપ કરીને ડાન્સબારના વસ્ત્રોમાં સજ્જ થઈને રાત્રે દશ વાગે પહોંચી.

આજે મ્યુઝિક અને લાઈટની ઝળાહળમાં પુરુષોની ભૂખાળવી નજર સાથે પોતાના લાચાર પિતાનો ચહેરો એની નજર સામે તરવરી રહ્યો. એણે મનોમન નક્કી કર્યું ગમે તે થાય મારા પપ્પાને હું છોડાવીશ. હું આ કામ નહીં કં, મારે તો આઈ.ટી.નો અભ્યાસ કરવો છે.

આજે નૃત્યમાં એ નજાકત કે ચહેરા પર એ હાસ્ય કયાંથી લાવે? ધંધામાં કોઈ પ્રોબલેમ થવાથી આ અંકલે રાતોરાત પપ્પાને દુબઈ મોકલી દીધા. અમારે પણ પપ્પા કયાં છે, એ કોઈને કહેવાનું નહીં. એ વાતને બે વર્ષ થઈ ગયા. પણ,પપ્પા ઘરે આવ્યા જ નથી. મંમા તો ખૂબ બદલાઈ ગઈ છે. એ સરદાર અંકલની ઓફિસમાં જ કામ કરે છે. એમની સાથે લેટનાઈટ પાર્ટી કરે છે. મને પણ ડાન્સબારમાં મંમાએ ધકેલી છે. મને આ નથી ગમતું.

શું મંમા અને સરદાર અંકલ જાણી જોઈને મારા પપ્પાને દુબઈમાં રાખે છે? મારા પપ્પા પાછા કેમ નથી આવતા ?

માનસીનું ધ્યાન આજે નૃત્ય કે મ્યુઝિકમાં ન હતું. એક ડાન્સગર્લ સાથે મેસેજ મોકલીને બારમેનેજર પ્રકાશ ચૌધરીએ માનસીને બોલાવી.

પ્રકાશ ચૌધરીએ પુછ્યું – માનસી, એની પ્રોબલેમ- અને હોય તો પણ આ એક વ્યવસાય છે. અહીં લોકો પોતાનું દુ:ખ ભૂલવા, તમારી પાસે બે ઘડી આનંદ લેવા આવે છે. તમે કસ્ટમરને એન્જોય ન કરાવો તે કેમ ચાલે?
સર, હું આ કામ કરવા માંગતી નથી. કાલથી આવીશ નહીં.

ત્યાં જ સુમન આવી, સર, જાને દો, લડકી હૈ, મૈં ઉસે સમજાઉંગી.

મંમા, મૈં કલસે નહીં આઉંગી. મુઝે પઢાઈ કરની હૈ.

તારો બાપ આપણને છોડીને દુબઈ ભાગી ગયો, એને કોઈ ચિંતા છે?

પણ, એટલે આપણે આવું કરવાનું-

તો હું શું કં- હું કંઈ ભણેલી નથી કે મને સારી નોકરી મળે.

ત્યાં જ સરદાર આવ્યો અને સુમનને કહે- માય સ્વીટી, શું કામ માથું ભમાવે છે- મારી પાસે એનો રસ્તો છે.

માનસી નતમસ્તકે મંમાનું આ હીણરૂપ જોઈ રહી. અઢાર વર્ષની માનસીને નિ:સહાય જોઈને મેનેજરનું હૈયું દ્રવી ઉઠ્યું.

એણે કહ્યું- માનસી હું તારો મિત્ર તને અહીંથી છોડાવીશ, અને તારા પપ્પાને પણ સરદારની ચુંગાલમાંથી છોડાવીશ.

મેનેજરના કહેવાથી બીજે જ દિવસે માનસીએ ડાન્સબારના ક્ષેત્રમાં આવેલા પોલીસ સ્ટેશનમાં દૈહિકધંધો થઈ રહ્યો છે એ બાતમી પહોંચાડી દીધી.

આજે સરદાર બહુ ગુસ્સામાં હતો. એ માનસીને ધમકાવીને બળજબરીથી દાબમાં રાખવા માંગતો હતો.

એક નાની ઓરડીમાં જયાં માનસી એના કપડા બદલી રહી હતી ત્યાં સરદાર પહોંચી ગયો, એની અને સુમન વચ્ચેના આ કાંટાને દૂર કરવા એનું શેતાની મગજ ઘૂમી રહ્યું હતું-

એના કોમળ અંગોને એ પિશાચના આંગળા ભીંસી રહ્યા હતા, ત્યાં જ માનસીમાં રણચંડી જેવી શક્તિનો સંચાર થયો. સંહાર કરનારી કોઈ રુદ્રાસ્વરૂપે એણે ત્રાડ પાડી- મા અંબા, મા ભવાની આ નરપિશાચ સામે લડવા મને બળ આપ.

દારૂના નશામાં લથડાતા સરદાર સામે તે રણચંડી બનીને અડગ ઊભી રહી.

ત્યાં જ ચાર પોલીસો અને ત્રણ મહિલા પોલીસ ડાંસબારમાં આવ્યા અને છાપો મારીને છ-સાત પુરુષો સાથે સરદારની ધરપકડ કરી.

કુમળી વયની બાળાઓને તથા દૈહિક શોષણ હેઠળ મેનેજર અને સુમનને પણ કસ્ટડીમાં લીધા.

માનસીએ પ્રકાશ ચૌધરી સાથે હાથ મિલાવતાં કહ્યું-
હું, અપરાજિતા- મિશન સકસેસફુલ-

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button