સોરઠની સંસ્કૃતિ, સમૃદ્ધિ ને સાધૂતાના કરો દર્શન માધવપુરના મેળામાં…

ડૉ. ઈશ્વરલાલ ભરડા
આપણી સંસ્કૃતિ અને પરંપરા ભાતીગળ છે. દરેક તહેવારની સાથે ધાર્મિક કથા જોડાયેલી છે. આ સિવાય આપણા જાજરમાન અને વૈભવથી સભર મેળાનું પણ આગવું મહત્ત્વ હોય છે. એવો જ એક મેળો છે પોરબંદરના કિનારે આવેલા ગામ માધવપુરમાં. જેને ઘેડના નામે પણ ઓળખવામાં આવે છે. આ મેળો દર વર્ષે ચૈત્ર મહિનામાં રામ નવમીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી એમાં આપણી વિવિધતાથી ભરેલી સંસ્કૃતિના દર્શન થાય છે.
હિન્દુ પૌરાણિક કથા અનુસાર 4000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના રુક્મિણી સાથે થયેલા વિવાહની સ્મૃતિ તરીકે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. કથા તો એવી પણ છે કે રાજા ભીમકની દીકરી રુક્મિણીની ઇચ્છા ભગવાન કૃષ્ણ સાથે વિવાહ કરવાની હતી, પરંતુ તેમનો ભાઈ રુક્મિણીના લગ્ન ભગવાન કૃષ્ણના ભાઈ શિશુપાલ સાથે કરાવવા માગતા હતા. એથી કૃષ્ણએ રુક્મિણીનું અપહરણ કર્યું અને માધવપુરમાં લગ્ન કર્યા હતાં.
શું છે આ મેળાની ખાસિયત
સૌરાષ્ટ્રના સાગરકાંઠે પોરબંદર- માંગરોળ મધ્યે ઘેડના નાકા અને નાકું એવા માધવપુરમાં પૌરાણિક અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક દર વર્ષે ચૈત્ર સુદ 9 થી 13 સુધી સોરઠી ઢબનો મેળો ભરાય છે પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઈ જાય છે પ્રાકૃતિક સૌંદર્યથી વીંટળાયેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્ય ધામો માંગરોળ અને ચોરવાડ જેટલું જાણીતું પ્રાચીનનગર માધવપુર (ઘેડ) છે.
આ પણ વાંચો: અહીં ક્યારેય બાર વાગતા જ નથી, અગિયારની છે બોલબાલા…
સુવિખ્યાત ભજનિક સ્વ મોહનલાલ રાયણીએ (ભજનમાં ગાયું છે કે `મારું રે માહિયારું માધવપુરમાં, મથુરાનગરમાં વેલડું જોડે તો મળવા જાઈએ’ શ્રી કૃષ્ણ રુક્મિણીનીના લગ્નની વાતને હજારો વર્ષ પછી હૈયામાં સંઘરીને બેઠેલું માધવપુર(ઘેડ) સૌરાષ્ટ્રના નૈર્ઋત્ય કોણમાં માંગરોળ થી વાયવ્યે 18 માઈલ, કેશોદ સ્ટેશનથી પશ્ચિમે 26 માઈલ અને પોરબંદરથી અગ્નિ ખૂણામાં 36 માઈલના અંતરે આવેલું ઐતિહાસિક નગર છે. અહીં યુગપુરુષ લોકજીવનના આારધ્યદેવ અને સાડા ત્રણ હજાર વર્ષ પછીએ જેને હૈયામાં ધબકતો રહેલો ભગવાન શ્રીકૃષ્ણ અરબી સમુદ્રના કાંઠે માધવરાયના રૂપે મંદિરમાં બિરાજે છે સાગર રાણો અહર્નિશ એમના પગ પખાળે છે.
રાજ્યના મુખ્ય ત્રણ મેળા તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં માધવપુર મેળાનું મહત્ત્વ વધારે છે ઘેડમાં મુખ્ય ત્રણ નદીઓ વહે છે તેમાં ભાદર, ઓઝત્ત્વ અને મધુવંતી આ ત્રણેયનું સંગમ સ્થાન માધરવપુર છે લોક હૃદયને હૈયે પણ ગવાય છે ગંગા, યમુના, સરસ્વતી ગોમતી એ ગૌદાન, તેથી અધિક મધુવંતી, જ્યાં પરણ્યા શ્રી ભગવાન' આ મેળા અંગે
માધવપુરનો માંડવો, જાદવકુળની જાન, પરણે રાણી રુક્મિણી શ્રી માધવરાય ભગવાન’ કહેવત પણ ખૂબ પ્રચલિત છે.
`તીર્થ ભૂમિ ગુજરાત’ પુસ્તકમાં લેખક શ્રી રાઘવીર ચૌધરી નોંધે છે કે માધપવુર (ઘેડ) સૌરાષ્ટ્ર સાગર કાંઠે વૃંદાવન છે. માધવપુર ભારતીય ધર્મ સાધકનું સંગમ સ્થળ છે. સાધકોનો માળો અને ભક્તોનો મેળો માધવપુર છે. સ્કંદપુરાણના માધવ પુરા-મહાત્મ્યમાં જે તીર્થોનો ઉલ્લેખ છે એમાનાં કેટલાંક અદૃશ્ય થઈ ગયાં છે, છતાં બ્રહ્મકુંડ, ગદાવાવ, કર્દમકુંડ મેરાયા, વરાહકુંડ ચોબારી, કપીલ ડેરી અને સિદ્ધતીર્થ સંગમ નારાયણ આદિના વર્ણનો મુજબ અસ્તિત્વ છે.
સાગર કાંઠાની ઊંચાઈએ શ્રી માધવરાયજીનું મંદિર છે. ત્યાંથી મધુવન ભણી જતાં શ્રી રામદેવજી મહારાજનું નૂતનમંદિર બંધાયું છે. મધુવનમાં મહાપ્રભુજીની બેઠક છે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ રુક્મિણી વનમાં આવેલા કર્દમકુંડ ઉપર શ્રીમદ્ ભાગવત પારાયણ તેમજ વ્યાખ્યાન કર્યું હતું, જ્યાં પરંપરાથી એમની ભારત વર્ષની 84 બેઠકોમાંની 66મી બેઠક અહીં સૂચવાઈ રહી છે. મહાપ્રભુજીની બેઠક નજીક રુક્મિણી શ્રી કૃષ્ણ લગ્ન માટેની ચોરી છે માહયરું છે.
આ પણ વાંચો:વલો કચ્છ : એક ક્રાંતિકારની બીજા ક્રાંતિકારને આપેલી શ્રદ્ધાંજલિ
માધવપુર (ઘેડ) પુરાણ કાળથી જ ઉત્સવ મેળાઓની ઉલ્લાસ ભૂમિ છે. અહીં અનેક સામાજિક પ્રસંગો એ વિશાળ માનવમેદની ઉમટતા લોકોનાં હૈયા ઉત્સવ ઘેલાં બને છે. આ ઉત્સવનો લોકમેળો એક બાજુ છે તો બીજી બાજુ રામાનુંજ, જાદવ, રામાનંદ, જાદવ કબીર આદિની સ્મૃતિ જાળવી રાખતાં સ્થળો છે. ગોરખનાથની ગુફા વિશે કહેવાય છે કે ત્યાં તેમણે તપશ્ચર્યા- સાધના કરેલી બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર છે. ભગવાન લકુલીશની શૈવ ઉપાસનાની વિશેષતા દર્શાવતું એક શિલ્પ સચવાઈ રહ્યું છે. આમ, રામાનુજ, જાદવ, વલ્લભથી મોડીને નાય, કબીર અને સહજાનંદની પરંપરાના અનેક સંત ભક્તોથી ભૂમિનું સેવન થયું છે
માધવપુરનો મેળો એટલે અગ્નિની સાક્ષીએ સુખ દુ:ખમાં સાથે આજીવન જીવવાના બે આત્માઓને લગ્નના પવિત્ર સંબંધથી જોડતો જ્ઞાન, ભક્તિ, કર્મ અને ઉલ્લાસનો મહિમા દર્શાવતો મેળો એ માધવરાયના પરિણયનો મેળો છે. પોરબંદર જિલ્લામાં આવેલા સાગરતળે માધવરાયના સાનિધ્યમાં યોજાતો માધવરાયનો મેળો. આ મેળો દાયકાઓ સુધી ભાગ લેતા રહેલા પંડિત કે. કા શાસ્ત્રી એ કહ્યું છે કે ઘેડની પ્રકૃતિ અને સંસ્કૃતિ બન્ને સમૃદ્ધ છે. મેળા વખતે અહીં ધરતી ગ્રામીણ યુવક- યુવતીઓનાં ભાતીગળ વસ્ત્રોથી ઢંકાઈને વાસંતી બની જાય છે.
સૌરાષ્ટ્રમાં દર્શનમાં આપણા ઈતિહાસ વિદ્ શંભુભાઈ દેસાઈ માધવપુર (ઘેડ) વિશે કહે છે `નાખો એટલું જ નીપજે ને કરીએ તેટલી ખેડ, નહીં નીંદવું, નહીં ખોદવું ધબકે ગોરંભાતો ઘેડ’ છેલ ફરેને છેતરે કાદવ ભાંગ કેડ, ઘઉં ચણાને ગુંધરી ઘરી ભરી દે ઘેડ’ સકર કંદને સેલરાં બીજાં હરિ નામ પૂજ્યા હોય તો પામીએ શીલ સરખાં ગામ’.
માધવપુર મેળામાં ભાટ, બારોટને ચારણ કવિઓયે આવે રાતના લોકવાર્તા અને લોકગીતની રજુઆત થાય. જુવાનિયાઓ સામ સામાં દુહાની રમઝટ બોલાવે સાખ પડે બેડોને શેરડી કાંઠા ઘઉં કટક રેંટ ખટુકે વાડીએ ભોંય ધરા સરઠ'
વસતી જ્યાં બહુ મહેરની, નારી પાતળ પેટ ઘી પથ્થર, વખાણવામાં ભોંય બરડો બેટ, `માથે ભલો માળવો ઉનાળે ગુજરાત ચોમાસે સોરઠ ભલો બરડો બારે માસ’
આ ઘેડ પંથકનાં ભાતીગળ મેળામાં ભજનો ગાવામાં લોક સાહિત્યકારો પોતાનું સૌભાગ્ય માને છે સૌરાષ્ટ્રમાંથી ભજનીકો, લોક કથાકારો, બારોટો ચારણો, ગઢવીઓ, ગાયકો પોતાના સાજ સાજિંદા સાથે ભજનની રમઝટ બોલાવે છે. જગતનાં દુ:ખો ભૂલી તમામ વર્ગના લોકો પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આનંદ ઉલ્લાસ ભક્તિ, ભોજન અને પૂજામાં લીન થઈ જાય છે આ મેળામાં કેટલીક સેવા ભાવી સંસ્થાઓ દ્વારા સતત પાંચ દિવસ સુધી ભાવિકોને ભોજનની વિના મૂલ્યે સગવડ આપવામાં આવે છે.
અહીં મેળામાં ભાતીગળવસ્ત્રો, ખુલ્લા ચોરણામાં સફેદ પાઘડી પરિધાન કરી મૂછે વળ ચડાવી વાકલડી પાઘડી માથે વેંત એકનું છોગું ફરકાવતા જવાંમર્દ મહેર, કોળી, રબારી, આહીર જુવાનો, અનોખી ભાત પાડતા જોવા મળે છે.
આ લોક મેળાનો પ્રારંભ ચૈત્ર સુદ નોમથી સુદ તેરસ સુધી સતત પાંચ દિવસ યોજાય છે. આ વર્ષે આ મેળો આજથી શરૂ થઈ રહ્યો છે. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિન રામનવમીના દિવસે મંડપરોપણ થાય છે.
ભગવાન શ્રી માધવરાયજી ત્રિકમરાયજીના મંદિરેથી પહેલા ફૂલેકાનો પ્રારંભ રાત્રીના 9 કલાકે થાય છે. ચૈત્ર સુદ દસમ તથા અગિયારસના દિવસે બીજું અને ત્રીજું ફૂલેકું નીકળે છે ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે ઉજવાય છે જેમાં માધવપુર (ઘેડ)ની નજીકના કડછ ગામના કડછા મહેર ધર્મના ઝંડા સાથે શણગારેલા હાથી, ઊંટ અને ઘોડા પર સવાર થઈ રુક્મિણીનું મામેરું લઈને આવે છે. ત્યારે જ ભરમેળો ગણાય છે.
મધુવનમાં આવેલ મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં રુક્મિણીના માવતર પક્ષની જગ્યા રુક્મિણી મઠથી બપોરે 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે. ત્યાર બાદ સાંજના ચાર કલાકે નીજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણ જાનનું પ્રયાણ થાય છે શ્રી કૃષ્ણ વરરાજા બને છે રૂપેણવાનમાં જાનનું આગમન થાય છે. વેવાઈઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે.
હિન્દુ સમાજમાં થતી લગ્નવિધિ મુજબ ક્નયાદાન દેવાય છે. મંગળ ફેરા ફરે છે. શાસ્ત્રોક્તવિધિ અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રી કૃષ્ણ-રુક્મિણી સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન ગ્રંથી જોડાય છે લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ચૈત્ર સુદ તેરસને દિવસે સવારે કરુણ વિદાય પ્રસંગ આવે છે શ્રી કૃષ્ણ વાજતે ગાજતે પરણીને બપોરના ત્રણ કલાકે નીજ મંદિરમાં પધારે છે. તે સાથે માધવપુરના મેળાની પૂર્ણાહુતિ થાય છે.
માધવપુરનો મેળો રામનવમીથી શરૂ થાય પણ અગિયારસની રાતે પુરબહારમાં ખીલે છે. વર્તમાન યુગમાં મોટર, મોટર સાઈકલો, બસો, ટે્રકટરો, ખટારાઓ જેવાં વાહનો આવ્યાં તે પહેલા ખેતી કરનારી તમામ કોમના લોક ગાડાં જોડીને સહકુટુંબ માધવપુરનો મેળો માણતા ને શ્રીકૃષ્ણને પરણાવવા દોઢસો-બસો ગાડાં જોડીને ત્રણ ત્રણ દિવસનાં ભાતાં પોતાના લઈને મેળામાં આવતાં.
અરુણાચલ પ્રદેશની મીષ્મી આદિજાતના મૂળ રાજા ભીષ્મક સુધી વિસ્તરેલી હોવાનું મનાય છે. દિબાંગ ખીણ જિલ્લામાં રોલિંગ પાસે આવેલા ભીષ્મક નગરનો ઉલ્લેખ કલકી પુરાણમાં પણ જોવા મળે છે. પૂર્વથી ચાલી આવતી પરંપરામાં મિષ્મી આદિજાતિના લોકો ભીષ્મક અને રુક્મિણીના વંશજો હોવાનું તે વિસ્તારનાં કથાનકોમાં આલેખાયેલ છે. આવી જ રીતે મણીપુર અને અરુણાચલની ઈદુ મીષ્મી આદિજાતિના લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ રુકમણીની કથાનું આલેખન જોવા મળે છે.
શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધમાં માધવપુરનો ઉલ્લેખ પણ જોવા મળે છે મહારાજા ભીષ્મક વિદર્ભના અધિપતિ હતા. તેમના પાંચ પુત્રો અને એક સુંદર ક્નયા હતી તે ક્નયાનું નામ રુક્મિણી હતું. રુક્મિણીએ ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતા, શૌર્ય, પરાક્રમ અને વૈભવની પ્રશંસા સાંભળી મનોમન તેમને વરવાનું નક્કી કર્યું. પરંતુ રુક્મિણીનો સૌથી મોટો ભાઈ રુક્મિણી શ્રી કૃષ્ણનો અત્યંત દ્વેષી હતો, જેે શિશુપાલ સાથે બહેન રુક્મિણીનો વિવાહ કરવા ઈચ્છતો હતો. જ્યારે રુક્મિણીને આ અંગે માલૂમ થયું ત્યારે તેઓએ સુદેવ નામના બ્રાહ્મણ સાથે શ્રીકૃષ્ણને સંદેશો મોકલ્યો હતો. આ લેખિત સંદેશામાં રુક્મિણીએ પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને વરી ચૂકેલી હોવાનું જણાવ્યું હતું. શ્રીકૃષ્ણ એ વિદર્ભના કુંદનપુર (કોડીયપુર) જઈને રુક્મિણીનું હરણ કર્યું. અને માધવપુર આવીને શ્રી કૃષ્ણ-રુકમણીના ગાંધર્વ પ્રથાથી મધુવનમાં લગ્ન થયા હતાં. તે રીતે માધવપુરાનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં છે.
ભગવાન શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રની ભૂમિ અમસ્તા ભૂલા નહોતા પડ્યા, સોરઠની પ્રજાના નિર્મળ હૃદયના પારદર્શક પ્રેમ અને ભક્તિભાવ ભાળી, જાણી જોઈને ભૂલા પડ્યા હતા અને રુક્મિણી સાથે લગ્ન કરીને સોરઠની ધરા ધન્ય બનાવી હતી. આપણા સુપ્રસિદ્ધ કવિ રમેશ પારેખે કહ્યું છે કે આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે આમ, આ ભાતીગળ મેળામાં દિવ્ય પ્રેમ અને અલૌકિક સ્મૃતિઓનો આનંદ ઉલ્લાસ લઈને લોકો પોતપોતાના વતનની વાટે વળે છે.