ફોકસ પ્લસ : વિન્ડચામનો મધુર સ્વર લાવે છે ઘરમાં સમૃદ્ધિ

-મધુ સિંહ
ઘરમાં વિન્ડચામ લગાવવાનો ટે્રન્ડ ખૂબ પ્રચલિત છે. આ હવે એક ડેકોરેશનની વસ્તુ નથી રહી, પરંતુ તેનું મહત્ત્વ ઘણું અનેરુ છે. એ ઘરની શોભામાં વૃદ્ધિ કરે છે. હવા સાથે ટકરાતા એમાંથી મધૂર સ્વર નીકળે છે. એનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને આસપાસનું વાતાવરણ પ્રેરક બને છે. વિન્ડચામમાંથી નીકળતો મંદમંદ સ્વર અંતરઆત્માને પણ ગુંજાયમાન કરે છે. એથી આપણે પ્રકૃતિ સાથે જોડાયા હોવાનો આપણને એહસાસ થાય છે. એનો નાદ એક સુખદ અનુભવ આપે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ એનું કંપન આપણી અંદર એક નવી ઊર્જાનો સંચાર કરે છે,જે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. ઘરમાં પણ સકારાત્મક ઊર્જાને આકર્ષક કરે છે.
વિન્ડચામનો ઉપયોગ હજારો વર્ષો પહેલાથી કરવામાં આવે છે. એનો આધ્યાત્મિક અર્થ પણ થાય છે. એનો અવાજ ભગવાનના સંદેશ સાથે જોડવામાં આવે છે. આ જ કારણ છે કે વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરામાં એનું ખાસ મહત્ત્વ રહેલું છે.
આપણા ઘર અને આજુબાજુના વાતાવરણને શાંતિ અને સકારાત્મકતાથી ભરવા માટે વિન્ડચામને લગાવતાં પહેલા એના માટે જરૂરી કેટલીક અગત્યની બાબતો પર ધ્યાન આપીએ.
યોગ્ય પસંદગી
જે સ્થાન માટે વિન્ડચામ ખરીદવા માગતા હોવ એના અનુરૂપ આપણે માટી, કાચ, લાકડા, ધાતુ અથવા સિરેમિકના વિન્ડચીમ પસંદ કરી શકીએ છીએ. પિતળ કે પછી સ્ટીલથી બનેલી વિન્ડચામમાં રૉડની સંખ્યા 6 કાં તો 7 હોવી જોઈએ. જો વાંસની બનેલી હોય તો એમાં રૉડની સંખ્યા 3-4 હોય છે. ઇકોફ્રેન્ડલી વિન્ડચામ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે.
યોગ્ય આકાર
આમાં અનેક પ્રકારના આકાર હોય છે. વિવિધ ડિઝાઇન, આકાર, ઘંટનો આકાર, ગોળાકાર એવી અનેક ડિઝાઇનની પસંદગી કરવી, જે પૉઝિટિવિટીથી ભરપૂર હોય.
દિશાની પસંદગી
ધાતુથી બનેલી વિન્ડચામ પશ્ચિમ અથવા તો ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ. લાકડાની વિન્ડચામ પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવું હિતાવહ છે. વાસ્તુની સાથે-સાથે ફેંગશુઈ મુજબ એની પસંદગી કરવી જોઈએ. 6 અને 8 રૉડવાળી વિન્ડચામ ભાગ્યનો ઉદય કરે છે. સિરેમિકની વિન્ડચામને દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ અથવા ઘરની મધ્યમાં લગાવવું જોઈએ. બગીચા માટે નાનું નહીં, પરંતુ મોટું વિન્ડચામ લગાવવું જોઈએ.
વિન્ડચામનો રંગ
ફેંગશુઈમાં અલગ-અલગ રંગોની વિન્ડચામને અલગ-અલગ અર્થ સાથે જોડવામાં આવે છે. કરિયરમાં આગળ વધવા માટે પીળા કલરના વિન્ડચામને ઉત્તર-પશ્ચિમ દિશામાં લટકાવવું જોઈએ. સફેદ અને સિલ્વર રંગના વિન્ડચામને પશ્ચિમ દિશામાં લગાવવાથી પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ વધે છે. બાળકોનો રૂમ ઉત્તર દિશામાં છે તો તેમના માટે પીળા રંગના ધાતુની વિન્ડચામની પસંદગી કરવી જોઈએ. એનાથી ઘરમાં શાંતિ રહે છે.
આપણવાંચો: આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક…2