આપણું ગુજરાત

અમદાવાદ મનપામાં ત્રણ અધિકારીની ભરતીમાં વ્હાલાંદવલાંની નીતિ: પસંદગીથી વિવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપામાં ટોચનાં અધિકારીઓની ભરતીમાં વ્હાલાંદવલાંની નીતિ અપનાવવામાં આવતી હોવાનાં આક્ષેપો વધુ એક વાર થયાં છે. ચાર ઇજનેર અધિકારી અને ઝુ સુપ્રિન્ટેન્ડન્ટની ખાલી જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરી સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ રજૂ થતાં વિરોધપક્ષ નેતાએ પણ સિસ્ટમની ટીકા કરતાં લેખિત પરીક્ષા લઇ મેરિટથી ભરતી કરવી જોઇએ તેવી ટિપ્પણ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મનપામાં એડિશનલ સિટી ઇજનેરની ખાલી પડેલી ત્રણ જગ્યા સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. જેમાં ૬૧ ઉમેદવારોને માન્ય ગણવામાં આવ્યા હતા. તેવી જ રીતે લાઇટ ખાતામાં એડિશનલ ચીફ ઇજનેરની એક જગ્યા માટે ૩૦ અરજી આવી હતી, તેમાં ૨૬ ઉમેદવારોને માન્ય ગણાયા હતા. જ્યારે ઝુ સુપ્રિન્ટેન્ડન્ટની ખાલી પડેલી એક જગ્યા માટે તો ૫૦ અરજી આવી હતી, તેમાંથી ૩૭ ઉમેદવારોને માન્ય ગણવામાં આવ્યા હતા. આ તમામ માન્ય થયેલાં ઉમેદવારોનાં મનપાનાં ડે. કમિશનરોની કમિટીએ મૌખિક ઇન્ટરવ્યુ લીધાં હોવાનુ કહેવાય છે, ત્યારબાદ તેમાંથી તેમને યોગ્ય લાગ્યા તેવા ઉમેદવારોનાં નામો પસંદ કરી મનપા હોદ્દેદારોની સ્ટાફ સિલેકશન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

કમિટીની શુક્રવારે મળેલી બેઠકમાં પાંચ અધિકારીઓની નિમણૂક આપવાનું કામ રજૂ થતાં જ મનપા વિપક્ષનેતાએ પસંદગી સિસ્ટમ સામે જ નારાજગી વ્યકત કરતાં કમિશનરે તમારુ કોઇ સૂચન હોય તો કહો તેમ કહેતાં વિપક્ષનેતાએ વર્ગ-૨ અને ૩ની જગ્યાઓ માટે જેમ લેખિત પરીક્ષા, મેરિટ અને ઇન્ટરવ્યૂ બાદ ભરતી કરવામાં આવે છે તે જ રીતે વર્ગ-૧નાં અધિકારીઓની ભરતી કરવાની હોય ત્યારે લેખિત પરીક્ષા અને મેરિટનાં ધોરણો તથા અનુભવ ધ્યાને લેવાવા જોઇએ તેવી રજૂઆત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button