આસામમા એનડીએની જીત, રાભા હાસોંગ કાઉન્સિલની ચૂંટણીમાં 36 માંથી 33 બેઠકો જીતી…

નવી દિલ્હી : આસામમા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમા સતત જીત મેળવ્યા બાદ એનડીએએ રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલની ચૂંટણીમાં 36 માંથી 33 બેઠકો જીતી લીધી છે. આસામ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, કોંગ્રેસ માત્ર એક આદિવાસી પરિષદ બેઠક જીતવામાં સફળ રહી છે. ભાજપે 6 બેઠકો જીતી, જ્યારે તેના સાથી પક્ષ રાભા હાસોંગ જૌથો સંગ્રામ સમિતિએ 27 બેઠકો જીતી અને 2 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી જીતી. શુક્રવારે આવેલા પરિણામોએ આસામના રાજકારણમાં ચર્ચા જગાવી છે.
ભાજપે છ બેઠકો જીતી
ભાજપે જીતેલી 6 બેઠકોમા કોઠાકુઠી,આગિયા,બોંડાપારા, બામુનીગાંવ, સિલપુતા અને જોયરામકુચીનો સમાવેશ થાય છે. મુખ્ય કાર્યકારી સભ્ય ટંકેશ્વર રાભા જે દક્ષિણ દૂધનોઈ કાઉન્સિલ મતવિસ્તારમાંથી ચૂંટણી લડયા હતા. તેઓ ફરી એકવાર જીતી ગયા છે. રાભા હાસોંગ જૌથો સંગ્રામ સમિતિના ઉમેદવાર ટંકેશ્વર રાભાને 7164 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજીબ કુમાર રાભાને 1593 મત મળ્યા.
આસામમાં ફરી એક ભગવા લહેર
આ જીત બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ લખ્યું, આસામમાં ફરી એક ભગવા લહેર! રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલના લોકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કલ્યાણકારી નીતિઓને ખાસ કરીને આદિવાસી સમુદાયો માટે સર્વાનુમતે સમર્થન આપ્યું છે. એનડીએએ 36 માંથી 33 બેઠકો જીતી છે.
જોકે, રાજ્યમાં રાભા હાસોંગની જીતથી એનડીએની તાકાતમાં વધુ વધારો થયો છે. બીજી તરફ કોંગ્રેસની કારમી હારથી સમગ્ર રાજ્યમાં એક અલગ પ્રકારનો માહોલ સર્જાયો છે.
આ તારીખે પંચાયત ચૂંટણી યોજાશે
રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલ વિસ્તાર આસામના ગોલપારા અને કામરૂપ જિલ્લામાં આવે છે. 2 એપ્રિલના રોજ આસામ રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં પંચાયત ચૂંટણીઓનો સમયપત્રક જાહેર કર્યું છે. જે 27 જિલ્લાઓમાં બે તબક્કામાં યોજાશે. રાજ્ય ચૂંટણી કમિશનર આલોક કુમારે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાનું મતદાન 2 મેના રોજ 14 જિલ્લાઓમાં થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન બાકીના 13 જિલ્લાઓમાં 7 મેના રોજ યોજાશે. આ બંને તબક્કાની મતગણતરી 11 મેના રોજ થશે.
આપણ વાંચો: Viral Video: આસામના પૂર્વ સીએમની દીકરીએ ડ્રાઈવરને ચંપલથી ફટકાર્યો, જાણો કેમ?