નેશનલ

શ્રીલંકાને વર્લ્ડ કપમાં મળી પહેલી જીત

નેધરલેન્ડ્સ સામે પાંચ વિકેટે વિજય

લખનઊ: અહીંયા નેધરલેન્ડ્સ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની વન-ડે મેચમાં શ્રીલંકાને સૌથી પહેલી જીત મળી હતી. શ્રીલંકાએ દસ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. પહેલા દાવમાં નેધરલેન્ડ્સે ૨૬૨ રન માર્યા હતા, જેના જવાબમાં સદીરા સમરવિક્રમા અને પથુમ નિશંકા, ચરિથ અસાલંકાએ નોંધપાત્ર ઈનિંગ રમતા શ્રીલંકાનો વિજય થયો હતો. વન-ડે વર્લ્ડ કપમાં શ્રીલંકાની આ પહેલી જીત છે.

લખનઊના એકાના સ્પોર્ટસ સિટી ખાતે નેધરલેન્ડ્સ અને શ્રીલંકાની મેચમાં સૌથી પહેલા ટોસ નેધરલેન્ડ્સ જીત્યું હતું. પહેલી બેટિંગ લેતા નેધરલેન્ડ્સવતીથી સાયબ્રાન્ડ એન્જેલબ્રેચે ૮૨ બોલમાં ૭૦, લોગાન વાન બીકે ૭૫ બોલમાં ૫૯ રન તથા કોલિન આકરમાને ૩૧ બોલમાં ૨૯ રન કર્યા હતા, જ્યારે દિલશાન મધુશંકા, કસુન રજિંથા, મહીશ થીકશાનાએ તબક્કાવાર મહત્ત્વની વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં શ્રીલંકા ૨૬૩ રનનો ટાર્ગેટ અચીવ કરવા માટે રમ્યું હતું. શ્રીલંકાવતીથી સદીરા સમરવિક્રમાએ ૧૦૭ બોલમાં ૯૧ રને નોટ આઉટ રહ્યો હતો, જ્યારે પથુમ નિશંકાએ બાવન બોલમાં ૫૪ રન તથા ચરિથ અસલન્કાએ ૬૬ બોલમાં ૪૪ રન કર્યા હતા. શ્રીલંકાની બીજા દાવમાં પહેલી વિકેટ કુસર પરેરાની પડી હતી, ત્યારબાદ બાવન રને બીજી, ૧૦૪ રને ત્રીજી વિકેટ પડી હતી. ચોથી વિકેટ ૧૮૧ રને તથા ડી: સિલ્વાની ૨૫૭ રને પાંચમી વિકેટ પડી હતી. નેધરલેન્ડ્સ અગાઉ દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ સર્જયો હતો. આજની મેચમાં શ્રીલંકાએ વિજય મેળવવાને કારણે નવમા ક્રમે શ્રીલંકા રહી છે, જ્યારે નેધરલેન્ડ્સ આઠમાં ક્રમે છે. નેધરલેન્ડ્સના બે પોઈન્ટ તથા શ્રીલંકાના બે પોઈન્ટ થયા છે. બંને ટીમને અત્યાર સુધીમાં ચાર-ચાર મેચ રમી છે, જ્યારે બંનેને એકએક જીત થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button