હમાસે અપહૃત અમેરિકન માતા-પુત્રીને છોડયા
વૉશિંગ્ટન: શુક્રવારે હમાસે અમેરિકન કિશોરી નતાલી રાનન અને તેના માતા જૂડિથ રાનનને છોડી મૂકયા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડને કહ્યું કે બંનેની સારવારમાં અને તેમને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા તેમની સરકાર સંપૂર્ણ મદદ કરશે. બાઈડને બંને બંધક સાથે ફોન પર વાતચીત કરી હતી. ૭મી ઑક્ટોબરે હમાસે ૨૦૦થી વધુ લોકોનું ઈઝરાયલમાંથી અપહરણ કર્યું હતું અને હમાસે શુક્રવારે પહેલીવાર બાનમાં રાખેલાને છોડ્યા હતા. અમેરિકાના વિદેશ પ્રધાન ટોની બ્લીન્કને આ બંને બંદીને છોડવામાં મદદ કરનારી કતારની સરકારનો આભાર માન્યો હતો.
શુક્રવારે હમાસે કહ્યું હતું કે કતારની સરકાર સાથેની સમજૂતીના આધારે માનવતાના કારણોસર બને હોસ્ટેજને છોડી મૂકવામાં આવ્યા હતા.
રેડ ક્રોસની ઈન્ટરનેશનલ કમિટિએ માતા-પુત્રીને ગાઝાથી ઈઝરાયલ લાવ્યા હતા. જે લોકો હજુ હમાસના કબજામાં છે તેમને જલદી છોડવામાં આવશે તેવી આશા રેડ ક્રોસ સંસ્થાના પ્રતિનિધિએ વ્યક્ત કરી હતી.
આગામી સપ્તાહમાં નતાલી રાનનની ૧૮મી વર્ષગાંઠ છે. ઈલિનોઈમાં નતાલીના પિતાએ કહ્યું કે, ‘મેં મારી પુત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. તે મજામાં છે.’ બંને માતા-પુત્રી આગામી સપ્તાહમાં અમેરિકા પહોંચી જશે.
કતાર સરકારના પ્રતિનિધિએ કહ્યું કે તમામ હોસ્ટેજને છોડી મૂકવામાં આવે તે હેતુથી ઈઝરાયલ અને હમાસ સાથે વાતચીત ચાલુ રાખીશું. દરમિયાન ઈઝરાયલ સૈન્યના એક પ્રવકતા રેપર એડમિરલ ડેનિયલ હાગાટીએ કહ્યું કે ઈઝરાયલ તમામ હોસ્ટેજ અને લાપતા લોકોને પાછા મેળવવાનું ચાલુ રાખશે અને સૈન્યનું લક્ષ્ય બદલાયું નથી. ‘અમારો હમાસ સામેનો જંગ ચાલુ છે અને યુદ્ધના આગામી તબક્કા માટે અમે તૈયાર છે.’