VIDEO:અમેરિકાએ 25 સેકન્ડમાં જ હૂતીને કર્યું તબાહ; ટ્રમ્પે કહ્યું, હવે હુમલો નહિ કરી શકે…

વોશિંગ્ટન: ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો પર અમેરિકાના હુમલા યથાવત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વીડિયો શેર કરીને હૂતીઓને ચેતવણી આપી છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે હૂતી બળવાખોરોના એક જૂથનો માત્ર 25 સેકન્ડમાં નાશ કરવામાં આવ્યો. આ વિડીયો રાજકીય અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે.
ટ્રમ્પે શેર કર્યો વીડિયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૂતી બળવાખોરો પરના હુમલાનો વીડિયો શેર કર્યો છે. જેમાં એક અમેરિકન ફાઇટર પ્લેન હૂતી બળવાખોરો પર બોમ્બ ફેંકી રહ્યું છે. હૂતી બળવાખોરો એક સર્કલ બનાવીને ઉભા જોવા મળી રહ્યા છે. તેમને નિશાન બનાવવામાં આવે છે અને ત્યારબાદ વીડિયો ઝૂમ આઉટ થાય છે અને એક મોટો વિસ્તાર ધુમાડાથી છવાયેલો જોવા મળે છે. તેમાં બે વાહનો પણ દેખાય છે. એવું માનવામાં આવે છે કે આ વાહનોનો ઉપયોગ હુમલા માટે થયો હશે.
શું કહ્યું ટ્રમ્પે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના આ વીડિયો સાથે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું – આ હૂતીઓ હુમલો કરવા માટે એકત્ર થયા હતા. ઉફ, હવે આ હૂતીઓ હુમલો નહીં કરે! તેઓ ફરી ક્યારેય આપણા જહાજો ડૂબાડશે નહીં! ઉલ્લેખનીય છે કે હૂતી બળવાખોરો રાતા સમુદ્રમાં જહાજોને નિશાન બનાવે છે. હમાસને સમર્થન આપવા માટે હૂતીઓ ઇઝરાયલી અને અમેરિકન જહાજોને વધુને વધુ નિશાન બનાવી રહ્યા છે.
હૂતી બળવાખોરો પર અમેરિકાનાં હુમલા
ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો જેઓ ઉત્તર યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવે છે, તેઓ 2014 થી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર સામે લડી રહ્યા છે. અમેરિકન સેનાએ 15 માર્ચથી ઉત્તર યમનમાં હૂતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર ફરી હવાઈ હુમલાઓ શરૂ કરી દીધા હતા, જેથી આ જૂથને આ ક્ષેત્રમાં અમેરિકન નૌકાદળ અને આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર હુમલો કરતાં અટકાવી શકાય.
આપણ વાંચો: અમેરિકામાં વાવાઝોડાથી સાત લોકોના મોત, ભારે વરસાદ અને પૂરની આગાહી