ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર કકડભૂસ, ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયનો બચાવ કરીને વ્યક્ત કર્યો આ આશાવાદ…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર ગણતરીના દિવસોમાં જ ક્કડભૂસ થયું છે. જેમાં વોલ સ્ટ્રીટમા બેંચમાર્કમાં પણ અફડા તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના માર્કેટ કેપમાં ફક્ત બે દિવસમાં 5 ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (DJIA) 5.5 ટકા ઘટ્યો અને નાસ્ડેક 5.8 ટકા ઘટ્યો. જેના કારણે શેરબજાર મંદીમાં ધકેલાઈ ગયું છે.
યુએસ અર્થતંત્રને વેગ મળશે : ટ્રમ્પ

જોકે, આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરના કારણે દેશના શેરબજારમાં ઉથલપાથલને અવગણી છે. તેમણે વેપાર મુદ્દા પર પોતાના આક્રમક વલણનો બચાવ કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની નીતિઓથી યુએસ અર્થતંત્રને વેગ મળશે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, ‘મોટા વ્યવસાયો ટેરિફ વિશે ચિંતિત નથી કારણ કે તેઓ ટકી રહેવાના છે. પરંતુ તેમનું ધ્યાન બિગ બ્યુટીફુલ ડીલ પર છે જે આપણી અર્થવ્યવસ્થાને વેગ આપશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.
અમીર બનવાનો ઉત્તમ સમય હોવાનું જણાવ્યું
જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાલના સમયને અમીર બનવાનો ઉત્તમ સમય હોવાનું જણાવ્યું છે. તેમજ કહ્યું છે આ આર્થિક ઘટાડો વેપાર અસંતુલનને ઘટાડવા માટેની પ્રક્રિયાનો એક હિસ્સો છે. જ્યારે તેમણે ચીન દ્વારા લાદવામાં આવેલા 34 ટકા ટેરિફ અંગે સંકેત આપ્યો કે અમેરિકા બીજા દેશો સાથે પણ વેપાર કરી શકે છે. તેમણે કહ્યું, જો વિયેતનામને અમેરિકા સાથે કરાર કરવાની તક મળે તો તે આપણી આયાત પરના ટેરિફને શૂન્ય કરવા માટે તૈયાર છે.
ટેરિફથી ફુગાવો વધી શકે છે
ટેરિફ વોરને કારણે વિદેશી શેરબજારોમાં પણ ઘટાડો થયો. જર્મનીનો DAX 5 ટકા, ફ્રાન્સનો CAC 40 4.3 ટકા અને જાપાનનો Nikkei 225 2.8 ટકા ઘટ્યો. આ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ વર્ષ 2021 પછીના સૌથી નીચા સ્તરે આવી ગયા અને તાંબા જેવી ધાતુઓમાં પણ આવો જ ઘટાડો જોવા મળ્યો. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ચેતવણી આપી હતી કે ટેરિફથી ફુગાવો વધી શકે છે અને જીડીપી વૃદ્ધિ ધીમી પડી શકે છે, જે વ્યાજ દરમાં ઘટાડો કરવા અંગે સાવચેતી રાખવાનો સંકેત આપે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને પગલાં લેવા વિનંતી કરી.
આમા માત્ર નબળા લોકો જ નિષ્ફળ જશે : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે માર-એ-લાગો રિસોર્ટમાં સપ્તાહના અંતે ગોલ્ફ રમતી વખતે કહ્યું હતું કે, આમા માત્ર નબળા લોકો જ નિષ્ફળ જશે. જોકે, ચીનના પ્રતિશોધાત્મક ટેરિફથી જીઇ હેલ્થકેર અને ડુપોન્ટ જેવી કંપનીઓને ભારે નુકસાન થયું છે. પરંતુ ટ્રમ્પે સકારાત્મક ચિત્ર રજૂ કરવાનું ચાલુ રાખ્યું છે.
આપણ વાંચો: ટેરિફ મુદ્દે ચીન-અમેરિકા આમને સામનેઃ અમેરિકાના સામાન પર ‘ડ્રેગન’ વસૂલશે 34 ટકા ટેરિફ…