ક્લીન-અપ માર્શલ દેખાયા તો એફઆઈઆર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈનાં સાર્વજનિક સ્થળો પર ગંદકી કરનારા પાસેથી દંડ વસૂલ કરનારા ક્લીન-અપ માર્શલ્સની સેવા શુક્રવાર ચાર એપ્રિલથી મુંબઈમાં બંધ કરી દેવામાં આવી છે. છતાં રસ્તા પર જો કોઈ ક્લીન-અપ માર્શલ નાગરિકો પાસેથી પૈસા લેતા પકડાયો તો સંબંધિત કંપની સામે પોલીસમાં એફઆઈઆર નોંધવાની પાલિકાએ ચેતવણી આપી છે.
ક્લીન-અપ માર્શલ્સની નિમણૂકના એક વર્ષ બાદ તેમની સેવા બંધ કરી દેવામાં આવી છે. છતાં જો રસ્તા પર કોઈ ગેરકાયદે વસૂલ કરતા પકડાયો તો તેમની સામે મુંબઈગરાને પાલિકાના કંટ્રોલરૂમમાં સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. એ સાથે જ પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મુંબઈમાં ઉપનગર સહિત દક્ષિણ મુંબઈમાં ક્લીન-અપ માર્શલ્સની સેવા પૂરી પાડનારી ૧૨ એજન્સીઓને પણ ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે તેમની કંપનીનો કોઈ પણ માણસ નાગરિકો પાસેથી દંડ કરતા દેખાયો તો સંબંધિત એજન્સી સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવશે.
મૂળમાં ૨૦૦૭માં શરૂ કરવામાં આવેલી ક્લીન-અપ માર્શલ્સ યોજના સામે નાગરિકો તરફથી અનેક વખત ફરિયાદો આવ્યા બાદ અનેક વખત આ યોજનાને સુધારા સાથે ચાલુ-બંધ કરવામાં આવતી રહી છે. નાગરિકોએ માર્શલ્સના વર્તન બાબતે અનેક વખત ફરિયાદો કરી હતી, જેને કારણે યોજના બંધ કરવામાં આવી હતી. જોકે એપ્રિલ, ૨૦૨૪માં તેને ફરીથી સેવામાં દાખલ કરવામાં આી હતી, જેમાં પાલિકાએ ૨૪ વોર્ડમાં ૧૨ એજન્સીની નિમણૂક કરી હતી. દરેક વોર્ડને સ્વચ્છ રાખવા અને ગંદકી કરનારા પાસેથી દંડ વસૂલ કરવા માટે ૩૦ માર્શલ્સ તહેનાત કરવામાં આવ્યા હતા.
આ માર્શલ્સ સાર્વજનિક સ્થળ પર કચરો ફેંકવા, થૂંકવા, ટોઈલેટ કરવા જેવી ગંદકી કરનારા પાસેથી ૨૦૦થી ૧,૦૦૦ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરતા હતા. દંડ વસૂલીમાં પારદર્શતા રહે તે માટે પાલિકાએ મોબાઈલ એપ્લિકેશન રજૂ કરી હતી જેનાથી માર્શલો ઈલેક્ટ્રોનિક દંડની રિસીપ્ટ આપતા હતા. વધુમાં આ સિસ્ટમ નાગરિકોને ક્યુઆર કોડ દ્વારા ઓનલાઈન તેમનો દંડ ચૂકવવાની સુવિધા પણ આપતી હતી. છતાં ક્લીન-અપ માર્શલ્સ સામે સતત ફરિયાદ આવતી હતી. છેવટે પાલિકાએ આ યોજના બંધ કરીને તેના બદલે ન્યુસન્સ ડિટેક્શન સ્કવોડને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે.
તમે પણ ફરિયાદ કરી શકો, આ રહ્યાં નંબર
આ યોજના બંધ થયા બાદ પણ ગેરકાયદે રીતે ક્લીન-અપ માર્શલો નાગરિકો પાસેથી દંડ વસૂલ કરે તો તેમની સામે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે પાલિકાએ તેમને ૦૨૨-૨૩૮૫૫૧૨૮ અથવા ૦૨૨-૨૩૮૭૭૬૯૧ (એક્સટેન્શન ૫૪૯/૫૦૦) નંબર પર સંપર્ક કરવાની વિનંતી કરી છે.
આપણ વાંચો: મુંબઇમાં એક મહિના માટે ડ્રોન, પેરાગ્લાઇડર્સ ઉડાવવા પર પ્રતિબંધ